<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી પર ઓનલાઇન જૂગારનો પ્રચાર કરી કમાણી કરતાં વધુ છ ઇન્‍ફલુએન્‍સર ઝડપાયા

સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં પોતાની સોશિયલ મિડીયા આઇડી પર જૂગારની ગેમની લિંક મુકનારા નિલેષ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષમણ જંજવાડીયા, વિજય મજેઠીયા, સાગર છૈયા અને નિલેશ ડેરવાડીયા સામે ગુના દાખલ કરાયા

રાજકોટ તા. ૨૧: શહેરના કેટલાક સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍સર દ્વારા લોકોના વેપાર-ધંધાની જાહેરાત કરવાની સાથે સાથે જૂગારને લગતી ઓનલાઇન ગેમોની જાહેરાત-પ્રમોશન કરવાનું ચાલુ થયુ હોઇ સાયબર ક્રાઇમ દ્વારા ગુના નોંધવાની ઝુંબેશ શરૂ થઇ છે. ગઇકાલે આવા બે ઇન્‍ફલુએન્‍સર સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન આવા વધુ ૬ સોશિલય મિડીયા ઇન્‍ફલુએન્‍સર સામે ગુનો દાખલ કરાયા છે.

જાણવા મળ્‍યમા મુજબ કાલાવડ રોડ જડ્ડુસની પાછળ રહેતાં નિલેષ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.૨૮) સામે જુગારધારાની કલમ ૧૨-એ મુજબ પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી નિલચાવડા ઓફિશીયલ પ્રોફાઇલ પર રાજાગેમ નામની ઓનલાઇન બેટીંગની વેબસાઇટની લિંક મુકી લોકોને ગેમીંગ રમવા પ્રોત્‍સાહન પુરો પાડવાનો ગુનો નોંધાયો છે. નીલે પોતાની આઇડીમાં મુકેલી જૂગારની ગેમને લગતી લિંક ખોલતાં જ લોટરી સ્‍પોર્ટસ કેસીનો સ્‍લોટ્‍સ વગેરે ગેમ્‍બલીંગ રમવા માટેનું પેજ ઓપન થાય છે.

જ્‍યારે  નવાગામ આણંદપર સાત હનુમાન સામે રહેતાં ભાવેશ મુકેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૫)એ પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં ઓનલાઇન જૂગારની સ્‍કાય૩૬૫ ગેમ્‍સ નામની લિંક મુકી છે. તે ઓપન કરતાં જૂગાર રમવા માટે પ્રોત્‍સાહન મળે છે. આ લિંક પોતાની આઇડી પર મુકી પ્રમોશન કરવાનો ચાર્જ તે વસુલતો હોઇ રૂા. ૮૦નો ફોન કબ્‍જે કરાયો છે.

આ ઉપરાંત રાજકોટના શુકલ પીપળીયા ગામે રહેતો લક્ષમણ સુરેશભાઇ જંજવાડીયા (ઉ.વ.૩૦) પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી પર સ્‍કાય૩૬૫ નામની ઓનલાઇન ગેમીંગની લિંક મુકી તેનો ચાર્જ વસુલી લોકોને જૂગાર રમવા પ્રોત્‍સાહન આપતો હોઇ તેની સામે પણ જૂગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી તેનો ૪૦ હજારનો ફોન કબ્‍જે કરાયો છે. 

તેમજ જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્‍ણનગર-૫માં રહેતો વિજય મનસુખભાઇ મજેઠીયા (ઉ.વ.૩૨) નામનો સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍સર પણ પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી પર સ્‍કાય૩૬૫ નામની ઓનલાઇન ગેમીંગની લિંક મુકી જૂગાર રમવાનો પ્રચાર કરતો હોઇ ગુનો નોંધી ધરપકડ કરવા અને મોબાઇલ ફોન રૂા. ૩૫ હજારનો કબ્‍જે કરવા કાર્યવાહી થઇ છે.

પાંચમો ગુનો કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે શીવનગર-૧૨માં રહેતાં સોશિયલ મિડીયા ઇન્‍ફલુએન્‍સર સાગર કિશોરભાઇ છૈયા સામે સાયબર ક્રાઇમ પોલીસે દાખલ કર્યો છે. સાગર પોતાની ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીમાં સ્‍કાય૩૬૫ નામની ઓનલાઇન ગેમીંગની લિંક મુકી જૂગાર રમવા લોકોને પ્રોત્‍સાહીત કરતો હોઇ તેની સામે પણ જૂગારધારાનો ગુનો નોંધી ૬ હજારનો ફોન કબ્‍જે કરાયો છે. તેમજ છઠ્ઠો ગુનો આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી-૧માં રહેતાં ઇલેશ કિશોરભાઇ ડેરવાડીયા (ઉ.વ.૨૦) સામે નોંધાયો છે. તે પોતાની આઇડી પર ૧૧વિન નામની ઓનલાઇન જૂગારની ગેમની લિંક મોકલી ચાર્જ વસુલતો હોઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી ૪૦ હજારનો ફોન કબ્‍જે કરાયો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ચેતન પટેલની રાહબરીમાં પીઆઇ સાયબર ક્રાઇમ એસ. ડી. ગીલવા, પીઆઇ એમ. એ. ઝણકાત, એએસઆઇ એફ. એ. શેખ, વી. એન. કુછડીયા, હેડકોન્‍સ. વાય. જે. ગોહિલ સહિતની ટીમે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરમ દિવસે સાયબર ક્રાઇમ પોલીસે ઈન્‍ફલુએન્‍સર ધાર્મિક જગશીભાઈ વાઘાણી (ઉ.વ.૨૦, રહે. માલીયાસણ મેઈન બજાર, રાજકોટ) તથા આ ઉપરાંત બીજા એક સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર દીપ મનોજભાઈ ગોસ્‍વામી (ઉ.વ.૨૩, રહે. તથ્‍ય બંગલો નં.૧૫, રેલનગર, રાજકોટ) વિરૂધ્‍ધ ગુના નોંધી ધરપકડ કરી હતી. આ ઝુંબેશ હજુ પણ યથાવત રહેશે. (૧૪.૯)

(3:05 PM IST)