<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

સોરઠીયાવાડી સર્કલ પાસે કપડાની દુકાનમાંથી બે જ મિનીટમાં ૧.૩૬ લાખની રોકડની ચોરી

દૂકાનના સંચાલક અને તેના ભાઇ હનુમાન જયંતિ નિમીતે ચોકમાં ઠંડા પીણાના વિતરણમાં હતાં ત્‍યારે બુકાનીધારી શખ્‍સ કર્મચારીની નજર ચુકવી ચોરી કરી ગયોઃ ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ તા. ૨૫: શહેરના સોરઠીયાવાડી સર્કલમાં આવેલી રેડીમેઇડ કપડાની દૂકાનમાંથી હનુમાન જયંતિના દિવસે દૂકાનના સંચાલક અને તેના મોટા ભાઇ ચોકમાં રાહદારીઓને ઠંડાપીણા પીવડાવવાના સેવા કાર્યમાં ગ્રુપ સાથે જોડાયા હતાં ત્‍યારે દૂકાનમાં કપડા લેવાના બહારને આવેલો બુકાનીધારી, ટોપી પહેરેલો શખ્‍સ દુકાનમાં હાજર કર્મચારીની નજર ચુકવી કેશ કાઉન્‍ટરમાંથી રોકડ ચોરી જતાં આ બારામાં ભક્‍તિનગર પોલીસે  મવડી ૪૦ ફુટ રોડ ઓમનગર સર્કલ ગિરનાર સોસાયટી-૫માં રહેતાં અને વિવેકભાઇ બાબુભાઇ ઘેડીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

વિવેકભાઇ સોરઠીયાવાડી સર્કલ બગીચા સામે ગેંગસ્‍ટર મેન્‍સવેર નામની કપડાની દૂકાનમાં દોઢ વર્ષથી નોકરી કરે છે અને આ દુકાનનું સંચાલન તે સંભાળે છે. દુકાનના માલિકનું નામ યશ કિશોરભાઇ આસવાણી છે. વિવેકભાઇ સાથે આ દુકાનમાં બીજા ત્રણ કર્મચારી કાર્તિક, કરણ અને રણવીર ઉર્ફ રાણો કામ કરે છે. ૧૦/૪ના રોજ સાંજે ચારેક વાગ્‍યે મારા મોટા ભાઇ મીતભાઇ ઘેડીયા મારી દુકાને આવ્‍યા હતાં અને કેશ કાઉન્‍ટરમાં તેણે વેપાર ધંધાના રૂા. ૧,૩૫,૦૦૦ એક બે દિવસ માટે મુક્‍યા હતાં. બાદમાં ૧૨મીએ હનુમાન જયંતિ હોવાથી રાહદારીઓને ઠંડા પીણા પીવાનું આયોજન અમે ગ્રુપ સર્કલમાં કર્યુ હતું. જેથી હું પવનપુત્ર ચોક સોરઠીયા વાડી સર્કલ ખાતે ગયો હતો. થોડીવાર પછી મારો મોટો ભાઇ પણ આવ્‍યો હતો.

ત્‍યારબાદ બપોરે દોઢેક વાગ્‍યે હું અને મારા ભાઇ દુકાને ગયા હતાં અને મારા ભાઇને કેશ કાઉન્‍ટરમાં રાખેલી રકમ અંગે તપાસ કરતાં આ રકમ જોવા મળી નહોતી. બીજા ખાનામાં રૂા. ૧૮૦૦ ધંધાના રાખેલા હતાં તે રકમ પણ જોવા મળી નહોતી. અમે ચોરી થયાની શંકાએ સીસીટીવી કેમેરા ચેક કરતાં ૧૨/૪ના સવારે ૯:૩૦ થી ૯:૩૨ દરમિયાન બે મિનીટ પુરતો એક ખાખી કલર જેવો સિકયુરીટીનો યુનિફોર્મ પહેરી એક શખ્‍સ કપડા લેવા આવતો દેખાયો હતો. જેણે માથે ટોપી પહેરેલી હતી અને મોઢે માસ્‍ક બાંધેલુ હતું તે જોવા મળ્‍યો હતો.

આ શખ્‍સને અમારા કર્મચારી રણવીર ઉર્ફ રાણો પરમાર કપડા બતાવતો હતો.  બાદમાં તે આ શખ્‍સને સેલ્‍ફમાં રહેલા કપડા જાતે જોવાનું કહે છે અને પોતે દુકાનમાં સાફ સફાઇમાં વ્‍યસ્‍ત થાય છે. ત્‍યારે અજાણ્‍યો માણસ કેશ કાઉન્‍ટરમાં લગાવેલી ચાવી ફેરવી ખાનુ ખોલી બંને ખાનામાંથી કુલ રૂા. ૧,૩૬,૮૦૦ લઇ લેતો, ચોરી લેતો દેખાય છે.

અમારો કર્મચારી રણવીર ઉર્ફ રાણો કચરો ચાફ કરવા જાય છે એટલી વારમાં આ અજાણ્‍યો રોકડ ચોરી બહાર નીકળી જતો દેખાય છે. અમારી રીતે શોધખોળ કરવા છતાં આ શખ્‍સની અત્તોપત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરીમાં હેડકોન્‍સ. પીે. એન. ગોહિલે ગુનો દાખલ કરતાં આગળની તપાસ હેડકોન્‍સ. ધર્મેશભાઇએ હાથ ધરી છે.

(3:57 PM IST)