News of Wednesday, 16th April 2025
મુસાફરોથી ધમધમતા એસ.ટી. બસપોર્ટનું પાણીનું પરબ ભર ઉનાળે બંધ હાલતમાં
પરબ ચાલુ ન થાય તો પાણીની નાંદ મુકી વૈકલ્પિક વ્યવસ્થા કરવા મુસાફર હિતરક્ષક સમિતિની માંગ

રાજકોટ, તા. ૧૬: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, દિલીપભાઈ આસવાણી, જીગ્નેશ બોરડ, જેન્તીભાઈ હિરપરા, ભાવનાબેન સોની, નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયા ની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ એસ.ટી બસ પોર્ટના પાણીના પરબો પૈકી પ્લેટફોર્મ નંબર ૨૨ પર નું એક પરબ જેમાં ચાર નળ માંથી એક પણ નળમાં પાણીનું ટીપું આવતું નથી.
તમામ પ્લેટફોર્મ પૈકી આ પ્લેટફોર્મ પર મુસાફરો સીટીંગ વ્યવસ્થા ઓછી હોવાને પગલે દાહોદ ગોધરા જતા ગરીબ પરિવારોને એસટી બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ પર નીચે બેસવાની ફરજ પડે છે. આ પ્લેટફોર્મ પર પાણી ન આવતું હોવાને પગલે હજારો મુસાફરો જ્યારે પાણીના પરબે જાય ત્યારે ભોઠા પડે છે.
આ અંગે વિભાગીય નિયામકને પણ પાણીના પરબમાં પાણીના ધાંધિયા નિવારવા રજૂઆત કરી હતી.
પાણીનું પરબ બંધ થાય અને પાણીનું પરબ બંધ રહે ત્યાં સુધી તે પરબ પર પાણીની નાંદ અથવા પાણીના બેરલ મુકાવા એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ માંગણી ઉઠાવી છે.(૬.૧૪)
(3:18 PM IST)










