News of Tuesday, 15th April 2025
મવડી સ્પોર્ટસ સંકુલમાં જાળા બાજી ગયા ! શરૂ થવામાં ધાંધીયા
શહેરના વોર્ડ નં. ૧ર માં કરોડોના ખર્ચે અદ્યતન નિર્માણ પણ સંચાલન અંગે નિર્ણય પેન્ડીંગ ઉદ્ઘાટનના ર૦-ર૦ દિવસ થયા પ્રક્રિયાના કોઇ ઠેકાણા નથીઃ રમતવીરો-લોકોમાં રોષ

રાજકોટ, તા. ૧૫: મનપાના પ્રજાલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ થયા બાદ તેનું સંચાલન સંસ્થાઓને સોંપવાની પરંપરા રહી છે. કોર્પોરેશન પોતાના વિભાગની કામગીરી પણ સમયસર કરી શકતું નથી. શહેરમાં સંસ્થાઓ દ્વારા બાગ-બગીચાઓ, કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટોનું સંચાલન થાય ં છે. પરંતુ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ તેનું લોકાર્પણ કરવામાં સમય વિતાવી નાખે છે. ત્યાર બાદ સંચાલન કરવા માટે પણ યોગ્ય સમયે નિર્ણય ન લેવાતો હોય પ્રોજેક્ટ તૈયાર થયા બાદ અનેક વખત ધુળ ખાતો નજરે પડે છે.
આવી સ્થિતિ મવડી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અને તેનું લોકાર્પણ ગત તા. ૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. તેનું સંચાલન કોને સોંપવું તેનો નિર્ણય લેવામાં અધિકારીઓ અને પદાધિકારીઓએ ર૦ દિવસ જેટલો સમય કાઢી નાખતા આજે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ધુળધાણી થતો જોવાઈ રહ્યો છે. અને આ સ્પોર્ટસ સંકુલ કયારે ખુલશે તેવું રમતવીરો તથા લોકોમાં ચર્ચાય રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્યે ઉદેશને ધ્યાને લઈ મવડી વિસ્તાારમાં વોર્ડનં.૧રમાં ૧૧,૮૩૧.૦૦ ચો.મી. જગ્યા માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ૧ર૦૦ લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે ૯૫૦૦.૦૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડમાં ર્પાકિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેીટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટમન કોર્ટ, આર્ચરી, સ્કપવોસ, પ્લે-ગ્રાઉન્ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જર, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે.આ ઇન્ડોર સ્ટેડીયમથી આશરે ૧,૫૦,૦૦૦ લોકોને ફાયદો થશે. પરંતુ હાલ આ સ્પોર્ટસ સંકુલ ધુળ ખાઈ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.
આ બાબતે પદાધિકારી વિભાગ અને લાગતા વળગતા વિભાગ પાસેથી જાણવા મળેલ કે, સ્પોર્ટસ સંકુલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવું કે કોર્પોરેશન ખુદ કરે તે મુદ્દે આજ સુધી ચર્ચા હાથ ધરાઈ નથી. આથી ટુંક સમયમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મીટીંગ યોજી સ્પોર્ટસ સંકુલના સંચાલનનો નિર્ણય લેશે.
જેના માટે મીટીંગ કયારે યોજવામાં આવે તે અંગે અધિકારીઓ આગામી દિવસોમાં તૈયારી કરશે જેના કારણે મીટીંગ યોજાયા બાદ સંભવત ખાનગી સંસ્થાને સંચાલન સોંપવાનું થાય તો ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવી પડે અને તેના માટે સમય પણ જોઈએ તેમજ ટેન્ડર થયા બાદ વર્કઓર્ડર સહિતની કામગીરીમાં પણ વધુ સમય લાગતો હોય સ્પોર્ટસ સંકુલ કયારે ખુલશે તે કહેવું મુશ્કેલ બન્યું છે.
(3:41 PM IST)










