News of Friday, 18th April 2025
રેલનગરની સ્કૂલમાં ૪ વર્ષની છાત્રાને શિક્ષિકાએ પ્રાઇવેટ પાર્ટમાં ઇજા કર્યાનો આક્ષેપ: બાળકી સારવાર હેઠળ: શિક્ષિકાએ કહ્યું તદ્દન ખોટી વાત છે, ખોટા આક્ષેપ છે: પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ શહેરના રેલનગરમાં આવેલી એક સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળાને શિક્ષિકાએ ગુપ્ત ભાગે બોલપેન કે બીજી કોઈ વસ્તુથી ઇજા પહોંચાડતા બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. બાળકીના પિતાએ આ બનાવ અંગે વિગતો જણાવી હતી કે દિકરીએ અગિયારમી તારીખે દુઃખાવાની ફરિયાદ કરી હતી પણ તેના મમ્મીએ બહુ ધ્યાન દીધું નહોતું. બાદમાં પ્રવાહી નીકળતા અમે સારવાર માટે દાખલ કરી હતી. કોઈ શિક્ષિકા મેડમે મારી દિકરીને ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી હતી. જો કે જેની સામે આક્ષેપો થયા છે તે શિક્ષિકાએ આ તદ્દન ખોટા આક્ષેપો હોવાની સ્પષ્ટતા કરી છે. પ્ર. નગર પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુ માહિતી મુજબ બાળકીના પિતા પીજીવીસીએલના અધિકારી છે.તેમની ચાર વર્ષની દિકરીને ગયા વર્ષે રેલનગર વિસ્તારની ઇન્ટરનેશનલ સ્કૂલમાં કે.જી. નર્સરીમાં બેસાડવામાં આવી છે. દરમ્યાન ગત અગિયારમી રોજ બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે મમ્મીને પોતાને દુ:ખે છે કહી ગુપ્ત ભાગ તરફ ઈશારો કર્યો હતો. પણ હાલ આકરો તાપ પડતો હોઇ કદાચ તેના કારણે દિકરીને બળતરા થતી હશે તેમ માન્યું હતું. બે દિવસ પછી ફરી ફરિયાદ કરતા મમ્મીએ તપાસ કરતા ચીકણું પ્રવાહી દેખાતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.. જ્યાં ડોકટરે તપાસતા બાળકી ઇજા થયાની શકયતા જણાવાઇ હતી. બાદમાં બાળકીને પૂછતાં બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકોના ફોટા બતાવતા એક શિક્ષિકાના ફોટા તરફ હાથ મુક્યો હતો.ખાનગીમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોકટરે એમએલસી જાહેર કરતા મામલો પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હાલ એફઆઈઆર નોંધી નથી પણ નિવેદન નોંધવા તપાસ ચાલુ કરી છે. બીજી તરફ જેમની સામે આક્ષેપ થયા એ શિક્ષિકાએ મીડિયા સમક્ષ કહ્યું કે બાળકીને સરખું બોલતાં પણ નથી આવડતું, આ આક્ષેપો વાલીઓએ ખોટા કર્યા છે. વર્ષોથી હું આ સ્કૂલમાં ભણાવું છુ કદી પણ કોઈ છાત્ર કે છાત્રા સાથે આવું થયું નથી. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્કુલ કોઈ રાજકારણીની હોવાનું કહેવાય છે.
(8:54 PM IST)










