News of Saturday, 12th April 2025
હનુમંત ભક્તિરસમાં રાજકોટ રસતરબોળ
‘‘લાલ દેહ લાલી લસે અરુધરિ લાલ લંગૂર, વજ્ર દેહ દાનવ દલન જય જય જય કપિસૂર'' : હનુમાન જયંતીની પાવનકારી ઉજવણી : વાજતે ગાજતે શોભાયાત્રા : ઠેર ઠેર પાઠ - પૂજન અને મહાપ્રસાદના આયોજનો

શ્રી બાલાજી હનુમાનજી મંદિરે અનેરા શણગાર : મારૂતિ યજ્ઞ અને પાઠ પૂજનમાં ભાવિકો ઉમટયા
રાજકોટ : ભુપેન્દ્રરોડ પર આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે હનુમાન જન્મોત્સવને લઇને સવારથી જ દર્શનાર્થીઓએ કતાર લગાવી હતી. સમગ્ર મંદિરને અનેરા શણગાર કરાયા છે. મહંત પૂ. વિવેકસાગર દાસજી સ્વામી, સ્વામીનારાયણ મુખ્ય મંદિરના મહંત પૂ. રાધારમણદાસજી, કોઠારી પૂ. મુનિવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યજ્ઞશાળા, મહાપ્રાસદ સહીતની તૈયારીઓમાં ભાવિક ભકતો જોડાયા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૨)
રાજકોટ તા. ૧૨ : આજે હનુમાન જયંતી નિમિતે રાજકોટ હનુમંત ભક્તિમાં રસતરબોળ બન્યુ છે. શહેરભરમાં આવેલ દાદાના મંદિરોને અનેરા શણગાર સાથે સવારથી જ પાઠ-પૂજા-આરતી અને પ્રસાદના કાર્યક્રમો ચાલી રહ્યા છે. શોભાયાત્રા તેમજ સાંજે પણ ધૂન-સત્સંગ-બટુકભોજન અને મહાપ્રસાદના આયોજનો થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
બડા બજરંગ ફાઉન્ડેશન
બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયુ છે. સાંજે ૪.૩૦ વાગ્યે રામનાથપરા ખાતેથી દાદાના રથને પ્રસ્થાન કરાવાશે. જેમાં ૩૫ થી વધુ ફલોટ જોડાયેલા હશે. દાદાના રથ પર ગનથી પુષ્પવર્ષાના દ્રશ્યો આકર્ષણ જમાવશે. આ રથયાત્રા રામનાથપરા ગરૂડ ગરબી ચોકથી, વિરાણીવાડી રોડ, હાથીખાના મેઇન રોડ, કેનાલ રોડ, ગુંદાવાડી ચોલી ચોકી, પ્રહલાદ પ્લોટ મેઇન રોડ થઇ ભુપેન્દ્રરોડ પર બાલાજી મંદિર ખાતે સમાપન પામશે.
સંકીર્તન મંદિર
પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી અખંડ હરિનામ સંકીર્તન મંડળ દ્વારા આજે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે રાત્રે ૯ થી ૧૨ શ્રીરામનામ મહારાજ, શ્રી હનુમાનજી મહારાજ તથા શ્રી સદ્દગુરૂ પાદુકા પૂજન - અભિષેક કરાશે. રાત્રે ૯ થી ૧૨ અન્નકુટ દર્શન ખુલ્લા રહેશે. સર્વે ભાવિકભકતો અને પ્રેમ પરિવારના મિત્રોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
પુનિત ભજન મંડળ
પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા આજે ભરતભાઇ ભુપતભાઇ ચાવડીયાને ત્યાં કરણપરા શેરી નં. ર ખાતે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે. રાત્રે ૮ થી દરમિયાન સભ્યો માટે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯.૩૦ વાગ્યાથી ધૂન-ભજન અને શ્રી હનુમાન ચાલીસાના પાઠ રાખેલ છે. ભાવિકોએ દર્શન - પાઠનો લાભ લેવા ભીંડોરા પરિવાર, ચાવડીયા પરિવાર, ભટ્ટ પરિવાર વતી જયેશભાઇ નથવાણીની યાદીમાં જણાવાયુ છે.
જડેશ્વર મંદિર મુંજકા
મુંજકા આર્ષ વિદ્યામંદિર પાસેના જડેશ્વર મહાદેવ મંદિરે સાંજે ૬ થી ૯ આદ્યાત્મિક, ધામિર્ક, માર્મિક વાતો સાથે હનુમંત ચરિત્ર અને દેવી દેવતાઓના ગુણગાન ગવાશે. લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા હાસ્ય મીમીક્રી વિનામૂલ્યે પીરસશે.
મનોકામનાસિધ્ધ હનુમાન
સદ્દગુરૂ સદન ટ્રસ્ટ પ્રેરીત શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે આજે હનુમાન જયંતિ નિમિતે આજે સવારથી ૨૪ કલાક અખંડ ૐ નમો હનુમંતે નમઃ સ્વાહા યજ્ઞ રાખેલ છે. સવારે આશ્રમના પ્રાંગણમાં જ શ્રી મનોકામનાસિધ્ધ હનુમાનજી મંદિરમાં મહાપૂજન, શ્રી હનુમાન બાહુકના પાઠ (શ્રીફળ સાથે) કરવામાં આવ્યા હતા. સાંજે ૪ થી પ સદ્દગુરૂદેવ ભગવાનનું ષોડષોપચાર પુજન અને સાંજે પ થી ૭ સુંદરકાંડ પાઠ નીજ મંદિર હોલમાં કરાશે.
બાલ બટુક હનુમાન મંદિર
વાણીયાવાડી શેરી નં. ૧/૬ માં બિરાજતા શ્રી બાલબટુક હનુમાનજી મંદિર દ્વારા કાલે હનુમાન જયંતિ ઉજવાશે. સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને ૭.૩૦ વાગ્યા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
મોજીલા હનુમાનજી મંદિર
કોઠારીયા કોલોની ગરબી ચોકમાં આવેલ શ્રી મોજીલા હનુમાનજી મંદિરે આજે સવારે મંગળા આરતીથી દાદાના જન્મોત્સવનો પ્રારંભ કરાયો હતો. સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ બાદ સરબત, છાશનું વિતરણ કરવામાં આવેલ. સાંજે હનુમાન ચાલીસા પાઠ અને ઓમકાર મહાઆરતી થશે. બાદમાં બટુક ભોજન રાખેલ છે. (૧૬.૪)
હનુમાન હાકુ મારે-
હનુમાન હાકુ મારે આ હનુમાન હાકુ મારે
ભગતોને ઇ તારે આ હનુમાન હાકુ મારે...
ભૂતડાને ભગાડે ઇ જોડીયાને જગાળે
ડેણ ડાકણને ડાણે આ હનુમાન હાકુ મારે...
પાંચ મુખડાવાળા આ ડુંગરને લાવનારો
લખમણને તારનારો આ હનુમાન હાકુ મારે...
અહિરાવણને માર્યો મહિ રાવણને માર્યો
રામ લખનને તાર્યો આ હનુમાન હાકુમારે...
લંકાને એને બારી આ ભગતોને ઉગારી
રાતડીયો કે ભારી આ હનુમાન હાકુ મારે..
ભીખુભાઇ રાતડીયા
દૂલારે...!
રામના રખોપા કીધા,
હનુમાન ડાડા એ રામના રખોપા કીધા.
શેરીએ ગલીએ ગામ ગામ પાદરે પાદરે,
ડેરા-દેરી તંબુ કીધા.
સિંદુર ચર્ચીત પાણાએ એ પુજાતોઃ
રામના રખોપા કીધા...!
ધુપ-દીપ એની આરતી થતી,
ને ઝણઝણતી ઝાલરૂ
ત્યારે રઘુવીર બહુ બહુ હરખાતો.
રામાના રખોપા કીધા...!
સુગ્રીવ વિભીષણને રાજપદ અપાવ્યું.
પોતે ધૂળના ઢેફે જઇ બેઠા...!
રામાના રખોપા કીધા.
હનુમાનડાડાએ રામના રખોપા કીધા
રામ-લખન મૈયા સીતા સહ
પોતે રામચરણ ખૂબ ખૂબ પાયો
ત્યારે ધૂન મચી તી, રામ-લખનમૈયા જાનકી
જય બોલો હનુમાન કી જય બોલો હનુમાન કી
જયશ્રી રામ-જયશ્રી રામ
ચંદ્રકાન્તભાઇ રૂપારેલીયા
મો. નં. ૯૪૦૮૦ ૯૫૪૨૯
(2:53 PM IST)










