News of Saturday, 12th April 2025
સિત્તેરના દાયકા સુધીનું રાજકોટ કેવું હતું?
સંસ્કારિતા, ભાઇચારો અને સદ્દભાવનાના સદ્દગુણોથી ઓપતું મારૂં રાજકોટ હતું : ૪ સિનેગૃહો હતાઃ ર-૩ આઇસ્ક્રીમની દુકાનો હતીઃ બગીચા પણ આંગળીના વેઢે ગણાય તેટલા જ હતા કાઠીયાવડ જીમખાનાથી લગ્ન- સત્કાર સમારોહનો યુગ શરૂ થયેલઃ બૂફે જમણ ખૂબ મોડેથી આવ્યા પોલીસ બેન્ડની બોલબાલા હતી.

રાજકોટ શહેર રંગીલું નહોતું !!
મને આ ઉપમા ગમતી નથી.
‘‘રંગીલા'' શબ્દનો બૃહદ અર્થ મોજ શોખ, રંગીન મિજાજીપણું, થોડે ઘણે અંશે ઉડાઉપણું એવો કરવો હોય તો કરી શકાય.
તો રાજકોટ કેવું હતું ??
ચાલો હું તમને સિત્તેરનાં દાયકા સુધી રાજકોટ કેવું હતું એનો ચિતાર આપું. ત્યારે શહેર રાજકોટ બરો મ્યુનિસિપાલિટીના વહીવટ હેઠળ આવતું. પોલીસ વડા આખા રાજકોટ જિલ્લા અને શહેર માટે એક જ હતા.
ત્યારના રાજકોટની અંદાજિત હદ જોઈએ તો સર લાખાજીરાજ રેલ્વે સ્ટેશન પોપટપરા, જંક્શન પ્લોટ, ગાયકવાડી પ્લોટ, ભોમેશ્વર, એરપોર્ટ કિસાનપરા, મહિલા કોલેજ, હાઉસિંગ બોર્ડ, જનતા સોસાયટી, ન્યુ જાગનાથ, મનહર પ્લોટ, વિજય પ્લોટ, ભક્તિનગર સ્ટેશન, લક્ષ્મીનગર, ઉદ્યોગનગર, ભક્તિનગર સોસાયટી, લક્ષ્મીવાડી, ગુંદાવાડી, જયરાજ પ્લોટ, હાથીખાના, રણછોડનગર, રણછોડદાસ આશ્રમ અને લાતી પ્લોટ થઈને લાખાજીરાજ રેલવે સ્ટેશન એમ પૂરી થતી. આ વર્તુળ બહાર શહેર બહુ ધીમી ગતિએ વિકસી રહ્યું હતું.
શહેરમાં માત્ર ચાર સિનેમા હોલ હતા. શ્રી કૃષ્ણ, પ્રહલાદ, હરિヘ ંદ્ર અને ગેસફર્ડ. નવા પિકચરો રિલીઝ થાય એટલે ટિકિટ મેળવવા લાઈનો લાગતી.
આઈસક્રીમ નીતિ વિજય અને પટેલ આઇસક્રીમ એમ બે-ત્રણ ગણી-ગાંઠી જગ્યાએ જ મળતો. મોટો ઓર્ડર દ્યરે લઈ જવા માટે હોય તો થર્મોસ અને કપ ચમચી સાથે આપતા.
બગીચાઓમાં બાલભવન અને જયુબીલી જ ઠીક ઠીક સારામાં ગણાતા. બાકી ત્રિકોણ બાગ, જિલ્લા ગાર્ડન જેવા નાના બગીચા હતા.
ડોકટરો જૂજ હતા, સર્જનમાં ડો. દસ્તુર શિરમોર ગણાતા. ડેન્ટીસ્ટમાં ડો.પી.વી.દોશી અને આંખ કાન અને ગળા માટે ડો.મોદીનો સિક્કો હતો. કાર્ડીએકમાં ડો.ટોળીયા હતા.
રેસ્ટોરન્ટમાં ત્રિકોણ બાગ પાસે તાજ અને પરાબજારમાં રેઇનબો હતા. લોકો બહુ ઓછા બહાર નું ખાતા. સૌ પ્રથમ ઈડલી ઢોસા વિગેરે એ.જી.ઓફિસ સામે ખુલ્લા મેદાનમાં પતરાવાળી રેસ્ટોરન્ટમા એક મદ્રાસી પરિવારે શરૂ કરેલા.પાઉં-ભાજી તો ઘણી જયુબેલી બાગ પાસે હરિભાઇ (ભગત પાઉભાનજીવાળા લાવ્યા.મોડી આવી. વડા-પાઉં અને દાબેલી કોઈએ જોયાં જ નહોતાં. રજાના દિવસોમાં ડેલા, ફળી કે મહોલ્લામાં સમૂહભોજનો થતાં. પડોશીઓ પ્રેમથી સાથે મળી ભાગે પડતા પૈસા આપી સાથે જમતાં.
આકાશવાણીનું કેન્દ્ર ૧૯૫પ માં શરૂ થયેલું. તેમાં લોકસંગીતનો દબદબો હતો. સુગમ સંગીતમાં પણ ગણનામાન્ય કલાકારો હતા. જાહેર કાર્યક્રમોની જાહેરાતમાં ‘‘રેડિયો આર્ટિસ્ટ xyz...'' એવું લખવાથી ગાયકોનો છાકો પડતો.
સર લાખાજીરાજ પુસ્તકાલય અને લેંગ લાયબ્રેરી બે જ પુસ્તકાલયો હતાં, જયાં વાંચવા જવા માટે લાયબ્રેરી ખૂલે એ પહેલાં કતારો લાગતી.
લગ્નો પછી સત્કાર સમારંભો બહુ મોડે મોડે કાઠીયાવાડ જીમખાનામાં શરૂ થયેલા. ત્યારે પંગત બેસાડી લોકો ને જમાડવામાં આવતા. પછી ટેબલ ખુરશીની કતારો કરી બેસાડતા. બુફે જમણ તો જ હતાં જ નહી. લગ્નોમાં પોલીસ બેન્ડની બોલબાલા હતી. રસ્તે જતા લોકો સાંભળવા ઊભા રહી જતા.
પાઉચવાળા દૂધ-છાશ ક્યાંય મળતા નહિ. મોટા ડેરી ફાર્મ ફેરિયા મારફત ઘરે ઘરે જઈ ચોખ્ખું દૂધ પહોચાડતા. માલધારીઓની વસ્તી પણ હતી. તેઓ ઘરે ઘરે દૂધ ભરતા.
વ્યંજનોમાં ગોરધનભાઇની વેફર અનેચેવડો, ભગતના પેડા અને કરણપરાનાં કંદોઈઓની થાબડીનો કોઈ જવાબ નહોતો. સદર બજાર સિવાય ફાફડા-ગાંઠિયા ભાગ્યે જ ક્યાંક મળતા. રમણીક લોજમાં ભાણું મળતું.
નાટક કંપનીઓ જૂના રાજ થિયેટર અને નૂતન થિયેટરમાં આવતી. લોકો દેશી નાટકો જોવા ખૂબ જતા.
પરિવહનમાં એસ.ટી.શહેરી સેવા ચલાવતી જેમાં બસ નંબર એકથી શરૂ થઈ ચાર ઉપર પૂરા થઈ જતાં. મોટી ટાંકી અને સદરમાં મોટાં ઘોડા ગાડી સ્ટેન્ડ હતાં. વહેલા બસ કે ટ્રેન પકડવી હોય તો ઘોડાગાડીવાળાને રાત્રે ઘરે જઈને કહી આવવું પડતું. કાળી પીળી રિક્ષાઓ બહુ મોડી મોડી આવેલી.
સાંજ પડે મારગો મોટેભાગે સૂમસામ થઈ જતા. સાંજે વહેલા રાજકોટનાં ગાડા ખેડુઓ ભારોટું ભરીને બળદ ગાડું લઈને શહેર સોંસરવા નીકળતા.
નાઇટ લાઇફ મર્યાદિત હતી. એક માત્ર સૂર્યકાંત હોટેલ (ગોંડલ રોડ)ને જ ચોવીસ કલાકનું લાયસન્સ હતું. કલાકારો અને થોડાઘણા મિત્ર મંડળો ત્યાં ચા-પાણી પીવા જતા.ત્રિકોણ બાગ પાસે રાજકમલ સ્ટુડિયોના ઓટે દિગ્ગજ નાટ્યકારો, ગાયકો અને કલાકારોની રાત્રી બેઠક થતી.ઓશો રજનીશનો પ્રસાર- પ્રચાર અહીથી શરૂ થયેલ.
રાજકોટમાં મર્ડર બહુ જૂજ થતાં. એક ખૂન થાય તો એની વાતો બે-ત્રણ મહિના ચાલતી. ચોરી ચપાટી બહુ ઓછી થતી. બીટ પર ના પોલીસ જમાદારો રાત્રે અચૂક રોનમાં નીકળતા. ગુરખાઓ ‘‘જાગતે રહો'' ના પોકાર સાથે શેરીએ શેરીએ નીકળતા.
શાળાઓ ત્યારે પણ શહેરનાં પ્રમાણમાં ઘણી હતી. સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, ચૌધરી હાઇસ્કુલ, આલ્ફ્રેડ હાઇસ્કુલ, જી.ટી.ગર્લ્સ સ્કૂલ, બાઈસાહેબ બા ગર્લ્સ સ્કૂલ વિગેરે મોખરે હતી. અંગ્રેજી માધ્યમમાં એક સેન્ટ મેરીઝ અને બીજી રાજકુમાર કોલેજ હતી. કોલેજોમાં ધર્મેન્દ્રસિંહજી, કુંડલિયા, પી.ડી.એમ અને વિરાણી સાયન્સ સિવાય કોઈ ખાસ નહોતી. ખાનગી સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોનું નામ નહોતું.
વાસણ પોતાં, કચરા, કપડાં ધોવા વગેરે કામો લોકો મોટે ભાગે જાતે જ કરતા. બહુ ધનાઢ્ય લોકોને ત્યાં કામવાળા કે નોકર ચાકરો રહેતા.
ફ્રીઝ સુખી લોકોને ત્યાં પણ બહુ મોડા મોડા આવેલા. ટેલિફોન હોવો સ્ટેટ્સ સિમ્બોલ ગણાતું. બહારગામ ફોન લગાડવા તાર ઓફિસ જઈને કોલ નોંધાવી વારો આવે એની બાંકડે બેસી રાહ જોવી પડતી. એ.સી. , લિફ્ટ વાળા બિલ્ડિંગો, આધુનિક કારો (એમ્બેસેડર અને ફિયાટ સિવાય) ક્યાંય જવલ્લે જોવા મળતાં તો તેની ચર્ચાઓ થતી. વોશિંગ મશીનો નહોતાં. કપડાં ધોવા ડિટરજન્ટ સાબુ અને ભૂકી પછી આવ્યાં. ‘‘હરણ'' છાપ લોકલ મેડ સાબુ લોકપ્રિય હતો.
પણ સૌથી મજાની વાત તો એ હતી કે મોટા ભાગના લોકો એક બીજાને ઓળખતા. ઓળખાણ નિસ્બત રાખતા. રસ્તા પરના શેરી-કજીયા રાહદારીઓ જ સુલેહ કરાવી નિપટાવી દેતા. પડોશીઓ એક-બીજાને ત્યાં સારી વાનગી બની હોય તો પીરસણાં મોકલાતાં. કોઈ મોટો માણસ ગુજરી જાય તો સ્વયંભૂ બજારો બંધ રહેતી. જાહેર સંસ્થાઓ શોક સભાઓ રાખતી.
રસ્તે રમતા છોકરાઓ પોલીસ નીકળે તો કાલી ઘેલી ભાષા માં ‘‘પોલીસ સલામ'' બોલીને જેવી આવડે એવી સલામ કરતા.
પહેરવેશ મર્યાદાપૂર્ણ હતા. કોઈ શેરીના અંધારે ખૂણે કોઈ સાયકલ સવાર અમુક પરિસ્થિતિમાં અમુક વ્યક્તિ સાથે ઊભો રહે, તો રહેવાસીઓ ઠપકો આપી તગડતા. ટુંકમાં સમજણ, સંસ્કારિતા, ભાઈચારો અને સદભાવનાના ગુણોથી ઓપતું હતું મારું રાજકોટ.
રાજકોટની આ જ ઓળખાણ મારી સાથે રહેશે.(સોશ્યલ મિડીયામાંથી સાભાર)
(4:07 PM IST)










