News of Wednesday, 16th April 2025
મનપાનું મહાકાય ડીમોલીશનઃ રામાપીર ચોક પાસેનું પાંચ માળનું બિલ્ડીંગ તોડવાનું શરૂ
મનપાની ટાઉન પ્લાનીંગ શાખાએ વોર્ડ નં. ૧ વિસ્તારમાં જબ્બર ઓપરેશન હાથ ધર્યુ રાજકીય ભલામણો-દબાણ વચ્ચે તંત્ર દ્વારા સુચિતમાં ખડકાયેલ ર૦ હજાર ચો. ફુટ બાંધકામ તોડી પાડવા કવાયત

રાજકોટ તા. ૧૬ :.. શહેરના વોર્ડ નં. ૧ ના રામાપીર ચોક પાસે મનપાની ટાઉન પ્લાનીંગ શાખાએ જબ્બર ડિમોલેશન શરૂ કરી સુચીતમાં થયેલ પાંચ માળના ર૦ હજાર ચો. ફુટનું બાંધકામ દુર કરવા મેન્યુઅલી કામગીરી શરૂ કરાઇ છે. જે ૧પ-ર૦ દિવસ ચાલનાર છે. આ ડીમોલેશન રોકાવા માટે રાજકીય આગેવાનો, પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરોની ભારે ભલામણ-દબાણ વચ્ચે તંત્ર દ્વારા કાર્યવાહી કરી છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદી મુજબ
મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર તથા નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ તા.૧૬ ના રોજ અરજદાર દ્વારા કરવામાં આવેલ અનઅધિકળત બાંધકામોને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ.
શહેરના વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧ના ભાવિકભાઈ પટેલ, દ્વારા લાભદીપ સોસાયટી, ભગવતી ડેરી ફાર્મ, રામાપીર ચોકથી નાણાવટી ચોક તરફ જતા, ૧૫૦ રીંગ રોડ, ઉપર વાણીજ્ય હેતુના ગ્રાઉન્ડ પાંચ માળના બિલ્ડીંગનું બાંધકામ કરાયું હતું.
અરજદાર દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-૨૬૦(૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસામીશ્રી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, ૨૬૦(૨) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ગ્રાઉન્ડ પાંચ માળના અંદાજીત ૨૦૦૦૦ ચો.ફૂટ નું બાંધકામ દુર કરવાની કામગીરી ચાલુ કરેલ છે.
ગેરકાયદેસર બાંધકામને લાગુ રહેણાંક વિસ્તાર હોય, સ્થાનિકે સલામતીના ભાગ રૂપે સેફટીને ધ્યાને લઇ આ બાંધકામ દુર કરવાની કામગીરી મેન્યુઅલી હાથ ધરવામાં આવેલ છે જે અંદાજીત ૧૫ થી ૨૦ દિવસ સુધી ચાલુ રહેશે.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોન, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા P.G.V.C.L. નો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(4:13 PM IST)










