News of Saturday, 12th April 2025
નવા બંધારણ રજીસ્ટ્રેશનની અરજી ચેરીટી કમિશનરમાંથી પાછી ખેંચતુ ચેમ્બર ઓફ કોમર્સ
હવે ચેમ્બરની ચુંટણી જુનમાં આપવી પડશે : નિયમોનું પાલન થાય તો વી.પી. વૈષ્ણવ ચુંટણી લડી શકશે નહીં : સંજય લાખાણી-કૃષ્ણદત્ત રાવલ

રાજકોટ,તા.૧૨ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા ઘણા મહિનાઓથી વેપારીઓના પ્રશ્ને પારોઠના પગલા ભરી રહ્યાની ફરિયાદો ઉઠતી રહી છે. આ વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સનું નવું બંધારણ ઘડી કાઢી તે રજીસ્ટર્ડ કરાવવાની પ્રક્રિયા માટેની ચેરિટી કમિશનરમાં થયેલી અરજી પાછી ખેંચી લેવામાં આવતા પ્રમુખનો કાર્યકાળ પાંચ વર્ષનો કરવાનો ખેલ ઉંધો પડયાનું ચેમ્બરના સભ્યો સંજય લાખાણી અને આરટીઆઇ એક્ટીવીસ્ટ કૃષ્ણદત્ત રાવલે અખબારી યાદીમાં જણાવ્યું છે.
લાખાણી અને રાવલે જણાવ્યું છે કે, કન્વેન્શન સેન્ટર મળશે તેવુ પ્રલોભન આપી વગર વિચાર્યે બંધારણ ઘડવાનું પગલું ભારે પડી ગયું છે. જુના બંધારણ મુજબ ચુંટણી માર્ચમાં કરવાની હોય છે. કારોબારીની ટર્મ પુરી થઇ ગયા પછી વધુમાં વધુ ૯૦ દિવસમાં ચુંટણી યોજવાની જોગવાઇ છે. કોઇપણ હોદ્દેદાર એટલે કે પ્રમુખ, ઉપ પ્રમુખ, માનદ મંત્રી અને ખજાનચી વધુમાં વધુ બે ટર્મ અથવા ૬ વર્ષ પછી ફરીથી આ હોદ્દા ઉપર નિમણુંકને પાત્ર રહેતા નથી માટે નિયમાનુસાર વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવ આવતી ચુંટણી લડી શકશે નહીં.
ચેમ્બર ઓફ કોમર્સ વેપારીના હિત માટે કામ કરતી સંસ્થા છે. તેમણે માત્રને માત્ર સત્તાધારી પક્ષની વાહ-વાહી કરવી જોઇએ નહીેં . વેપારીઓના હિતમાં સરકારનો કાન પણ આમળવો જોઇએ તેવું સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે જણાવવા સાથે ભવિષ્યમાં ચેમ્બરને સુસગંત હોય તેવું બંધારણ બનાવી ચેરીટી કમિશનરમાં રજીસ્ટ્રેશન કરવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ચેમ્બર ઓફ કોમર્સ માં ૨૨૦૦ સભ્યો છે જેમાંથી માત્ર ૧૦૦ સભ્યોના મત લઇ ચુંટાયેલી પાંખની મુદ્દત ત્રણ વર્ષમાંથી ૫ વર્ષ કરવા નવુ બંધારણ બનાવી રજીસ્ટ્રેરશન માટે અરજી કરવામાં આવી હતી. આ મુદ્દે બે પક્ષો વચ્ચેના કાનુની જંગમાં પીછેહઠ થશે તેવુ લાગતા સેક્રેટરી દ્વારા બીનસરતી અરજી પરત ખેંચી લેવામાં આવી છે. એજીએમનાં એજન્ડામાં લીધા વગર છેલ્લી ઘડીએ પ્રમુખનો કાર્યકાળ પાંચ વર્ષનો કરવાનો ખેલ આ અરજી પાછી ખેંચાતા ઉંધો પડયાનું વેપારીઓનું કહેવું છે.
(4:17 PM IST)










