News of Wednesday, 23rd April 2025
લગ્નના બે જ મહિનામાં જયશ્રીબેનને પતિ-સાસુનો ત્રાસઃ પડોશી સાથે બોલવાનું નહિ, માવતરને ફોન કરવા નહિ
સગાઇ થઇ ત્યારે કહેલું ઘરનું કામ જ કરવાનું છે, ડ્રેસ પહેરવાની છુટ છે...પણ લગ્ન થયા પછી વાડીએ કામ કરવા જવુ જ પડશે, સાડી જ પહેરવી પડશે તેવું દબાણ કર્યુ સાસુ કહેતી તને કામ આવડતું નથીઃ તૈયાર થવામાં મોડુ થાય તો પતિ લાફા મારી લેતોઃ માવતરને પણ ગાળો ભાંડતોઃ રાજકોટના ખોરાણા માવતર ધરાવતી પરિણીતાની ધ્રોલના ભેંસદડ રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૨૩: રાજકોટના ખોરાણા ગામે હાલ માવતરે રહેતી પરિણીતાએ ધ્રોલના ભેંસદડ ગામે રહેતાં પતિ, સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ કરી છે. લગ્નના બે જ મહિના બાદ પતિ-સાસુએ કામ બાબતે મેણા મારી પડોશીઓ સાથે બોલવું નહિ, માવતર કે સગાને ફોન કરવા નહિ તેવુ કહી પાબંદી લગાવી ત્રાસ આપવાનું શરૂ કરી હવે માવતરેથી તેણીને તેડવા પણ આવતાં ન હોવાનો આરોપ મુકાયો છે. મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે રાજકોટના ખોરાણા ગામે રહેતી જયશ્રીબેન દિલીપભાઇ વધેરા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી ધ્રોલના ભેંસદડ ગામે રહેતાં પતિ દિલીપ વધેરા, સાસુ ગંગાબેન કુંવરજીભાઇ વધેરા, કાકાજી વાલજીભાઇ તેજાભાઇ વધેરા, વાંકાનેર રહેતાં નણંદ ગીતાબેન લવજીભાઇ સારેસા અને નણદોયા લવજીભાઇ જેઠાભાઇ સારેસા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
જયશ્રીબેન વધેરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અઢી વર્ષથી મારા માતા-પિતાના ઘરે રહુ છું. મારા લગ્ન ૯/૧૨/૨૧ના રોજ ધ્રોલના દિલીપ વધેરા સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. લગ્ન બાદ સાસરીયામાં પતિ, સાસુ, ગંગાબેન સાથે રહેતી હતી. કાકાજી વાલજીભાઇ અમારીબાજુમાંરહે છે. નણંદ ગીતાબેન અને નણદોયા વાંકાનેર રહે છે. લગ્ન બાદ મને બે મહિના સારી રીતે રાખવામાં આવી હતી. બાદમાં પતિ-સાસુ ઘરના કામકાજ બાબતે મેણા મારી ગાળો દેતા હતાં. તેમજ આ બંને મને કહેતાં કે-તારે પડોશીઓ સાથે બોલવાનું નહિ, તારા માતા-પિતા કે સગા સંબંધી સાથે ફોનમાં વાત કરવાની નહિ.
સગાઇ થઇ ત્યારે મને એવુ કહેલું કે તારે ઘરનું કામ જ કરવાનું અને સાસરિયામાં ડ્રેસ પહેરવાની પણ છુટ છે. પરંતુ લગ્ન બાદ મને વાડીએ કામ કરવું પડશે, ડ્રેસ નહિ સાડી જ પહેરવાની છે તેમ કહી નાની નાની વાતે પાબંદી લગાવાઇ હતી. મારા પતિ એક દિવસ કહ્યા વગર ત્રણ ચાર દિવસ ઘરેથી બહાર જતાં રહેલ. મેં ફોન કરતાં પતિએ-મારો કોઇ ધણી નથી હું છું એવો રહીશ, મને ફોન નહિ કરવાનો કહી ઝઘડો કરી ફોન કાપી નાંખ્યો હતો. આ બાબતે સાસુ, કાકાજી, નણંદ-નણદોયાને વાત કરતાં તેણે મારા પતિને સમજાવવાને બદલે મારી સાથે ઝઘડા કરી પતિની ચઢામણી કરી હતી.
લગ્ન બાદ હોળીનો તહેવાર હોઇ મારે અને પતિને પગલે લાગવા જવાનું હોઇ મારે તૈયાર થવામાં વાર લાગતાં પતિએ ફડાકો મારી ગાળો દઇ માવતરે તને કંઇ શીખવાડયું જ નથી તેમ કહી મારા માતા-પિતાને પણ ગાળો ભાંડી હતી. લગ્નના છ મહિના બાદ મારે વ્રતનુંઉજવણું કરવાનું હોઇ મારા નણંદને બોલાવ્યા હતાં. ત્યારે મારા પતિએ જયશ્રી હું કહું તેમ કરતી નથી, પહેરતી ઓઢતી નથી તેવુ કહેતાં મારા નણંદે પણ મને ગાળો દીધી હતી. નણદોયા પણ મારા પતિને સાથ આપતાં હતાં. ૧૬/૯/૨૨ના રોજ હું ફોનમાં મારા ઘરે વાત કરતી હતી ત્યારે પતિને ફોન લઇ ફેંકી દીધો હતો અને તારા ઘરના તને ચડાવે છે કહી મારા માવતર વિશે ગાળો બોલી મને ફડાકો મારી દીધો હતો.
આ પછી મેં મારા ભાઇ અરવિંદભાઇ સોલંકીને ફોન કરી બોલાવતાં તે આવ્યા હતાં. આ વખતે પતિ બહાર જતો રહેલ હોઇ મારા ભાઇએ ફોન કરતાં તેણે પોતે જામનગર છે તમે જયશ્રીને લઇ જાવ તેમ કહી દીધુ હતું. મેં મારા દાગીના માંગતા વડીલો મારફત નક્કી થાય પછી લઇ જજો તેમ કહી મને રવાના કરી દીધી હતી. ત્યારથી હું માવતરે છું. એ પછી પતિ, સાસરીયાએ મારી દરકાર લીધી નથી. સમાજ, વડીલો મારફત અમે પ્રયાસ કર્યો છતાં પતિ તેડી ગયો નથી. અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં જયશ્રીબેને જણાવતાં પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં હેડકોન્સ. કે. આર. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:56 PM IST)










