News of Monday, 28th April 2025
વૈશાલીનગરમાં પતિ સાથે રસોઇ બાબતે ચડભડ થતાં દિવ્યાબેન રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત
આનંદનગર કોલોનીમાં બેંક કર્મચારી ૨૨ વર્ષના કરણ નૈયાએ ઝેર પી જિંદગી ટુંકાવીઃ પરિવારમાં ગમગીનીઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૨૮: આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં રૈયા રોડ વૈશાલીનગરમાં રહેતી પરિણીતાને પતિ સાથે રસોઇ બનાવવામાં મોડુ થવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીજા બનાવમાં કોઠારીયા રોડ આનંદનગરમાં રહેતાં યુવાને અકળ કારણોસર ઝેર પી જિંદગી ટુંકાવી લીધી હતી.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ વૈશાલીનગર-૧૦માં રહેતી દિવ્યાબેન વિશાલભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ઘરે લોખંડના એંગલમાં ઓઢણી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર દિવ્યાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ વિશાલભાઇ નરસીભાઇ રાઠોડ ભક્તિનગર રેલ્વે સ્ટેશનમાં કામ કરે છે.
વિશાલભાઇએ કહ્યું હતું કે બપોરે હું જમવા માટે આવ્યો ત્યારે રસોઇ તૈયાર થઇ ન હોઇ મારે પત્નિ દિવ્યા સાથે ચડભડ થતાં હું ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં મારા પિતાએ ફોન કરી જાણ કરી હતી કે દિવ્યાએ ગળાફાંસો ખાઇ લીધો છે. આથી તુરંત હું તેને હોસ્પિટલે લઇ ગયો હતો. પરંતુ જીવ બચ્યો નહોતો. દિવ્યાબેનના માતવર ખાખરાબેલા ગામે રહે છે. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં કોઠારીયા રોડ આનંદ નગર ક્વાર્ટર-૩૦૮માં રહેતાં કરણભાઇ હિતેષભાઇ નૈયા (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમા અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મેડીકેર હોસ્પિટલ દ્વારા જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. જે. ગોહિલ અને અમિતભાઇએ કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કરણભાઇ ખાનગી બેંકમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. તે એક બહેનથી મોટો અને અપિરીણીત હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. પરિવારજનો કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી હતી.
પતિ સાથે બોલાચાલી થતાં મારૂતિનગરની મનિષાએ ઝેરી લિક્વીડ પીધું
અન્ય એક બનાવમાં રેસકોર્ષ રોડ મારૂતિનગર-૩માં રહેતી મનિષાબેન ધીરજ ટમટા (ઉ.વ.૨૦)એ રાતે મચ્છર મારવાનું લિક્વીડ પી લેતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. મનિષાબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. પતિ સાઉન્ડ સિસ્ટમ અને ડીજે વગાડવાનું કામ કરે છે. બંને વચ્ચે રાતે રસોઇ બાબતે બોલાચાલી થતાં માઠુ લાગી જતાં તેણી ઝેરી લિક્વીડ પી ગયાનું જણાવાયું હતું.
(2:27 PM IST)










