<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

શિક્ષીકા ભાવીનીબેનને ત્રાસઃ મા-બાપે સંસ્‍કાર દીધા નથી, રસોઇમાં ધડા નથીઃ દિકરી જન્‍મી તે ગમ્‍યું નહિ!

લગ્નના અઠવાડીયા બાદ જ ઘરકામ, રસોઇ, કરીયાવર બાબતે ત્રાસ શરૂ થઇ ગયાનો આરોપ વિંછીયા સરકારી સ્‍કૂલમાં નોકરી કરતાં મવડી તુલસી પાર્કમાં રહેતાં પતિ સાગર ડરાણીયા, સસરા કાંતિલાલ, સાસુ ચંપાબેન, જેઠ કલ્‍પેશભાઇ, જેઠાણી ફોરમબેન વિરૂધ્‍ધ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૫: શહેરના સાધુ વાસવાણી રોડ  પાટીદાર ચોક નંદ એમ્‍પાયર ફલેટ નં. ૩૧૨૨ ખાતે રહેતાં અને વિંછીયાના રેવાણીયા ગામે શિક્ષીકા તરીકે નોકરી કરતાં ભાવીનીબેન સાગરભાઇ ડરાણીયા (ઉ.વ.૩૮)ને રાજકોટ મવડી  જય સરદાર ચોક આલપા રોયલ પ્‍લાઝા રોડ પર તુલસી પાર્કમાં રહેતાં પતિ સાગર કાંતિલાલ ડરાણીયા, સસરા કાંતિલાલ શામજીભાઇ ડરાણીયા,  સાસુ ચંપાબેન, જુનાગઢ ઝાંઝરડા રોડ આરતી એપાર્ટમેન્‍ટમાં રહેતાં જેઠ કલ્‍પેશ કાંતિલાલ ડરાણી, જેઠાણી ફોરમબેન વિરૂધધ મહિલા પોલીસ સ્‍ટેશનમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

ભાવીનીબેને ફરિયાદમાં  જણાવ્‍યું છે કે મારા લગ્ન  લગ્ન ૨૦૨૧માં સાગર ડરાણીયા સાથે લગ્ન થયા છે. લગ્નજીવન દરમિયાન  એક પુત્રીની પ્રાપ્‍તિ થઇ છે જે હાલ દોઢ વર્ષની છે.  લગ્નના શરૂઆતના એક અઠવાડિયા સુધી મને સારી રીતે રાખી હતી. બાદ પતિ અને સાસરિયાઓએ રસોઈ અને કરિયાવર બાબતે ઝઘડા શરૂ કરી દીધા હતા. તારા મા-બાપે કોઈ સંસ્‍કાર આપ્‍યા નથી, તારી રસોઈમાં કોઈ ધડા નથી, અમારી હેસિયત મુજબ કરિયાવર લાવી નથી તેવા મેણાં મારતા હતા. મારા પતિ  સરકારી પ્રેસમાં નોકરી કરે છે. તેની બદલી અમદાવાદથી રાજકોટ બદલી થતાં અમે બંને જસદણ રહેવા ગયા હતા. જયાં નાની-નાની બાબતે બોલાચાલી થતી હતી. મારા જેઠને જમીન લેવાની હોવાથી પતિએ કરિયાવરમાં લાવેલ રૂા. ૧૫ લાખ તેને આપી દેવાની વાત કરી હતી. આ વાતનો મેં ઈન્‍કાર કરતાં તેનો ખાર રાખી પતિએ મારકૂટ કરી હતી. 

ભાવીનીબેને વધુમાં જણાવ્‍યું હતું કે મને પ્રેગનન્‍સી રહી ત્‍યારે ડોકટરે આરામ કરવાની સલાહ આપી હતી. આમ છતાં પતિ તેને હેરાન કરતો હતો. સાસુ-સસરાએ ઘરે આવી કહ્યું કે તારા પપ્‍પાના ઘરેથી તારો ત્રીજો ભાગ લઈ આવ. જેઠ-જેઠાણીએ પણ ઘરે આવી ફર્નિચર કામ માટે રૂપિયા આપવાનું કહ્યું હતું. બાદમાં મારી કુખે પુત્રીનો જન્‍મ થતાં સાસરિયાઓને ગમ્‍યું ન હતું. જેને કારણે મને મેણાં મારી કહ્યું કે અમારે તો દીકરો જોઈતો હતો. આ પછી મારા સાસરિયાઓએ કયારેય પણ મારી પુત્રીને પ્રેમથી બોલાવી નથી કે રમાડી નથી. પુત્રીના જન્‍મ પછી ગઈ તા. ૧૭-૨-૨૦૨૪ના રોજ મને અને પુત્રીને ઘરમાંથી કાઢી મુકી સાસરિયાઓએ કહ્યું કે તારા પિતાને કહે કે ૧૦ તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે.

તેમજ મારા પતિએ ધમકી આપી હતી કે હવે તે કે તારી પુત્રીએ ઘરમાં પગ મુકયો તો બંને જીવથી જશો, અમારે સમાજના ડરથી કે કોર્ટના પ્રેસરથી તને પાછી લાવી પડશે તો તારૂં મર્ડર કરીને આપઘાતમાં ખપાવી તારો કાંટો કાઢી નાખશું. મારા સાસરિયા પક્ષના સભ્‍યો ઉમિયા પરિવાર સમાધાન પંચમાં ગયા હતા. જયાં પતિએ અત્‍યાર સુધીનો તમામ પગાર અને બધું સોનું મળે તો જ સમાધાનની વાત કરી હતી. તેમજ મારા માતા-પિતા વિશે ખરાબ બોલતાં તેણે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ભાવીનીબેને કહેતાં પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં હેડકોન્‍સ. કે. આર. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:16 PM IST)