News of Wednesday, 30th April 2025
રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રની ઝુંબેશ : મતદાર યાદીમાંથી ડુપ્લીકેટ નામો રદ કરવા કવાયત : ૩૦૦ નામો કઢાયા
નોટીસો પણ અપાશે : જે મતદારે જાણી જોઇને નામ નહિ કઢાવ્યું હોય તેની સામે આકરા પગલા...

રાજકોટ, તા. ૩૦ : ચૂંટણી પંચના આદેશ બાદ રાજકોટ શહેર અને જિલ્લાની વહીવટી તંત્ર દ્વારા ડુપ્લીકેટ નામો ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યવાહીના પરિણામે શહેર અને જિલ્લામાં આશરે રપ૦ થી ૩૦૦ જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
રાજયભરમાં રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચના બાદ રાજકોટ સહિત વિવિધ શહેરોમાં શંકાસ્પદ નામો અંગે તપાસ કરવા માટે તાજેતરમાં જ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના પગલે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર પણ સક્રિય બન્યુ હતુ અને માત્ર ૧પ દિવસના ટુંકાગાળામાં જ રપ૦ થી ૩૦૦ જેટલા ડુપ્લીકેટ નામો શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ નામો રદ કરી દેવાયા છે.
દરમિયાન કલેકટર જણાવ્યું હતું કે હાલ ડુપ્લીકેટ નામો રદ કરવાની કાર્યવાહી ચાલુ છે., અમુકને જરુર પડયે નોટીસો પણ અપાશે તેમજ જેમણે જાણી જોઇને પોતાના નામો બે-બે વિસ્તારમાં નોંધાવ્યા છે, કઢાવ્યા નથી, તેવા મતદારો સામે ગંભીર એકશન પણ લેવાશે.
(2:55 PM IST)










