<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

દર ૩ મહિને સીટી-બીઆરટીએસ ડ્રાઇવરના ફિટનેસ ટેસ્‍ટના નિયમોનો ઉલાળ્‍યો

ત્રણ મહિના પહેલા બનાવેલો નિયમ ફાઇલમાં જ દબાઇ ગયો, જવાબદાર કોણ? : એસ.ટી.ની રોજ ૪૦૦ બસ શહેરમાં પસાર થાય છે છતા છ માસમાં એક પણ અકસ્‍માત નહીં, સિટી બસોનો છાસવારે આતંકઃ લોકોનો આક્રોશ

 રાજકોટ તા.૧૬ :..  શહેરમાં આજે સવારે બેફામ દોડતી સિટીબસે ચાર નિર્દોષ જીંદગી છીનવી લીધી જેના ઘેરા પ્રત્‍યાધાતો પડ્‍યા છે. આ પ્રકારના બનાવો બન્‍યા બાદ કોર્પોરેશન દ્વારા કડક નિયમો બનાવવામાં આવતા હોય છે. જેમાં તાજેતરમાં રેલનગરમાં સિટી બસના ડ્રાઇવરને ચાલુ બસે એટેક આવ્‍યા બાદ મોટી દુર્ઘટના ટળી હતી. તે વખતે કોર્પોરેશનને સિટીબસના ડ્રાઇવરના ફિટનેસ અંગેના નિયમો બનાવી તેની અમલવારી કરવાની જાહેરત કરેલ આ તમામ નિયમો આજ સુધી ચોપડે રહી ગયેલા હોય નિયમોનો ઉલાળ્‍યો થતા આજે ગમખ્‍વાર દુર્ઘટના ઘટી હોવાનું ચર્ચા રહ્યું છે. છતા તંત્રએ ફરી વખત આ ઘટનાની તપાસના આદેશ આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.

ઇન્‍દિરા સર્કલ ખાતે ઘટેલ આજની દુર્ઘટનામાં ડ્રાઇવરને કસુરવાર સમાજવામાં આવ્‍યો રહી છે. પરંતુ સિટીબસના ડ્રાઇવરો માટે થોડા સમય પહેલા ફિટનેસ ટેસ્‍ટ સહિતના નિયમો બનાવામાં આવેલ તેની અમલવારી આજ સુધી શરૂ કરવામાં આવી નથી તેમજ એસટી વિભાગના નિવળત ડ્રાઇવરોને સિટીબસમાં ડ્રાઇવરની ફરજ સોંપવામાં આવશે તેમ પણ જણાવેલ છતા અનેક સિટીબસમાં આજે એજન્‍સીના માનીતાઓના ખાનગી ડ્રાઇવરો બેફામ બસ ચાલવતા હોવાનું આજે બહાર આવ્‍યુ છે. સિટીબસના અનેક અકસ્‍માતો થઇ રહ્યા છે. જેની સામે રાજકોટ શહેરમાંથી દરોજ ૪૦૦થી વધુ એસટી બસ પસાર થઇ રહી છે અને આ તમામ બસ અલગ-અલગ રૂટ ઉપર દોડતી હોવાથી શહેરના મોટાભાગના ભીડભાડ વાળા રોડ ઉપર થી પસાર થાય છે. છતા આજ સુધી એસટી બસનો એક પણ અકસ્‍માત નોંધાયો નથી જેની સામે તાજેતરમાં મુકવામાં આવેલ નવી નકોર સિટીબસ દ્વારા અવાર-નવાર અકસ્‍માતો થઇ રહ્યા છે. જેની જાણકારી તંત્રને હોવા છતા આજ સુધી પગલા લેવામાં આવ્‍યા નથી. આથી આજના અકસ્‍માતની જવાબદારી કોણ લેશે ? તે અંગે પણ લોકમુખે ચર્ચા જાગી છે. (પ-ર૬)

(4:13 PM IST)