તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Thursday, 24th April 2025
કોઠારીયામાં ૩ર.પ૪ કરોડના ખર્ચે દક્ષિણ ઝોન ઓફીસ બનશેઃ દરખાસ્ત
રાધે ચોક પાસે ૧૦ હજાર ચો. મી. ના પ્લોટમાં વોર્ડ નં. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માટે બિલ્ડીંગ બંધાશેઃ કાલે સ્ટેન્ડિંગમાં નિર્ણય

રાજકોટ તા. ર૪ : છેલ્લા વર્ષોમાં ખુબ વિકસેલા રાજકોટ શહેરમાં કોર્પોરેશનનો ચોથો ઝોન બનાવવા શાસકો દ્વારા ગત વર્ષના બજેટમાં જાહેરાત કરવામાં આવ્યા બાદ કોઠારીયા રોડ પર ૩પ.૮૭ કરોડના ખર્ચે ઓફીસ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
આ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થતા આ કામ માટે બે એજન્સીઓએ રસ દાખવ્યો હતો.
જેમાં એલઆઇ એ ૯.૩૦ ઓછા ભાવ આપ્યા છે. આમ આ ઝોન ઓફીસના ખર્ચ રૂા. ૩ર.પ૪ કરોડ થશે. આ અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ બેઠકમાં નિર્ણય થશે.
૨૦૨૪-૨૫ના બજેટમાં ચેરમેને આગામી બે દાયકાની લાંબા ગાળાની જરૂરીયાત ધ્યાને રાખી કોઠારીયામાં સાઉથ ઝોન બનાવવા યોજના ઉમેરી હતી. આ માટે ટોકનરૂપ પ્રારંભિક રૂા. ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ આઠેક મહિના સુધી કોઇ નકકર આયોજન આગળ વધ્યુ ન હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં જ આ કામ માટેના ટેન્ડર બહાર પડે તે રીતે કામ આગળ વધારવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર લિજજત પાપડ પાછળ, નેશનલ હાઇવે પાસે ૧૦ હજાર ચો.મી.નો વાણિજય હેતુનો પ્લોટ રહેલો છે. લાંબા ગાળાના વિચાર સાથે આ પ્રાઇમ લોકેશન પસંદ કરવામાં આવ્યું છે. તેના પ્રમાણે ડિઝાઇન તૈયાર કરાઇ છે.
શહેરના પૂર્વ ઝોન અને ખાસ કરીને કોઠારીયાના વિશાળ વિસ્તાર માટે નવો સાઉથ ઝોન બનાવવાની જાહેરાત ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવી હતી. પરંતુ અનેક યોજનાઓની જેમ આ સાઉથ ઝોન બનાવવાનું આયોજન પણ કાગળ પર હતું. સ્માર્ટ સીટીમાં હાલ ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન અસ્તિત્વમાં છે.
વર્ષો પહેલા માત્ર ઢેબર રોડ પરની ડો.આંબેડકર ભવન કચેરી હતી. તે બાદ બીગ બાઝાર પાછળ વેસ્ટ ઝોન અને ભાવનગર રોડ પર ઇસ્ટ ઝોન બનાવવામાં આવતા દુર દુરના વિસ્તારના લોકોને તેમના કામો કરવા માટે નજીકમાં ઓફિસની સુવિધા મળતી થઇ હતી. હવે ૨૦૧૪માં કોઠારીયાનો મોટો વિસ્તાર રાજકોટમાં ભળ્યો હતો. આ વિસ્તારમાં હજુ પ્રાથમિક સુવિધા આપવાનું કામ ચાલી રહ્યું છે. તે દરમ્યાન ગત કોર્પો.ની ચૂંટણી પૂર્વે મુંજકા, માધાપર, ઘંટેશ્વર સહિતના પાંચ ગામો પણ મનપામાં ભળતા વેસ્ટ ઝોનના જુદા જુદા વોર્ડમાં ભેળવવામાં આવ્યા હતા.
કોર્પોરેશનના ગત વર્ષના બજેટમાં સૌથી મોટી જાહેરાત સાઉથ ઝોનના નામે કરવામાં આવી હતી. શાસકોએ કોઠારીયા રોડને લાગુ વોર્ડ નં.૧૫, ૧૬, ૧૭ અને ૧૮ની ૩ લાખ જેટલી વસ્તી માટે ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલની જેમ નવો ઝોન બનાવવા ૬ કરોડની યોજના જાહેર કરી હતી. દુર દુરથી લોકોને ઇસ્ટ ઝોન કે સેન્ટ્રલ ઝોન સુધી ધકકા ખાવા ન પડે તે માટે કોઠારીયા વિસ્તારમાં જ ટુંક સમયમાં જ નવી ઝોન કચેરીનું કામ શરૂ થઇ જશે તેવું જાહેર કરાયું છે. કોઠારીયા વિસ્તાર ૧૯ ચો.કિ.મી.માં ફેલાયેલો સૌથી મોટો વોર્ડ છે તે ઉલ્લેખનીય છે.
આધુનિક ઝોન ઓફીસમાં કઇ-કઇ સુવિધા
રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૮ માં ટીપી સ્કીમ નં. ૧૨ (કોઠારીયા), ફા.પ્લોટ નં. ૧૫/અ ના પ્લોટમાં બોલબાલા માર્ગ પર રાધે ચોક પાસે સાઉથ ઝોનલ ઓફીસમાં આશરે ૧૭૯૮૦.૨૬ ચોરસ મીટરમાં બેઝમેન્ટમાં ર્પાકિંગ, ગ્રાઉન્ડ ફલોરમાં આધાર કાર્ડ, સીટી સિવિક સેન્ટર, સિકયુરીટી રૂમ, મેડીકલ રૂમ, સ્ટોર રૂમ, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા ટોઇલેટ બ્લોકનો સમાવેશ કરાયેલ છે, ફર્સ્ટ ફલોરમાં નાયબ કમિશનર તેમજ સીટી એન્જીનીયર, આઈ.સી.ડી.એસ. શાખા, ટાઉન પ્લાનીંગ શાખા, કોન્ફરન્સ હોલ અને ટોઇલેટ બ્લોકનો સમાવેશ કરાયેલ છે, સેક્ન્ડ ફલોરમાં હેલ્થ શાખા, ટેક્સ શાખા, એસ્ટેટ શાખા, કોમન સ્ટોરેજ, બાંધકામ શાખા, અને ટોઇલેટ બ્લોકનો સમાવેશ કરાયેલ છે.
(4:02 PM IST)










