News of Monday, 21st April 2025
શહેરમાં શરદી-ઉધરસ-ઝાડા- ઉલ્ટીના કેસમાં ઘટાડોઃ સપ્તાહમાં ૧૧૭૭ દર્દી નોંધાયા
મનપા દ્વારા ૧૭,૯૬૫ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પતી સબબ ૨૨૬ને નોટીસ

રાજકોટ તા.૨૧: શહેરમાં શરદી,તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૧૭૭ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો એક પણ કેસ નોંધાયો નથી.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૪ એપ્રિલ થી તા.૨૦ એપ્રિલ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ નહીં
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ , ચિકનગુનીયા તથા મેલેરીયાના કેસ નોંધાયા નથી.
શરદી-તાવના ૧૧૭૭થી
વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૩૮ તેમજ સામાન્ય તાવના ૫૬૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૭૨ કુલ ૧૧૭૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૨,૬૭૬ તેમજ સામાન્ય તાવના ૧૧,૪૭૪ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૭૪૨ તથા ટાઇફોડનો ૩૬ તેમજ કમળાના ર૭ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ
૨૨૬ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૭,૯૬૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૬૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૪૨ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૨૬ લોકોને નોટીસ પાઠવી હતી.
(4:34 PM IST)










