<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકોટ શહેરમાં ગરમી વધતા લૂ લાગવાથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાના 108 એમ્બ્યુલન્સને કોલ વધ્યા : છેલ્લા એક સપ્તાહમાં 35થી વધુ કોલ મળ્યા

શહેરમા 21 એપ્રિલ થી 27 એપ્રિલ દરમિયાન મહાનગરપાલિકાના ચોપડે 171 કેસ ઝાડા ઉલટીના નોંધાયા જ્યારે સામાન્ય તાવના 684 કેસ નોંધાયા

રાજકોટ તા.૩૦

ગુજરાતમાં ગરમીને લઈ હવામાન વિભાગે બે દિવસ અગાઉ આગાહી કરી હતી કે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ પડશે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં દરેક જગ્યાએ તાપમાનમાં વધારો થયો છે. ત્યારે રાજકોટ શહેર સૌથી ગરમ શહેર બન્યું છે. રાજકોટ શહેરમાં ગરમી વધતા લૂ લાગવાથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાના 108ને કોલ વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 35થી વધુ કોલ 108ને મળ્યા હતા.

લૂ લાગવાના મળી રહ્યા છે 108ને દરરોજ 3થી 4 કોલ

રાજકોટ શહેરમાં તાપમાન વધતા શહેરમાં રહેલા લોકોને ભારે ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. બપોરના સમયે વધારે પડતા તાપને કારણે શહેરમાં લોકો બિમાર પડી રહ્યા છે, જેના કારણે દરરોજ 3થી 4 કોલ લૂ લાગવાથી હોસ્પિટલે ખસેડવા માટે 108ને મળી રહ્યા છે.

ગરમી વધતા શહેરમાં ઝાડા ઉલટીના કેસમાં થયો વધારો

દેશભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં પણ હાલ ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી હીટવેવની આગાહી પ્રમાણે દરેક જગ્યાએ તાપમાન વધ્યું છે. ત્યારે રાજકોટ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર જાહેર થયું છે. ગરમી વધતા શહેરમાંથી 21 એપ્રિલ થી 27 એપ્રિલ દરમિયાન મહાનગરપાલિકાના ચોપડે 171 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે જ્યારે સામાન્ય તાવના 684 કેસ નોંધાયા છે.

(4:17 PM IST)