<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્‍ટની પ્રવેશ પરીક્ષા સફળઃ ૫૮૫ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષાઃ ૧૨ મે ના પરિણામ

 

રાજકોટઃ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્‍ટ હેઠળ નવી બેચના પસંદગી માટેની પ્રવેશ પરીક્ષા ૨૭ના રોજ રાજકોટની એચ. એન. શુક્‍લા કોલેજ, રૈયા રોડ, વૈશાલીનગર ખાતે શાંત અને શિસ્‍તબદ્ધ વાતાવરણમાં યોજાઈ. ૫૮૫ વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનની લેખિત પરીક્ષા આપી. પરીક્ષા દરમિયાન ટ્રસ્‍ટે વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્‍યવસ્‍થા પણ કરી.

પરીક્ષામાં ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, કાશ્‍મીરાબેન નથવાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વિક્રમભાઈ પુજારા, ડૉ. જૈમનભાઈ ઉપાધ્‍યાય, ડૉ. પ્રવીણભાઈ નિમાવત, ડૉ. વિજયભાઈ દેસાણી, ડૉ. પ્રકાશભાઈ મોઢા, નીલેશભાઈ દેસાઈ, જીતુભાઈ રાઠોડ, નેહલભાઈ શુક્‍લા સહિતના આગેવાનોએ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા પાઠવી.

જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્‍ટ છેલ્લા પચીસ વર્ષથી આર્થિક રીતે નબળા પરંતુ ભણવામાં તેજસ્‍વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડે છે. આ વર્ષે ધોરણ સાતમાં પ્રથમ સેમેસ્‍ટરમાં ૮૫ ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ ૧૨ મે ના રોજ ટ્રસ્‍ટના ભવન ‘‘કિલ્લોલ'', એક-મયુરનગર, ભાવનગર રોડ, રાજકોટ ખાતે જાહેર થશે.

મેરિટમાં પસંદ થનાર વીસથી પચીસ વિદ્યાર્થીઓને ટ્રસ્‍ટ ધોરણ આઠથી બાર સુધી શૈક્ષણિક દત્તક લઈ, રાજકોટની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ, ફી, પુસ્‍તકો, સાયકલ અને આરોગ્‍ય સુવિધા પૂરી પાડશે. ટ્રસ્‍ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી, ટ્રસ્‍ટી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડૉ. મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ગીતાબેન તન્ના સહિતની ટીમે આયોજન કર્યું. વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ અને કો-ઓર્ડિનેટર સાગરભાઈ પાટીલે વ્‍યવસ્‍થા સંભાળી. વધુ માહિતી માટે ભાવેનભાઈ ભટ્ટનો સંપર્ક નંબર ૦૨૮૧-૨૭ ૦૪૫૪૫ પર સંપર્ક કરી શકાય છે.

(4:04 PM IST)