<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

વાત કરવા માંગી મોબાઇલ ફોન લઇ ભાગી જતો અમરેલીનો ઠગ જય ગાંધીગ્રામમાંથી ઝડપાયોઃ પાંચ ગુનાની કબુલાત

અમદાવાદ, રાજકોટ, જુનાગઢમાં ઠગાઇ કરી હતીઃ લેપટોપ, મોબાઇલ, સ્‍માર્ટ વોચ, ચાર સીમકાર્ડ સહિતની ચીજવસ્‍તુ કબ્‍જેઃ અગાઉ ચોર-ઠગાઇના પાંચ ગુનામાં સામેલઃ એલસીબી ઝોન-૨ના જે. વી. ગોહિલ અને ટીમની કાર્યવાહી : ઓનલાઇન પ્રોડક્‍ટની જાહેરાતમાંથી નંબર વાંચી પ્રોડક્‍ટ લેવાના નામે જે તે વ્‍યક્‍તિનો સંપર્ક કરી છેતરી લેવાની પણ આદતઃ જુનાગઢના બે યુવાનને સોમનાથ મંદિરે દર્શને લઇ ગયોઃ લોકરમાં સામાન મુકાવી ચાવી પોતે રાખી, પછી છેતરીને લોકરમાંથી સામાન લઇ ભાગી ગયો હતો

રાજકોટ તા. ૨૮: ગઠીયાઓ અલગ અલગ તરકીબોનો ઉપયોગ કરી લોકોને છેતરતા હોય છે. આવા જ એક ઠગને શહેરની એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધો છે. તે લોકો પાસેથી પોતાનો મોબાઇલ બંધ થઇ ગયો છે કે ખરાબ થઇ ગયો છે તેમ કહી વાત કરવાના બહાને મોબાઇલ લઇ બાદમાં નજર ચુકવી ભાગી જતો હતો. તેમજ ઓનલાઇન પ્રોડક્‍ટની જાહેરાત વાંચી તેમાં ફોન કરી મિત્રને પ્રોડક્‍ટ લેવાની છે કહી વાત કરવા સોમનાથ વેરાવળ મંદિરે કે બીજા સ્‍થળે બોલાવી લોકરમાં સામાન મુકાવડાવી ચાવી પોતાની પાસે રાખી બાદમાં જે તે વ્‍યક્‍તિને હમણા આવુ કહી લોકરમાંથી તેનો સામાન ચોરી ભાગી જવાની ટેવ આ શખ્‍સ ધરાવે છે.

જાણવા મળ્‍યા મુજબ એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે ગાંધીગ્રામ એસકે ચોકમાં એક શખ્‍સ બ્રાઉન કલરનો થેલો લઇને ઉભો છે અને તેના થેલામાં ચોરી કે છેતરપીંડીથી મેળવેલા મોબાઇલ ફોન, લેપટોપ સહિતની ચીજવસ્‍તુઓ છે. આને આધારે તપાસ કરતાં શખ્‍સ મળી આવતાં તેની પુછતાછ કરતાં પોતાનું નામ જય મનુભાઇ દુધાત (ઉ.વ.૩૮-રહે. હરિવ્‍યાસ સોસાયટી ઘર નં. ૩૯, લીલીયા રોડ અમરેલી) જણાવ્‍યું હતું. તેની પાસેના થેલાની તલાસી લેતાં અંદરથી લેપટોપ, મોબાઇલ ફોન બે, એક સ્‍માર્ટ વોચ, એરપોડ, પ્‍લાસ્‍ટીકનો સ્‍ટેમ્‍પ, જીઓ કંપનીના ચાર સીમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

જયએ કબુલ્‍યું હતું કે અગાઉ રાજકોટમાં ૨૦૨૪માં એક વ્‍યકિતને છેતરી વાત કરવા મોબાઇલ ફોન માંગી લઇને ભાગી ગયો હતો. આજથી ત્રણેક મહિના પહેલા અમદાવાદ નરોડાના અનિલભાઇનો ફોન વાત કરવા માંગી તે પોતાની ગાડી પાર્ક કરવા જતાં ફોન લઇ નીકળી ગયો હતો. બે મહિના પહેલા ઓનલાઇન મળેલા નંબર પર ફોન કરી પ્રોડક્‍ટ લેવાની છે તેવી વાત કરી નોૈશાદ નામના યુવાનને સોમનાથ બોલાવી સોમનાથ મંદિરમાં દર્શને જવાના બહાને નોૈશાદનો સામાન લોકરમાં મુકાવી ચાવી પોતે રાખી લઇ બાદમાં એક ભાઇને મળીને આવે છે કહી નોૈશાદથી અલગ પડી લોકરમાંથી લેધર બેગ, લેપટોપ, ફોન, એરપોડ લઇને નીકળી ગયો હતો.

દોઢ મહિના પહેલા મોરબીથી રિક્ષામાં રાજકોટ ગોંડલ રોડ સુર્યકાંત હોટલ પાસે આવી એક ભાઇ પાસે ફોન વાત કરવા માંગી નજર ચુકવી નીકળી ગયો હતો. દસ દિવસ પહેલા ઓનલાઇન પ્રોડક્‍ટ ખરીદવા બાબતે જુનાગઢના ધવલ નામના યુવાનને સોમનાથ બોલાવી દર્શનના બહાને તેનો સામાન લોકરમાં મુકાવી ચાવી પોતે રાખી બહાનુ કરી બહાર નીકળી લોકરમાંથી ફોન, સ્‍માર્ટ વોચ ચોરી ભાગી ગયો હતો. અમદાવાદમાં  છ મહિના પહેલા કરણનો ઓનલાઇન સંપર્ક કરી આશ્રમ રોડે મળવા બોલાવી તેનો આઇફોન લઇ ભાગી ગયો હતો.

આ શખ્‍સ અગાઉ અમદાવાદ, સુરતમાં ચોરી, ઠગાઇના પાંચ ગુનામાં પકડાયો હતો. તે ચોરી છળકપટથી મેળવેલા મોબાઇલ ફોન અવધ મોબાઇલ-સુરતનું ખોટુ બીલ બનાવી પ્રિન્‍ટ કઢાવી સ્‍ટેમ્‍પ બનાવેલ હોઇ તેનાથી સિક્કો મારી સહી કરી જે તે ફોન વેંચી નાંખતો હતો. મોજશોખ માટે પોતે આવુ કરતો હોવાનું રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર એએસઆઇ જયંતિભાઇ વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, શક્‍તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્‍સ. કુલદિપસિંહ રાણા, સાયબર સેલના મીલાબેન અડતરીયા, નગ્‍માબેન સુમરાએ આ કામગીરી કરી હતી.

(3:51 PM IST)