તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Thursday, 24th April 2025
સંગીતાબેન માકડીયાનું પણ સીટી બસ હડફેટે મૃત્યુ થયુ હતુ : આ કિસ્સામાં પણ મહાનગરપાલીકા સહાય જાહેર કરે
મૃતકના પતિ ગંગારામભાઇ અને પુત્રી શ્વેતાની તંત્ર વાહકો સમક્ષ માંગણી

રાજકોટ તા. ૨૪ : તાજેતરમાં સીટી બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓ અને ઇજાગ્રસ્તોને મહાનગરપાલીકા દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે આવા જ એક સીટીબસ અકસ્માતમાં માર્યા ગયેલા સ્વ. સંગીતાબેન માકડીયાના કિસ્સામાં પણ સહાય ફાળવવા માકડીયા પરિવારજનોએ માંગણી ઉઠાવી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્વ. સંગીતાબેનના પતિ ગંગારામભાઇ માકડીયા અને પુત્રી શ્વેતાએ વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે અમો પણ જરૂરીયાતમંદ વર્ગમાં આવીએ છીએ. ગત તા. ૫-૧૨-૨૦૨૪ ના સંગીતાબેન ચાલીને પોપટપરા આગળ રેલનગરમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સીટી બસ હડફેટે લેતા તેમનું કરૂણ મૃત્યુ થયુ હતુ.
આ પરિવાર સંગીતાબેનની આવક પર નભતો હતો. સંગીતાબેન સાડીમાં સ્ટોન ચોટાડવાનું કામ કરતા હતા. ગંગારામભાઇએ જણાવેલ કે હું પોતે સાડીની ફેરી કરૂ છુ. પણ હવે તબીયત નાજુક રહે છે. કામ થઇ શકતુ નથી. દિકરી શ્વેતા ૧૫ વર્ષની છે. તેની કારકીર્દી માટેનો પણ સવાલ ઉભો થયો છે. ત્યારે આ અકસ્માતના કિસ્સામાં પણ મહાનગરપાલીકા સહાય જાહેર કરી અમોને ન્યાય આપે તેવી અમારી માંગણી છે.ગંગારામભાઇએ જણાવેલ કે અમે મહાનગરપાલીકાના અધિકારીઓ-પદાધિકારીઓ બધાને રજુઆત કરી ચુકયા છીએ. વહેલામાં વહેલી તકે અમને ન્યાય મળે અને આજીવીકા માટે કઇક રકમ ફાળવવામાં આવે તેવી અમારી માંગ છે.
આ કિસ્સામાં ડ્રાઇવર સામે એફ.આઇ.આર. નોંધાઇ છે. પરંતુ ડ્રાઇવર હાલ હયાત ન હોય કેસ આગળ ચાલી શકે તેમ નથી. ત્યારે તંત્રવાહકો વૈકલ્પિક રસ્તો કાઢી સહાય જાહેર કરે તો જ કઇક થઇ શકે તેમ હોવાનું ગંગારામભાઇ માકડીયા (મો.૯૮૨૪૧ ૨૮૭૨૮)એ જણાવ્યુ હતુ.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિતક વિગતો વર્ણવતા ગંગારામભાઇ માકડીયા તેમની પુત્રી શ્વેતા માકડીયા અને અન્ય લોકો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:34 PM IST)










