News of Tuesday, 15th April 2025
અમરનગરમાં હોટલના ધંધાર્થી જતીનભાઇ ઓળકીયાના મકાનમાં પોણા બે લાખની ચોરી
તસ્કરો ચાવીથી કબાટ ખોલી સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયાઃ એક શખ્સ સકંજામાં

રાજકોટ તા. ૧પઃ મવડી રોડ અમરનગરમાં રહેતા હોટલ સંચાલકના મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂા. ૧,૭પ,૩૦૦ની માલમત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ અમરનગર-૧ શેરી નં. ૩માં રહેતા જતીનભાઇ રમેશભાઇ ઓળકીયા (ઉ.વ. ૩૦) એ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જતીનભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ જતીનભાઇ ગોંડલ રોડ પર વૈદવાડી-૧માં ‘ચામુંડા ટી સ્ટોલ' નામની હોટલ ધરાવે છે તેના ઘરમાં બેડરૂમમાં એક લોખંડનો કબાટ રાખેલ છે. તે જયારે પણ પરિવાર સાથે બહાર જાય ત્યારે કબાટની ચાવી ગોદડાની નીચે રાખે છે. તા. ૮ના રોજ જતીનભાઇના ઘરે ચામુંડા માતાજી અને મહાકાળી માતાજીનો માંડવો હતો જેથી ઘરે મહેમાનોની અવરજવર સતત ચાલુ હોઇ તેથી ઘરના દરવાજા ખુલ્લા હતા જતીનભાઇ રાત્રે રૂમમાં ગયા ત્યારે કબાટ બંધ હતો. બાદ બહાર ગયા હતા. મોડી રાત્રે પત્નીનો ફોન આવતા તેણે કહેલ કે ‘આપણા ઘરમાં કબાટનો દરવાજો ખુલ્લો છે અને ઘરમાં સામાન વેરવીખેર છે.' તેમ કહેતા જતીનભાઇ તુરત જ ઘરે આવ્યા બાદ અંદર જતા ઘરમાં બેડરૂમમાં રાખેલા કબાટનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર જોતા તેણે તપાસ કરતા કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા. ૧,૭પ,૩૦૦ની માલમત્તા કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાની ખબર પડી હતી. તસ્કરે બેડરૂમમાં ગોદડાની નીચે રાખેલી કબાટની ચાવી વડે કબાટ ખોલી તેમાં રહેલી તીજોરી તોડી રૂા. ૧.૭પ લાખની માલમત્તા ચોરી ગયાની ખબર પડી હતી જતીનભાઇએ જાણ કરતા માલવીયાનગર પોલીસના એ.એસ.આઇ.એચ. ટી. પરમાર સહિતે સ્થળ પર પહોંચી જતીનભાઇ ઓળકીયાની ફરિયાદ દાખલ કરી હતી. કોઇ જાણભેદુ હોવાની શંકાના આધારે પી.એસ.આઇ. વી. આર. ઝાલાએ સીસીટીવી કેમેરા જોતા તેમાં એક શખ્સ દેખાતા પોલીસે બાતમીના આધારે એક શખ્સને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. (૭.ર૭)
(2:46 PM IST)










