<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ભીલવાસ ચોકમાં છરી બતાવી અમરેલીના રહિમને લૂંટી લેવાયોઃ કરણ ઉર્ફ કડો જીંજુવાડીયા ઝડપાયો

હાલ રાજકોટ ભાડેથી રહી પાનની દૂકાનમાં કામ કરતાં યુવાનને જે હોય તે આપી દેવા કહી આઠસો રૂપિયા પડાવી લીધા હતાં: પ્ર.નગર પોલીસે આરોપીને ઝડપી કાયદાનું ભાન કરાવ્‍યું

રાજકોટ તા. ૧૨: ભીલવાસમાં રહેતાં અને પાનની દુકાનમાં નોકરી કરતાં મુળ અમરેલીના યુવાનને પરમ દિવસે રાતે ભીલવાસ ચોક નજીક નકલંક ડેરી પાસે ભીલવાસના જ શખ્‍સે છરી બતાવી છુટો ઘા કરી જે રૂપિયા હોય તે આપી દે કહી આઠસોની રોકડ લૂંટી લેતાં પ્ર.નગર પોલીસે આ શખ્‍સની ધરપકડ કર કાયદાનું ભાન કરાવ્‍યું છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે અમરેલીમાં ચીતલ રોડ પર સંધી સોસાયટીમાં રહેતાં અને હાલ ભીલવાસ-૪ ઇરફાનભાઇના મકાનમાં ભાડેથી રહી રાહીલભાઇની આશાપુરા પાન નામની દૂકાનમાં મહિને દસ હજારના પગારથી નોકરી કરતાં રહિમ આદમભાઇ ઉર્ફ ડાડો સમા (ઉ.વ.૧૮)ની ફરિયાદ પરથી કરણ ઉર્ફ કડો નામના શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

રહીમ સમાએ જણાવ્‍યું હતું કે દસમી તારીખે સાંજે આઠેક વાગ્‍યે હું આશાપુરા પાન નામના ગલ્લેથી કામ પુરુ કરી ટીફીન મંગાવી જમીને નવેક વાગ્‍યે ચાલીને ફુલછાબ ચોકમાં આટો મારવા નીકળ્‍યો ત્‍યારે નકલંક ડેરી સામે મારો મિત્ર અફઝલ ઇકબાલભાઇ, મોઇન મેમણ મળતાં અમે ત્રણેય બેઠા હતાં. એ પછી હું પાનની દુકાને માવો લેવા ગયો હતો અને પપરત મારા મિત્રો પાસે જતો હતો ત્‍યારે રસ્‍તામાં નકલંક ડેરી પાસે એક શખ્‍સે મને ઉભા રહેવાનો અવાજ કરતાં મેં જોતાં આ શખ્‍સ કરણ ઉર્ફ કડો હતો. તેના હાથમાં છરી હતી.

કરણે મારી પાસે આવી જે રૂપિયા હોય તે આપી દે નહિતર છરી મારી દઇશ તેમ કહી મને છાતીના ભાગે છરીનો છુટો ઘા મારતાં હાથો લાગી ગયો હતો. હું ગભરાઇ જતાં કરણે ફરીથી છરી ઉપાડી લઇ મને બતાવી હતી. મારા ખિસ્‍સામાં  રૂા. ૮૦૦ હતાં. પણ મારે આપવા નહોતાં. કરણે ફરી છરી બતાવી ધમકી આપી મારા ખિસ્‍સામાંથી આ રોકડ લૂંટી લીધી હતી અને તે ભાગી ગયો હતો. બાદમાં મેં મિત્રોને વાત કરી હતી અને એક દિવસ રાહ જોઇ ફરિયાદ નોંધાવી હતી. પ્ર.નગરના હેડકોન્‍સ. જે. એચ. જાડેજાએ ગુનો નોંધતા પીએસઆઇ આઇ. એમ. બેલીમ સહિતની ટીમે તપાસ હાથ ધરી ભીલવાસ-૨માં રહેતાં કરણ ઉર્ફ કડો દિનેશભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૨૦)ને પકડી લઇ રોકડ કબ્‍જે કરવા તજવીજ આદરી હતી.

(2:46 PM IST)