<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

‘ચાદરગેંગ'ના પાંચ જણાએ ટાઇટનના શો રૂમમાં ૭૨ લાખનો હાથફેરો કર્યો'તોઃ નેપાળ બોર્ડરથી એક પકડાયો

આઠ દિવસની મહેનતને અંતે ક્રાઇમ બ્રાંચને સફળતા મળીઃ ૧૦૨ કિંમતી ઘડીયાળોમાંથી ૨૧ જેટલી હાથ લાગી સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ફોનના ટેકનીકલ એનાલિસીસને આધારે પગેરૂ દબાવતી પીએસઆઇ એ. એન. પરમાર, પીએસઆઇ મોવલીયાની ટૂકડી બિહાર મોતીહારી નજીક નેપાળ બોર્ડર સુધી પહોંચીઃ બાકીના ચારને દબોચવા પ્રયાસો

રાજકોટ તા. ૨૫: ટ્રાફિકથી સતત ધમધમતા રહેતાં ત્રિકોણબાગ પાસે રાધિકા ઘડિયાળ નામના ટાઇટનના શો-રૂમમાંથી રૂપિયા ૭૨.૮૩ લાખની ચોરી આઠ દિવસ પહેલા થઇ હતી. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી ‘ચાદરગેંગ'ના પાંચ પૈકી એક તસ્‍કરને દબોચી લઇ તેની પાસેથી આશરે ૨૧ જેટલી ચોરાઉ ઘડીયાળો કબ્‍જે કરી છે. બાકીની ઘડીયાળો લઇ બીજા ચાર ભાગી ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ એનાલિસીસને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ પગેરૂ દબાવતી છેક બિહારની નેપાળ બોર્ડર સુધી પહોંચી હતી અને ચોર ટોળકીના એકને સકંજામાં લઇ લીધો હતો. બાકીનાને દબોચી લેવા અન્‍ય ટીમો હજુ નેપાળ બોર્ડર પર તપાસ કરી રહી છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર ડો. યાજ્ઞિક રોડ પર ન્‍યુ જાગનાથ પ્‍લોટમાં રહેતા શો-રૂમ માલિક રવિભાઈ ભુપેન્‍દ્રભાઈ છોટાઈએ પોતાના ઘડિયાળના શો-રૂમમાં ગત તા.૧૭ના રોજ વહેલી સવારે પાંચ શખસોએ આવી ૬૮.૮૩ લાખની ૧૦૨ કિંમતી ઘડિયાળો તેમજ ચાર લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. શટર ઉંચકીને માત્ર ૨૦ મિનિટની અંદર જ તસ્‍કર આ ચોરી કરી સાગ્રીતો સાથે ભાગી ગયો હતો. તસ્‍કર ગેંગને શોધવા માટે સીસીટીવીનો સહારો લીધો હતો જેમાં ગેંગ ગ્રીનલેન્‍ડ ચોકડી પહોંચી ત્‍યાંથી વાહનમાં નાસી છૂટી હતી. પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સ મારફતે લાખોની ઘડિયાળ લઈને ભાગી ગયેલી ગેંગને પકડવા માટે પગેરૂ દબાવ્‍યું હતું. આ ગેંગ બિહારના મોતીહારી જિલ્લાની હોવાનું અને ચાદરગેંગ કે શટરગેંગ તરીકે કુખ્‍યાત છે. આ તસ્‍કર ગેંગને પકડવા કાર્યરત હતી જેમાં આ ગેંગ મોતીહારીથી નેપાળ નાસી છૂટે તેવી માહિતી મળતા ક્રાઈમ બ્રાન્‍ચની ટીમ નેપાળ બોર્ડર પર પહોંચી હતી અને પાંચ શખસો પૈકી એક તસ્‍કરને નેપાળ બોર્ડરથી એકાદ  કિલોમીટર દૂરથી દબોચી લીધો હતો. આ તસ્‍કર પાસેથી ચોરાયેલી ૧૦૨માંથી આશરે ૨૧ ઘડીયાળો મળી આવી હતી. બીજા ચાર તસ્‍કરોને શોધવા બોર્ડર પર રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ યથાવત રાખી હતી. જે ઝડપાયો છે તે દૂકાનમાં ઘુસ્‍યો નહોતો, બહાર ઉભો હતો.

 પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ રાજકોટમાં ચોરી કર્યા બાદ તસ્‍કર ટોળકી અલગ-અલગ રૂટ પર થઈને નેપાળની બોર્ડરે પહોંચી હતી, જો કે નેપાળમાં પ્રવેશ કરે એ પહેલા એક દબોચાઇ ગયો હતો. ચોરી  કર્યા બાદ ત્રિકોણ બાગ તરફથી ગ્રીનલેન્‍ડ ચોકડી સુધી રિક્ષામાં જઈ ત્‍યાંથી બસ મારફતે અમદાવાદ પહોંચ્‍યા હતા. ત્‍યાં ગયા બાદ રિક્ષામાં ફર્યા હતા અને અમદાવાદથી પછી બસ મારફતં પાલનપુર અને પાલનપુરથી ટ્રેન દ્વારા અજમેર અને ત્‍યાંથી દિલ્‍હી, પટના અને  છેલ્લે બિહારની નેપાળ બોર્ડર નજીક બિહારના મોતીહારી જિલ્લાના ઘોડાસર ગામ પાસે પહોંચીને નેપાળ જવાની તૈયારીમાં હતાં ત્‍યાં જ ક્રાઇમ બ્રાંચ પહોંચી ગઇ હતી. જો કે એક તસ્‍કર હાથ આવ્‍યો હતો બીજા આસપાસ ભાગી જતાં તેને ઝડપી લેવા ટીમ ત્‍યાં કાર્યરત રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામરો, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર , પીએસઆઇ એમ. કે. મોવલીયા તથા ટીમે આ કામગીરી કરી છે

(3:59 PM IST)