<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

૪૪ % ભૌગોલીક વિસ્‍તાર ધરાવતા બ્‍લુચીસ્‍તાનને પાકિસ્‍તાન સરકાર દ્વારા થઇ રહેલો અન્‍યાય : કોપર, ગોલ્‍ડ, નેચરલ ગેસ, ધરાવતા બ્‍લુચીઓને આર્મી, એસેમ્‍બલી, બ્‍યુરોક્રેસીમાં નહિવત સ્‍થાન!

૨૨ એપ્રિલ ૨૦૨૫ નો દિવસ ભારત માટે એક કાળો દિવસ હતો. ઘણા લોકો જમ્‍મુ કાશ્‍મીર ફરવા જાય છે. પ્રવાસીઓ કાશ્‍મીરમાં સોનમર્ગ, ગુલમર્ગ અને ત્રીજૂ પહેલગામમા ફરવા જાય છે. સોનમર્ગ અને ગુલમર્ગમા ખાસ્‍સો એવો બરફ પડે છે ત્‍યાં બરફમા સ્‍પોર્ટ્‍સ એક્‍ટિવિટી કરવા માટે લોકો જાય છે. પરંતુ પહેલગામ બધાથી અલગ છે. આ  સ્‍થળે કુદરતી પ્રકળતિ અને જંગલોથી ઘેરાયેલું છે. ઘણા લોકો ત્‍યાં પિકનિક મનાવવા જાય છે. પહેલગામથી પાંચથી છ કિલોમીટર ઉપર ટ્રેકિંગ કરીને લોકો જે એરિયા સુધી પહોચે છે તેનું નામ એટલે બૈંસારન વેલી. આ એરિયાને મિનિ સ્‍વિત્‍ઝરલેન્‍ડ પણ કહેવામાં આવે છે. આ સ્‍થળનુ કુદરતી વાતાવરણ અને પ્રકળતિ ખૂબ જ સારી છે. તે આજુબાજુ પહાડો અને જંગલોથી ઘેરાયેલી એક વેલી છે. વેકેશનમાં ભારતના બધા રાજ્‍યોમાંથી લોકો ત્‍યાં ફરવા જાય છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના બપોરે બૈસારન વેલીનો જે પહાડીવાળો અને જંગલથી ઘેરાયો વિસ્‍તાર છે ત્‍યાંથી આતંકવાદી નીકળી આવ્‍યા અને બૈંસારન વેલીમાં આવેલા પ્રવાસીઓ ઉપર અંધાધુંધ ગોળીબાર કરવાનું ચાલુ કરી દીધું. આ ગોળીબારના કારણે અફરા તફરી મચી ગઈ. પ્રવાસી લોકોને જ્‍યાં જગ્‍યા મળી ત્‍યાં છૂપાવવા અને દોડવા લાગ્‍યા. ઘણા લોકો પહાડીની નીચે ઉતરી ગયા અને ઘણા લોકો પહાડીથી નીચે પણ કૂદી ગયા. આતંકવાદીઓએ પ્રવાસીઓની  ID ચેક કરી. એમનો ધર્મ પૂછયો અને જેમને એ મારી રહ્યા છે એ નોન-મુસ્‍લિમ જ છે એવી પણ ખાતરી કરીને મુસ્‍લિમ અને હિંદુઓને અલગ અલગ કરીને હિંદુઓને ટાર્ગેટ કરી એમની ઉપર ગોળીબાર કરીને નાસી છૂટયા.

બધા પ્રવાસીઓ પાંચ છ કિલોમીટર ટ્રેકિંગ કરી અને ત્‍યાં પહોંચ્‍યા હતા. તો એક સહજતા ભરી વાત છે કે સિકયુરિટી અથવા તો પોલીસ ત્‍યાં હોય નહિ, પરંતુ હુમલા પછી તરત જ સિકયુરિટી-પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સે પોતાનું કામ સારી રીતે કર્યું છે. આ આતંકી હુમલામાં લગભગ ૨૮ લોકો મળત્‍યુ પામ્‍યા અને ભારત દેશમાં હાહાકાર મચી ગયો . ઇલેક્‍ટ્રિોનિક મીડિયાના માધ્‍યમથી દેશને ખબર પડવા લાગી. આપણી સરકારને ખબર પડતા જ  દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસ પર હતા ત્‍યાંથી પ્રવાસ રદ કરી અને ભારત દોડી આવ્‍યા. બીજી બાજુ દેશના ગળહમંત્રી અમિતભાઈ શાહ પણ શ્રીનગર ગયા અને શ્રીનગરથી પહેલગામ ઘટના સ્‍થળે પહોંચ્‍યા. મળત્‍યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી અને ઈજાગ્રસ્‍ત લોકોની મુલાકાત લીધી, આપણી સરકાર આતંકવાદી હુમલો કરનારાઓની એકદમ જીણવટ પૂર્વક શોધ કરી મુંહતોડ જવાબ આપવાના મૂડમાં છે. એક આヘર્યજનક વાત એ છે કે જયારે જયારે કોઇ વિદેશી રાજકારણી ભારતના પ્રવાસે આવે છે ત્‍યારે આવા હુમલાઓ થતા રહે છે. જયારે કલીન્‍ટન આવ્‍યા ત્‍યારે હુમલો થયો હતો. ર૦ર૦માં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ભારતના પ્રવાસે આવ્‍યા ત્‍યારે પણ હુમલો થયો હતો. અને આ વખતે યુએસએના વાઇસ પ્રેસીડેન્‍ટ જે.ડી.વેન્‍સ જયારે ભારતના પ્રવાસ પર આવ્‍યા હતા. ત્‍યારે પણ આ હુમલો કરવામાં આવ્‍યો. ૩૭૦ હટયા પછી કાશ્‍મીરમાં આ સૌથી મોટી આતંકવાદી હુમલો થયો છે.

 (THE RESISTANCE FRONT) એ શા માટે કર્યો હુમલો ?

આ પુરા આતંકવાદી હુમલાની  જવાબદારી લશ્‍કરે-એ-તૈયબા ની એક બ્રાન્‍ચ (THE RESISTANCE FRONT) - TRF એ લીધી છે. સૌને ખબર જ છે કે લશ્‍કરે-એ-તૈયબા એ જ સંગઠન છે જે હાફિઝ સઈદ પાકિસ્‍તાનમાં બેઠો બેઠો ચલાવે છે. આ આતંકવાદી સંગઠન આ હુમલાનું એવું બહાનું આપે છે કે ભારત સરકાર કાશ્‍મીરમાં ૩૭૦ હટાવ્‍યા પછી કાશ્‍મીરમાં બીજા રાજ્‍યના લોકોને સ્‍થાન આપીને બહારના લોકોની સંખ્‍યામાં વધારો કરી રહી છે. સાથે કાશ્‍મીરમા ડેમોગ્રાફીકલી બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહી છે. જેનાથી મુસ્‍લિમ વસ્‍તી ઘટતી જાય છે. આ એક પાયા વિહોણો આરોપ છે. આતંકવાદી સંગઠને એક ઉદાહરણ  પણ આપ્‍યું કે ૮૫૦૦૦ જેટલા લોકો અલગ રાજ્‍યોમાંથી કાશ્‍મીરમાં આવ્‍યા છે અને તેમને ભારત સરકારે ડોમીસાઈલ પણ આપેલું છે. આ એકદમ ખોટી વાત છે. જ્‍યારે કોઈ પણ વ્‍યક્‍તિ કોઈ રાજ્‍યમાંથી સ્‍થળાંતર થઈ અને બીજા અલગ રાજ્‍યમાં જાય છે ત્‍યારે ૧૦ થી ૧૫ વર્ષ એ રાજ્‍યમાં રહે છે ત્‍યારે તે આપોઆપ ત્‍યાંના ડોમીસાઈલ માટે ડિફોલ્‍ટ એલિજીબલ થઈ જાય છે. એટલા માટે જ કે તમે જે પ્રદેશમાં રહો છો પોતાનો વ્‍યવસાય-વેપાર કરો છો અને ત્‍યાં જ ટેક્‍સ ભરો છો અને બધું જ આપ એ રાજ્‍યની ગવર્મેન્‍ટને આપી રહ્યા છો. તો તે રાજ્‍યની ડોમીસાઈલ પર તમારો પૂરો હક થશે. બીજા બધા જ રાજ્‍યોમાં પણ આ કાયદો લાગુ પડેલો છે.પરંતુ જમ્‍મુ-કાશ્‍મીરમાં ૩૭૦ હટી એની પહેલા આ લાગુ ન હતું. ભારત સરકાર દ્વારા ૩૭૦ હટયા પછી આ કાયદો આવી ગયો. આ ડોમિસાઇલ કાયદો આવ્‍યો તે પછી આ લોકો બધા એક અલગ જ બહાનું આપે છે કે ૮૫૦૦૦ લોકો કાશ્‍મીરમાં બહારથી આવી ગયા. પરંતુ એવું કશું છે જ નહીં. જે ૮૫૦૦૦ લોકો છે એ કાશ્‍મીરના જ લોકો છે. ૩ લાખ જમ્‍મુ ના છે. આ એવા લોકો છે જે ૭૬ વર્ષથી ડોમીસાઈલ માટે પ્રયત્‍ન કરે છે. કેટલા લોકો તો એવા છે જે પાકિસ્‍તાનથી ભાગીને આવેલા છે. કાશ્‍મીરમાં અને જમ્‍મુમાં કામ કરવા લાગ્‍યા છે. આ બધા જ લોકોને ભારતની નાગરિકતા તો મળી ગઈ છે પરંતુ ડોમીસાઈલ મળવું એ મુશ્‍કેલ હતું. આ કારણથી એ લોકો કોઈ સરકારી નોકરીમાં અરજી પણ કરી શકતા ન હતા.

 એનું ઉદાહરણ એક છે કે ૧૯૫૦ માં વાલ્‍મિકી ભાઈઓ-બહેનોને સફાઈ માટે કાશ્‍મીરમાં લઈ જવામાં આવ્‍યા હતા અને એ લોકો કાશ્‍મીરમાં સ્‍થાયી પણ થઈ ગયા. પરંતુ એમની પાસે ડોમીસાઈલ ન હતું તેના માટે જ ભારત સરકાર ત્‍યાં ડોમીસાઈલ લો લઈને આવી. ૧) ડોમીસાઈલ લો માં પણ એવું હતું કે દસ વર્ષથી કાશ્‍મીરમાં રહેતા હોય. ૨) દસમું ધોરણ અને બારમું ધોરણ ત્‍યાં ભણેલા હોવા જોઈએ. સરકારી અધિકારી અને બીજા કોઈ પણ લોકો ત્‍યાં આવે છે તો એમના છોકરાને ત્‍યાં જ ભણાવે છે અને તેમને ડોમીસાઈલ મળતું નથી. ભારત સરકાર ડોમીસાઈલ લો લઈ આવી પછી ડોમીસાઈલની એપ્‍લિકેશન આવવા લાગી. ડોમીસાઈલ મળવું એ એમનો હક હતો. આવા બહાના ઘડી અને આતંકવાદી સંગઠને આ હુમલો કરાવ્‍યો એવું કહ્યું છે....

પાકિસ્‍તાની આર્મી ચીફ આસિમ મુનીરનો બફાટ

થોડા દિવસ પહેલાની વાત છે, પાકિસ્‍તાનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો .આ કાર્યક્રમનું આયોજન એવું હતું કે પાકિસ્‍તાનથી જે લોકો વ્‍યવસાય માટે પાકિસ્‍તાનની બહાર ગયેલા છે એમના અનુસંધાને આ કાર્યક્રમ હતો. આવા કાર્યક્રમો બધા જ દેશમાં થાય છે અને ચર્ચાઓ પણ થાય છે કે પોતાના દેશ છોડી અને બહાર ગયેલા લોકો ને સાથે રાખીને પોતાના દેશનો વિકાસ કેવી રીતે થાય. પરંતુ આ કાર્યક્રમમાં એક અલગ જ માહોલ હતો પાકિસ્‍તાનના આર્મી ચીફ આસિમ મુનીરે પોતાના વક્‍તવ્‍યમાં એમ  કહયું કે, ૧)પાકિસ્‍તાનનો જે જન્‍મ થયો હતો એ ટુ નેશન થિયરીના આધાર ઉપર થયો હતો. ૨)હિન્‍દુ અને મુસલમાન કોઈ દિવસ એક સાથે રહી નહીં શકે. ૩) હિન્‍દુ અને મુસલમાનનો રીતિ રિવાજ અલગ છે. બન્ને દેશોની સંસ્‍કળતિ અલગ છે. ઁં અભિંકા ૪) આસિમ મુનીરે એવું પણ કહ્યું કે આ વાતો બધી જે મેં કરી એ તમારી આવનારી પેઢીઓ સુધી પહોંચાડવી પડશે. ૫) છેલ્લે આસિમ મુનીરે એવું પણ કહ્યું કે કાશ્‍મીરી જે છે એ પાકિસ્‍તાનની સહારત(ગરદન પાસે એક નસ હોય છે જે આપણા શરીરની ખૂબ જ મહત્‍વની નસ હોય છે) છે અને કાશ્‍મીર માટે અમારી જે મહેનત છે એ આવી જ રીતે ચાલતી રહેશે.

આવુ  બોલ્‍યા પછી થોડા દિવસોમાં આ હુમલો થયો અને શું ખીચડી રંધાઈ રહી છે એ બધાને ખબર પડી ગઈ. પાકિસ્‍તાની ચીફ અને રાજકારણીઓ આવા નિવેદનો આપે છે તેનું એક કારણ છે. પોતાના દેશની હાલત ખરાબ થઈ રહી છે અને દેશના જ લોકો એમની સામે વિરોધ કરી રહ્યા છે. અને પાકિસ્‍તાનના રાજકારણી અને ચીફ પાસે હવે બ્રેન વોશ યુક્‍તિ સિવાય કશું બચ્‍યું નથી. આ જ યુક્‍તિનો એમને એ કાર્યક્રમમાં ઉપયોગ કર્યો. પરંતુ આ લોકો અત્‍યારે આવું કેમ કરી રહ્યા છે ? આપણને ખબર જ છે પાકિસ્‍તાન અત્‍યારે જે હાલત છે એ ખૂબ જ કપરી છે. પાકિસ્‍તાનના ઇતિહાસમાં પહેલાથી જ પાકિસ્‍તાની સરકારને કપરી પરિસ્‍થિતિમાંથી પસાર થવુ પડ્‍યું છે. જયારે પાકિસ્‍તાનની આર્મી જે છે એ અલગ દિશામાં વિચાર કરતી હોય છે. પરંતુ આ વખતે તો પાકિસ્‍તાની સરકાર અને પાકિસ્‍તાની આર્મી બંનેની હાલત ખૂબ જ ખરાબ છે. આ પરિસ્‍થિતિ એટલી બધી ખરાબ કે ૧૯૭૧માં બાંગ્‍લાદેશ અલગ પડ્‍યું ત્‍યારે જેવી પરિસ્‍થિતિ હતી એવી જ પરિસ્‍થિતિ અત્‍યારે પાકિસ્‍તાનની છે.

પાકિસ્‍તાનની આંતરીક ખેંચતાણ થોડા મુદ્દાઓ દ્વારા સમજીએ

બલૂચિસ્‍તાન આ નામ તમે ઘણીવાર સાંભળ્‍યું હશે. બલૂચિસ્‍તાન પાકિસ્‍તાનનો એક એવો પ્રદેશ છે જે ૪૪ ટકા જીયોગ્રાફિકલી એરીયા ધરાવે છે . જેટલું પાકિસ્‍તાન છે એનું અડધું બલૂચિસ્‍તાન એરીયા કવર કરે છે. પરંતુ પાકિસ્‍તાને બલૂચિસ્‍તાન વિસ્‍તારને ખૂબ જ ખરાબ રીતે ટ્રીટ કર્યું છે. જેવું તે પહેલાં બાંગ્‍લાદેશ સાથે કરતા હતા.

થોડી વાત કરી લઈએ બલૂચિસ્‍તાનના હકની... પાકિસ્‍તાની આર્મીમાં બલૂચિસ્‍તાનના ૪ ટકા લોકો જ આર્મીમાં છે.

પાકિસ્‍તાનની નેશનલ એસેમ્‍બલીમાં પણ ૫ ટકા લોકો જ બલૂચિસ્‍તાનના છે. પાકિસ્‍તાનના બ્‍યુરોક્રેસી માં પણ ૨.૫  ટકા લોકો જ બલૂચિસ્‍તાનના નોકરી કરી રહ્યા છે.બલૂચિસ્‍તાન એક એવો પ્રદેશ છે જે એક અલગ દેશ હોત અથવા તો કોઈ અલગ દેશ પાસે હોત તો એ દુબઈ કરતા પણ વધારે ઇકોનોમી ધરાવતો પ્રદેશ અથવા તો દેશ હોત. એનું કારણ એ છે કે બલૂચિસ્‍તાનનો નકશો જોઈએ તો જણાય છે કે એમની સામુદ્રિક સીમાઓ વધારે છે એમની પાસે સારા પ્રમાણમાં નેચરલ રિસોર્સિસ છે. જેમકે કોપર, ગોલ્‍ડ, નેચરલ ગેસ, પાકિસ્‍તાનની જે કુલ નેચરલ ગેસ સપ્‍લાય વ્‍યવસ્‍થા છે તેમા ૫૦ ટકા ગેસ બલૂચિસ્‍તાન પૂરું પાડે છે. પરંતુ બલૂચિસ્‍તાન વિસ્‍તારના ત્રણ ટકા લોકો જ એ ગેસનો ઉપયોગ કરીને જમવાનું બનાવે છે. બાકી બધા લોકો ચૂલા ઉપર અને તંદુર ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. એનો મતલબ એવો થયો કે જે ગેસ બીજા ઉપયોગ કરે છે એને પૂરો પાડનારને જ ગેસ નથી મળતો. બલૂચિસ્‍તાન આ મુશ્‍કેલીનો સામનો ઘણા વર્ષોથી કરી રહ્યું છે અને આ મુશ્‍કેલીઓની વચ્‍ચે બલૂચિસ્‍તાનમાથી એક એવા સંગઠનનો ઉદભવ થાય છે, જે ગોરીલા યુદ્ધ કરવામાં માહિર છે અને એ સંગઠનનું નામ બલૂચિસ્‍તાન લિબરેશન આર્મી (BLA) છે. બલૂચિસ્‍તાનમા ઘણાં એવા સંગઠનો પણ છે કે જે શાંતિપૂર્ણ પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બલૂચિસ્‍તાનના લોકો ગમે તેવું આંદોલન કરી લે પરંતુ પાકિસ્‍તાની આર્મી અને પાકિસ્‍તાનની ગવર્મેન્‍ટ જે પંજાબ પ્રદેશની ચિંતા કરી રહી છે અને એમની સિવાય એમને કોઈની પરવાહ નથી. બલૂચિસ્‍તાન જ્‍યારે આંદોલન કરે છે ત્‍યારે તે વિસ્‍તારના લોકોને જેલમાં પૂરી દેવામાં આવે છે અને ગાયબ પણ કરી દેવામાં આવે છે. બલૂચિસ્‍તાનમા એવા હજારો લોકો છે જે ઘણા લાંબા સમયથી ગાયબ થવા માંડયા હતા. પરંતુ ૨૦૨૪માં બદલાવ  થવા લાગ્‍યો. બલૂચિસ્‍તાનની બી.એલ.એ. દ્વારા એક ઓપરેશન લોન્‍ચ કરી દીધું. એ ઓપરેશનનું નામ હેરોફ(રેવેન્‍જ) રાખવામાં આવ્‍યું. ૨૬ ઓગસ્‍ટ ૨૦૨૪ ની વાત છે. બલુચિસ્‍તાન લિબરેશન આર્મી દ્વારા પાકિસ્‍તાની આર્મીના કેમ્‍પના દરવાજા પર એક ગાડી બોમ્‍બ લગાવીને પહોંચાડવામાં આવી અને દરવાજો હુમલાથી ઉડાડી દેવામાં આવ્‍યો અને એક કેમ્‍પનો કંટ્રોલ બલૂચિસ્‍તાન લિબરેશન આર્મીએ લઈ લીધો. બલૂચિસ્‍તાન લિબરેશન આર્મીનું કહેવું કે ૬૦ થી વધારે અમે પાકિસ્‍તાની આર્મીના જવાનોને મારી દીધા. એક વાતનો વિચાર કરો સરકાર સાથે લોકોના મતભેદ થાય જ છે પરંતુ આર્મી પર સીધો હુમલો કરવો એ અલગ વાત છે . ૨૬ ઓગસ્‍ટના દિવસે સાંજે એક હાઇવે જે પંજાબથી બલૂચિસ્‍તાન નીકળી રહ્યો છે ત્‍યાં આ બલૂચિસ્‍તાન લિબરેશન આર્મીના લોકો ઉભા રહી ગયા અને પંજાબથી આવી રહેલી ટ્રક અને બસોને રોકવાનુ ચાલુ કરી દીધુ અને આઈડીના નામે લોકોને ઊભા રાખવાના ચાલુ કરી દીધુ અને પંજાબના લોકોને મારવાનું ચાલુ કરી દીધું  છે. બલૂચિસ્‍તાન લિબરેશન આર્મી એવું માને છે કે બલૂચિસ્‍તાનનો જેટલો હક અને હિસ્‍સો છે એ બધો પંજાબ પ્રદેશ પચાવી પાડે છે અને આ સત્‍ય હકીકત છે. આ અનુસંધાને પાકિસ્‍તાની આર્મીએ પણ વળતા જવાબમાં બલૂચિસ્‍તાનના ઘણા લોકોની ધરપકડ કરી. આ કિસ્‍સા પછી ૧૧ માર્ચ ૨૦૨૫ ના રોજ ઝફર એક્‍સપ્રેસ ટ્રેન જે બલૂચિસ્‍તાનના બલૂચિસ્‍તાન લિબરેશન આર્મી ( BLA) દ્વારા હાઇજેક કરવામાં આવી. જોત-જોતામાં આ ખૂબ જ મોટી ઘટના બની ગઈ. બલૂચિસ્‍તાન અને પાકિસ્‍તાન આર્મી વચ્‍ચે આવો સંઘર્ષ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે.

પાકિસ્‍તાન સરકારનુ

નવું ગતકડું

પાકિસ્‍તાની સરકાર અને પાકિસ્‍તાનની આર્મીએ પંજાબ પ્રદેશને જ સર્વસ્‍વ માની રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલા પાકિસ્‍તાન ૧૦ જુલાઈ ૨૦૨૪ ના રોજ ‘ગ્રીન પાકિસ્‍તાન ઇનિશીએટીવ' એવું ગતકડું લઈને આવ્‍યું હતું. તેના અનુસંધાને પાકિસ્‍તાનમાં સિંધુ નદી પંજાબ પ્રદેશથી લઈને સિંધ પ્રદેશ સુધી વહી રહી છે. પાકિસ્‍તાની સરકાર નદીઓ પર છ જેવી નવી નહેરો લોન્‍ચ કરવાની છે એવું કહ્યું. છ જેવી નહેરો બનાવશે તો જે પણ પાણી સિંધ પ્રદેશમાં જાય છે એ રોકાઈ જશે. પંજાબ પ્રદેશ તો સારો એવો કળષિપ્રધાન પ્રદેશ છે. ત્‍યાં પાણી પણ પૂરતું છે પરંતુ સિંધ પ્રદેશ એવી જગ્‍યા છે ત્‍યાંનું જે પાણી છે તે ખારું છે અને એમની પાસે ખેતી માટે સિંધુ નદી સિવાય કોઈ બીજો વિકલ્‍પ નથી. આ નહેરો એટલા માટે બનાવવામાં આવી કે પંજાબના અમુક વિસ્‍તારો સૂકા છે. આ વિસ્‍તારોને પાણી પહોંચાડવા માટે આ ‘ગ્રીન પાકિસ્‍તાન ઇનિશિએટીવ'  એવો પ્રોજેક્‍ટ સરકાર લાવી રહી છે. સિંધમાં સિંધુ નદીનું પાણી નહીં પહોંચે તો એ ખેતી કેવી રીતે કરી શકશે અને આ જ મુદ્દાઓ પર સિંધ પ્રદેશ પણ આ પ્રોજેક્‍ટને લઇ ઘણાં સમયથી આંદોલન કરી રહ્યો છે. સિંધના લોકોએ ૨૫ એપ્રિલ સુધીનું અલ્‍ટીમેટમ પણ આપી દીધું હતું. અને એવું પણ કહ્યું કે આ ‘ગ્રીન પાકિસ્‍તાન ઇનિશિએટીવ' પ્રોજેક્‍ટ દ્વારા જે નહેરો બનાવી રહ્યા છો એ રદ્દ કરો નહીં તો ઉગ્ર આંદોલન પણ થશે.

 હવે સમજાઇ રહયું હશે કે આજે થઈ રહ્યું છે એ શું કામ થઈ રહ્યું છે. આ બધા જ મુદ્દાઓથી ધ્‍યાન કેવી રીતે ભટકે એ માટે પાકિસ્‍તાની સરકાર અને આર્મીનો આ ખેલ દુનિયા સામે આવી ગયો છે. બલૂચિસ્‍તાનના લોકો ચીનનો પણ વિરોધ કરી રહ્યા છે આપને પહેલા જણાવ્‍યું એવી રીતે બલૂચિસ્‍તાન પ્રદેશ સામુદ્રિક સીમાઓથી ઘેરાયેલો હોવાથી ત્‍યાં નેચરલ રિસોર્સિસ ઘણાં બધા છે. પાકિસ્‍તાની સરકાર પાસે એટલા પૈસા નથી કે તે ત્‍યાંના બંદરો પર વ્‍યવસાય સ્‍થાપી શકે. એટલા માટે તેમણે ચીનને ખુલ્લી છૂટ આપી છે કે ત્‍યાં વ્‍યવસાય કરો અને આ વ્‍યવસાયનાથી કમાયેલા પૈસા છે એ પાકિસ્‍તાની સરકાર પંજાબ પ્રદેશના વિકાસના કામોમાં ઉપયોગ કરી રહી છે. એટલા માટે ત્‍યાં બલૂચિસ્‍તાનનો વિકાસ અટકી ગયેલો છે. આ કારણથી બલૂચિસ્‍તાન અવાર નવાર ચીને સ્‍થાપેલા વ્‍યવસાયો પર હુમલો કરી રહ્યા છે.

બીજી બાજુ પાકિસ્‍તાનના અને અફઘાનિસ્‍તાનના પણ સંબંધ સારા નથી પાકિસ્‍તાને અફઘાનિસ્‍તાનના રેફયુજીને પાકિસ્‍તાન છોડી જવા આદેશ કર્યો છે.ઈરાન સાથે પણ પાકિસ્‍તાનને કોઈ ખાસ સારા સંબંધ નથી, પાકિસ્‍તાન દ્વારા ઘણી વાર ઈરાન પર મિસાઈલનો મારો કરવામાં આવ્‍યો છે. એક મહત્‍વનો મુદ્દો એ પણ કે ઇમરાન ખાનની જે પોલિટિકલ પાર્ટી આ વખતે સારી સીટો જીતીને આવી છે અને પાકિસ્‍તાનમાં ઈમરાન ખાનને પસંદ કરવા વાળા લોકો ઘણા બધા છે. ઈમરાન ખાનને પીએમ તરીકે લાવવા માટે પ્રયત્‍ન કરી રહ્યા છે પરંતુ પાકિસ્‍તાની સરકારે ઘણા વર્ષોથી ઈમરાન ખાનને જેલમાં રાખ્‍યો છે.

આ બધી મુશ્‍કેલીઓની વચ્‍ચે પાકિસ્‍તાની સરકાર અને પાકિસ્‍તાની આર્મીની હાલત એકદમ ખરાબ છે. પાકિસ્‍તાનમાં જનતા પાકિસ્‍તાની સરકારનો ખૂબ જ વિરોધ કરી રહી છે. પાકિસ્‍તાન સરકારને એ પણ ખબર નથી કે પોતાની ઇકોનોમી કયાં જઈ રહી છે. દેશના લોકો શું વિચારી રહ્યા છે. આ બધી બાબતોથી ધ્‍યાન ભટકાવીને ધ્‍યાન ભારત પર લઈ જઈને ધર્મના નામે રાજનીતિ કરીને અને લોકો સામે ભડકાઉ ભાષણ આપીને  ભારત વિરૂધ્‍ધ ઉશ્‍કેરી આતંકવાદી સંગઠનો દ્વારા ભારત પર હુમલો કરવાની જે ચાલ છે એ ભલીભાતી બધા જ લોકો જાણે છે અને આ હુમલો એટલે પહેલગામનો આતંકી હુમલો. પરંતુ એક સવાલ હજી પણ છે કે આ હુમલો પહેલગામમાં જ કેમ અને ટુરિસ્‍ટ ઉપર જ કેમ ?

પાકિસ્‍તાનને ખબર છે કે કાશ્‍મીરમાં ૩૭૦ હટાવી દેવામાં આવ્‍યું છે અને જે કાશ્‍મીરની જનતા છે એ પણ હવે ધીરે ધીરે ભારત તરફ વળી રહી છે. ૩૭૦ હટયા પહેલા ખાલી કાશ્‍મીરના  વિધાર્થીઓ જ કાશ્‍મીર બહાર ભણવા આવતા પરંતુ હવે એવું નથી ઘણા લોકો કાશ્‍મીરની બહાર અલગ અલગ રાજ્‍યમાં પણ વ્‍યવસાય કરવા જાય છે.આ કારણથી પાકિસ્‍તાનને એવું લાગવા લાગ્‍યુ છે કે હવે જે કાશ્‍મીર છે એ હાથમાંથી નીકળતું જાય છે. પાકિસ્‍તાનને હવે કોઈ ફરક નથી પડતો કાશ્‍મીરના લોકો આપણી સાથે છે કે નથી. આ માટે જ એમણે ટુરિસ્‍ટ જગ્‍યા પર હુમલો કરી અને એમનું લક્ષ્ય પૂરું કર્યું.

આલેખન :-

રવિકુમાર સોલંકી

મો.૯પ૧૦૯૩૪૬પ૪

(4:05 PM IST)