News of Tuesday, 22nd April 2025
રઘુવંશી સમાજનું ગૌરવ ડો. રોનક ત્રિકમાણીને તબીબી ક્ષેત્રે ર ગોલ્ડમેડલ

રાજકોટ તા. રરઃ દક્ષીણ ગુજરાતની વિર નર્મદ યુનિવર્સિટીની તબીબી શાખાના તાજેતરમાં જાહેર થયેલા પરીણામોમાં સુરતની સ્મીમેર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા મૂળ સુરેન્દ્રનગરના ડો. રોનક ત્રિકમાણીએ એમ.ડી. પીડીયાટ્રીકની ફાઇનલ પરીક્ષામાં બે ગોલ્ડ મેડલ મેળવી સફળતા મેળવેલ છે.
સુરેન્દ્રનગરના દિલીપભાઇ અને હીનાબેનના સુપુત્ર ડો. રોનકએ વિર નર્મદ યુનીવર્સિટીની એમ.ડી. પીડીયાટ્રીક બ્રાંચમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ અને યુનિવર્સિટીની પી.જી. મેડીકલના તમામ શાખાના વિદ્યાર્થીઓ કરતા વધુ માર્ક સાથે ઉતિર્ણ થવા બદલ એમ એક સાથે બે બે ગોલ્ડમેડલ મેળવી સ્મીમેર મેડીકલ કોલેજ, સુરેન્દ્રનગર અને સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે.
અભ્યાસમાં તેજસ્વી ડો. રોનક ત્રીકમાણીએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ વલસાડની જીએમઇઆરએસ કોલેજમાંથી પૂર્ણ કર્યો છે, અને હવે સ્મીમેર મેડીકલ કોલેજમાંથી એમ.ડી. પીડીયાટ્રીકની ડીગ્રી મેળવી પોતાના વતન સુરેન્દ્રનગરમાં નવજાત શીશુઓને અને બાળકોને ઉત્તમ સારવાર મળી રહે તેવા હેતુ સાથે ભૂલકાઓની સેવાનો સંકલ્પ લઇ પોતાની જન્મભૂમિ સુરેન્દ્રનગરમાં જ બાળરોગ નિષ્ણાંત તબીબ તરીકે કારકીર્દીની શરૂઆત કરવાનું નકકી કર્યું છે.
સ્મીમેર મેડીકલ કોલેજના અધ્યાપકો, સુરેન્દ્રનગર તેમજ સમગ્ર ગુજરાત રઘુવંશી સમાજે ડો. રોનકને ઉજજવળ કારકીર્દીની શુભેચ્છાઓ સાથે બાળરોગ નિષ્ણાત તરીકે સફળતાની શુભકામના પાઠવી છે.
(2:57 PM IST)










