<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ધ વન વર્લ્‍ડ ગોકુલધામમાં પરિણમ્‍યું: અદભુત પોથીયાત્રા નિહાળી રાજકોટવાસીઓ મંત્રમુગ્‍ધ

ભાગવત સપ્તાહના ઇતિહાસમાં ભાગ્‍યે જ આવું બન્‍યું હશે, આ રહેવાસીઓ માટે બધું શકય છે : ભામાશા સુરેશભાઈ ગડેચા ના વિચારને રાજભા જાડેજાએ અમલમાં મૂકયો, મદનસિંહ સિસોદિયાએ આખો સમીયાણો રાતોરાત ઊભો કરવા પોતાના અનુભવને કામે લગાડ્‍યો, તમામ રહેવાસીઓ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છેઃ કથા આચાર્ય ધર્મેશભાઈ પંડ્‍યાના ભરપૂર સહયોગથી પારસભાઇ પંડ્‍યાના શ્રી મુખેથી કથા શ્રવણનો લાભ મળ્‍યોઃ વન વર્લ્‍ડની તમામ બહેનો દરેક પ્રસંગ ઉજવવા સક્રિય ભૂમિકા ભજવે

તસ્‍વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને ભાગવત કથાનું આમંત્રણ આપતા ધ વન વર્લ્‍ડ ગોકુલધામ પરિવારના સર્વશ્રી રાજભા જાડેજા, જગદીશભાઇ ગણાત્રા, ભરતભાઇ નંદાણી, કાર્તીકભાઇ પાબારી, મદનસિંહ સિસોદીયા, જયેશભાઇ અનડકટ, વિપુલભાઇ દાવડા, મનુભાઇ અભાણી, આનંદભાઇ દક્ષીણી અને અતુલભાઇ સવજીયાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. સુપ્રસિદ્ધ નિર્માતા આશિતભાઈ મોદી નિર્મિત લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના ગોકુલધામ માફક એક નાના ગામ જેટલી વસ્‍તી ધરાવતા ૧૫૦ ફીટ રીંગ રોડ, અયોધ્‍યા ચોક પાસે આવેલ ધ વન વર્લ્‍ડ રેસીેડેન્‍સી માં દરેક ધાર્મિક તહેવાર નાતજાતના ભેદભાવ વગર સહુ સાથે મળી ઉજવે છે. અહીં ગણેશ ઉત્‍સવ હોય કે, પછી મહિલા મંડળ દ્વારા યમનાસ્‍ટક પાઠ હોય કે પછી નવકાર મંત્ર હોય કે હનુમાન ચાલીસા અહીં સહુ સાથે મળી હર્ષભેર ઉજવે છે. આવા ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં ભાગવત સપ્તાહના ઇતિહાસમાં માત્ર ત્રણ દિવસમાં અદભુત આયોજન થયેલ છે. જેનો સોમવારે ભવ્‍ય પ્રારંભ ડીજેના તાલે, ઢોલીના ગગન ગુંજવતા નાદ સાથે વન વર્લ્‍ડની તમામ બહેનો, ભાઇઓ દ્વારા નાચતા કૂદતા, અને રાસની રમઝટ સાથે થયો છે. ૧પ૦ ફિટ રીંગ રોડ પર ભાગ્‍યેજ કોઈએ નિહાળી હોય તેવી આ શોભા યાત્રા નીકળી ત્‍યારે લોકો અચરજ પામી ગયા હતા.

વન વર્લ્‍ડ પરિવાર દ્વારા આયોજિત કે જેમાં ત્રણેય વિંગના નાના મોટા તમામ પોતાના ઘેર આંગણે -સંગ હોય તે રીતે આખી વ્‍યવસ્‍થા સંભાળી પોતાનું યોગદાન આપે છે. વન વર્લ્‍ડ પરિવારના ભામાશા તરીકે ઓળખાતા સુરેશભાઈ ગડેચાને આ વિચાર સ્‍ફૂર્યો અને તુરંત રાજભા જાડેજાએ અમલમાં મૂકયો. મેઈન પાવર, કેટરિંગ, સહિત ખૂબ મોટા ગજાના કોન્‍ટ્રાકટર મદનસિંહ દ્વારા પોતાના સંપર્કો આધારે આખો સમીયાણો રાતોરાત ઊભો કરી દીધો. જેમાં તમામ પોતાની રીતે સહભાગી બન્‍યા. વન વર્લ્‍ડમાં જ જયારે  કથા આચાર્ય ધર્મેશભાઈ પંડયા નિવાસ કરતા હોય તેથી વક્‍તા પારસભાઈ પંડયાના શ્રીમુખે કથા શ્રવણનો લાભ બેવડાઈ ગયો છે. સપ્તાહ દરમિયાન અવિસ્‍મરણીય પ્રસંગોમાં આબેહૂબ દ્રશ્‍યો સર્જાય, પ્રસંગો અવિસ્‍મરણીય બને તે માટે વન વર્લ્‍ડ પરિવારની બહેનોનું પણ યોગદાન મળી રહ્યું છે. પૂર્ણાહુતિ પ્રસાદનો તમામ ખર્ચ અને ૨૫૦૦૦ નું યોગદાન અલગથી સુરેશભાઈ ગડેચા દ્વારા આપવામાં આવ્‍યું છે.


 

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના નિર્માતા આશિત મોદી દ્વારા ધ વન વર્લ્‍ડવાસીઓને વિડિઓ મેસેજ દ્વારા અભિનદન પાઠવ્‍યા

તમામ તહેવારો સાથે મળી ઉજવવાના નિર્ણય પર  જ્ઞાન સાથે હાસ્‍ય પીરસતી સિરિયલના નિર્માતા આફ્રિન.. ખાસ સંદેશ મોકલ્‍યો

ઘણા વર્ષોથી દેશ વિદેશમાં ખૂબ લોકપ્રિય અને નિર્દોષ હાસ્‍ય સાથે જ્ઞાન સાથે ગમ્‍મત અને એકતામાં અનેકતાના ભાવ પ્રગટાવતી સીરિયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના નિર્માતા આશિતભાઇ મોદી દ્વારા પોતાની સિરિયલનાં ગોકુલધામ માફક ધ વન વર્લ્‍ડ રેસી. માં દરેક તહેવાર કોઈ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર સહુ સાથે મળી ઉજવે છે, તે બદલ તમામ રહેવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ એકતા કાયમી જાળવી રાખવા અપીલ કરી છે.

અત્રે એ યાદ રહે કે અકિલા પરિવારના વરિષ્ઠ પત્રકાર, લેખક અને કોલ્‍મિસ્‍ટિ જગદીશભાઈ ગણાત્રા સાથે આશિતભાઈ તથા અન્‍ય કલાકારો સાથે ઘણા વર્ષોથી પારિવારિક સંબંધ છે . આશિતભાઈ મોદીને જગદીશભાઈ ગણાત્રા મારફત આ જાણ થતા પોતાના વ્‍યસ્‍ત શેડ્‍યૂલ વચ્‍ચે ગણત્રીના કલાકોમાં આ વિડિઓ સંદેશ મોકલેલ છે. તેમને ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીના તમામ સભ્‍યો દ્વારા ભાગવત કથાનું નિમંત્રણ પણ પાઠવવામા આવતાં આ બદલ તમામ રહેવાસીઓનો આભાર માન્‍યો છે.

(11:08 AM IST)