News of Monday, 21st April 2025
રંગવાળા કે કૃત્રિમ મીઠાશવાળા તરબૂચ અંગે તંત્ર દ્વારા ૩૫૦ સ્થળોએ તપાસ
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો.કોશિયાની કડક ચેતવણી ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યના જૂદા જૂદા સ્થળોએ તરબૂચની ગૂણવતા અંગે તપાસ કરવામાં આવેલ તે વખતની તસ્વીર.

રાજકોટ, તા.૨૧: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
ઉનાળાની ઋતુ દરમ્યાન જાહેર જનતા દ્વારા સ્વાસ્થ્ય-દ અને ઠંડક આપે તેવા ફળો જેવા કે દ્રાક્ષ, તડબૂચની માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. જેનો ફાયદો ઉઠાવા માટે લેભાગુ તત્વો દ્વારા તડબૂચ જેવા ફળમાં કળત્રિમ રીતે ઈન્જેકશનથી કલર નાખી તેને આકર્ષક બનાવી લોકોને અને તેમના સ્વાસ્થ્યને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં કયારેક આવા સમાચાર ફરતા જોવા મળે છે. આવા લેભાગુ તત્વોને ડામવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર અને તેની સાથે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ સતત બજારમાં આવા ભેળસેળિયા ઈસમો પર બાજ નજર રાખી રહી છે.
તંત્ર દ્વારા રાજ્યમાં તડબુચનો વેપાર કરતા વેપારી ઓને ત્યાં કલરની હાજરી/ગેરહાજરી બાબતે તપાસ કરવામાં આવેલ હતી. જેમાં કૂલ ૩૫૦ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવેલ હતી. જ્યાં ૪૦૦થી વધુ તડબુચના નમુનાઓને આકસ્મિક સ્થળ પર તપાસવામાં આવેલ હતા. આ તપાસવામાં આવેલ કોઈ પણ નમુનામાં કળત્રિમ કલરની હાજરી જોવા મળી ન હતી. ઉપરાંત કોઈપણ પેઢીને ત્યાંથી કળત્રિમ કલર, કૃત્રિમ મીઠાસવાળા, ઇંજેક્શન જેવા પદાર્થો તપાસમાં સ્થળ પર માલુમ પડેલ ન હતા.
વધુમાં આ તમામ ફળ વેચનાર વેપારીઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ અને તે અન્વયે સમયાંતરે બહાર પાડવામાં આવતા આદેશો અને એડવાઇઝરીનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવેલ છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા ઇસમોમાં ચેતી જવાનો સ્પષ્ટ સંદેશ આપેલ છે.
(4:27 PM IST)










