News of Wednesday, 16th April 2025
ગામડાઓમાં બાંધકામ અને વેરા ક્ષેત્રે તોળાતા ધરખમ ફેરફારો
ગાંધીનગરમાં રાજયભરના ડી.ડી.ઓ.ની કાર્યશાળાઃ રાજકોટથી ભાગ લેતા અનંદુ સુરેશ ગોવિંદ કાલે ડી.ડી.ઓ. અને ડી.આર.ડી.એ નિયામકોની સંયુકત બેઠકઃ પંચાયત ક્ષેત્રની સરકારી યોજનાઓની સમીક્ષાઃ નીતિ-નિયમોમાં ફેરફારને અવકાશ

રાજકોટ તા. ૧૬: રાજયભરની જિલ્લા પંચાયતોના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસની કાર્યશાળા આજે ગાંધીનગરમાં યોજાયેલ છે. જેમાં પંચાયતી ક્ષેત્રમાં વહીવટને વધુ પ્રભાવક બનાવવા વિચારોની આપ-લે થઇ રહી છે. કાલે તા. ૧૭મીએ વિકાસ અધિકારીઓ અને ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની સંયુકત બેઠક યોજાશે. બે દિવસના આ કાર્યક્રમમાં રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ ભાગ લઇ રહ્યા છે. કાલે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી પણ જોડાશે. પંચાયત ક્ષેત્રની સરકારી યોજનાઓની સમીક્ષા સાથે યોજનાઓને વધુ પ્રજાલક્ષી બનાવવા સૂચનો માંગવામાં આવી રહ્યા છે. આવતા દિવસોમાં ગ્રામીણ ક્ષેત્રમાં બાંધકામના હાલના હળવા નિયમોના સ્થાને નગરો અને મહાનગરોની જેમ નવા નિયમો બને તેવા નિર્દેષ છે.
જાણવા મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયતો દ્વારા વસુલાતા વેરાની પધ્ધતિમાં પણ ફેરફારોને અવકાશ છે. ગામડાઓમાં નવા બાંધકામ ભવિષ્યના વિકાસ અને સલામતીને ધ્યાને રાખીને થાય તે દિશામાં ચર્ચા થઇ રહી છે. ચોકકસ નીતિ નિયમો બને તેવી શકયતા છે.
ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં સ્વચ્છતા, વહીવટી સરળીકરણ, પંચવટી યોજના, તીર્થગ્રામ યોજના આવાસ યોજના, ગ્રામસભાની કામગીરી, ગ્રાન્ટનો ઉપયોગ ગામડાઓમાં પ્રજાકીય અને વહીવટી મુશ્કેલી વિકાસની સંભાવના વગેરે મુદ્દા ચર્ચાની કાર્યસૂચિમાં છે.
ડી.ડી.ઓ. અને નિયામકોની બેઠકોના માર્ગદર્શકોમાં પંચાયત વિભાગના સચિવ શ્રીમતી મનીષા ચંદ્રા, વિકાસ કમિશનર શ્રી હિતેષ કોયા, અધિક કમિશનર શ્રી ગૌરવ દહિંયા વગેરેનો સમાવેશ થાય છે.
(3:57 PM IST)










