News of Wednesday, 16th April 2025
રાજકોટની ૮૦ કેમિસ્ટ દુકાનો પર કોફીન-સીરપ સહિતની નશાકારક દવાઓ અંગે ફુડ-ડ્રગ્સની તપાસણી
કલેકટરે રીપોર્ટ મેળવ્યોઃ જીલ્લા નાર્કો-કો-ઓડીનેશનની બેઠક યોજાઇ

રાજકોટ, તા.૧૬: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા અભિયાન અન્વયે અવેરનેસ કેમ્પ યોજવા અને કેમિસ્ટની દુકાનોની સમયાંતરે તપાસ કરવા સહિતની જરૂરી સૂચનાઓ અપાઈ હતી.
કલેક્ટર શાળા-કોલેજ વિસ્તારોમાં પાન-મસાલા, તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ અટકાવવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પડતર જમીન પર ગાંજા અને અફીણના છોડનું વાવેતર પર પ્રતિબંધ મુકવા જરૂરી ચર્ચા કરી હતી. કલેકટરશ્રીએ ‘‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા'' અભિયાન હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધુને વધુ જનજાગળતિ કેમ્પનું આયોજન કરવા પર ભાર મુકયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી ૮૦થી વધુ કેમિસ્ટની દુકાનો પર કોફીન, સીરપ, સહિતની ગેરકાયદેસર નશાકારક દવાઓના વેચાણની તપાસ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
બેઠકમાં પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી,આર.આર.ખાંભરા,રાહુલ ગમારા, નાગાજણ તરખલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરસીયા, એસ. ઓ. જી.ના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૩.૧૬)
(2:38 PM IST)










