News of Tuesday, 29th April 2025
રાજકોટ જીલ્લામાં ૬૭૪ લાખના ખર્ચે ‘‘જળ સંગ્રહની કામગીરી હાથ ધરાશેઃ સૂજલામ- સૂફલામ બેઠક મળી

રાજકોટ તા.૨૯: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન ૨.૦ની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન રૂ.૬૭૪.૬૯ લાખના ખર્ચે ૩૯૮ કામો દ્વારા જળસંગ્રહની કામગીરી હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે જળસંગ્રહનાં હાથ ધરવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેવા કે તળાવો ઉંડા કરવા, ચેકડેમોનુ ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત તથા જાળવણી, નદી, વોંકળા, ગટરની સાફસફાઇ, નદી પુનઃ જીવિત કરવી, નવા તળાવો, નવા ચેકડેમો બનાવવા,વન તલાવડી,ખેત તલાવડી સહિતના કામો હાથ ધરાશે. જેમા જળસંપત્તિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા જિલ્લા જળષાાવ વિકાસ એકમ દ્વારા કામગીરી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં વિવિધ કચેરીઓ દ્વારા થનાર કામ પૈકી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૨૪૮ કામો, કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઈ પંચાયત દ્વારા ૫૫ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૨ કામ, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગના ૮ કામો, જિલ્લા જળષાાવ વિકાસ એકમના ૬ કામો તથા મહાનગરપાલિકા વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા ૨૦ કામ હાથ ધરાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, સિંચાઇ પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી વિવેક ગોહિલ, સિંચાઈ યોજના વિભાગના એક્ઝિકયુટિવ એન્જિનિયર બી.પી. ભીમજીયાણી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.(૩૮.૧૩)
(9:54 AM IST)










