News of Friday, 25th April 2025
પરમ કથ્થક કેન્દ્ર દ્વારા વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીરૂપે મંગળવારે ‘નૃત્યોત્સવ ૨૦૨૫'
મીની હેમુ ગઢવી હોલમાં આયોજન : રસ ધરાવતાઓને નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ તા. ૨૫ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રાજકોટના ‘પરમ કથક કેન્દ્ર' દ્વારા વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૯ ના મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે કથક નૃત્યશૈલીમાં ‘નૃત્યોત્સવ ૨૦૨૫'નું આયોજન કરાયુ છે. હેમુ ગઢવી મીની હોલ, ટાગોર રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વરિષ્ઠ નાટયવિદ ભરત યાજ્ઞિક, સુપ્રસિધ્ધ નાટયવિદ નયન ભટ્ટ તથા મૃણાલિની ભટ્ટ તેમજ અતિથિ વિશેષ તરીકે તપસ્વી સ્કુલના સંસ્થાપક અને કેળવણીકાર કિરીટ વ્યાસ, વરિષ્ઠ નાટયકાર કૌશિક સિંધવ, અરવિંદ વ્યાસ ઉપસ્થિત રહેશે. પરમ કથક કેન્દ્રના શિષ્યો દ્વારા રજુ થનાર આ કાર્યક્રમની સમગ્ર પરિકલ્પના અને નૃત્ય નિર્દેશન તથા સંચાલન ગૌરવ પુરસ્કૃત પલ્લવી વ્યાસ સંભાળશે. કાર્યક્રમ નિઃશુલ્ક છે. રસધરાવતાઓએ નિમંત્રણ કાર્ડ મેળવવા મો. ૯૪૨૭૨ ૧૭૫૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(4:10 PM IST)










