<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

માલિયાસણમાં મામલતદારનું બૂલડોઝરઃ ૭ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇઃ ૧રથી વધુ કોમર્શિયલ બાંધકામો હતા

ત્રણ વાડા, ગેરેજ-પાન-ચાના ૧૦ થડા-પાકુ મકાન-એક એકરનું ખેતીનું દબાણ દૂર કરાયું

 

રાજકોટ તા. રરઃ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના આદેશ અનુસાર, રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી વધુ વેગવાન બની છે. આજે, તાલુકા મામલતદારની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ નજીક ખરેડી જવાના રસ્‍તા રૂા. ૮ થી ૧૦ કરોડની બે એકર જમીન પરનું છેલ્લા કેટલાક સમયથી દબાણ હતું જે આજે દૂર કરી-કલેકટરને રીપોર્ટ કરી દીધો હતો.

અગાઉ અનેક નોટિસો આપવા છતાં પણ દબાણ દૂર કરવામાં ન આવતા કોમર્શિયલ બાંધકામો ખડકાઇ ગયા હતા, તેના પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્‍યું હતું. આ કાર્યવાહીમાં બે એકર જેટલી સરકારી જમીન પરના ૧૦ પાનના થડા, ત્રણ વાડા અને એક પાકુ, એક મોટું ગેરેજ મકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્‍યા હતા. તંત્ર દ્વારા આ જમીનની અંદાજિત કિંમત ૭ થી ૮ કરોડ અંકાઇ રહી છે.

આ દબાણ દૂર કરવાની કામગીરીમાં તાલુકા મામલતદાર શ્રી મકવાણા, સર્કલ ઓફિસર તેજ બાણુગારીયા, દબાણ શાખાના રઘુવીરસિંહ વાઘેલા, તલાટી મંત્રી અને પોલીસ અધિકારીની ટીમો જીઇબીની ટીમો જોડાઇ હતી. (૭.ર૭)

(3:06 PM IST)