News of Thursday, 1st May 2025
ફિનાઇલ-ઝેરી પાવડર પીવાના છ બનાવ
ચા બનાવવા બાબતે ચડભડ થતાં કલ્યાણ સોસાયટીના આરતીબેને ફિનાઇલ, બહેન સાથે કામ બાબતે માથાકુટ થતાં અંજલી મહેંદી પી ગઇઃ કલેશને કારણે યશે લિક્વીડ પીધું: મહિલા, યુવાને ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧: ફિનાઇલ, ઝેરી દવા, પાવડર પી લેવાના પાંચ બનાવો બન્યા હતાં. ભક્તિનગર સ્ટેશન પ્લોટ ગોડાઉન રોડ કલ્યાણ સોસાયટી-૧માં રહેતી આરતીબેન સંતોષભાઇ જાદવ (ઉ.વ.૨૪)એ ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ છુટક કામ કરે છે. સવારે પતિ સાથે ચા બનાવવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
બીજા બનાવમાં શાપર ગંગા ફોર્જિંગ ગેઇટ અંદર વિપુલભાઇના કારખાનાની ઓરડીમાંરહેતી મુળ યુપીની અંજલી બ્રિજેનભાઇ રજપૂત (ઉ.વ.૧૪)ને મોટી બહેન પ્રિયંકા સાથે ઘરકામ બાબતે ચડભડ થતાં માથામાં નાંખવાની મહેંદી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી. તે બે ભાઇ અને એક બહેનમાં નાની છે.
ત્રીજા બનાવમાં માધાપર ચોકડી પાસે કૃષ્ણ હાઇટ્સમાં રહેતાં યશ નિતીનભાઇ પૂજારા (ઉ.વ.૨૯) નામના યુવાને સવારે છએક વાગ્યે ઘરે હતો ત્યારે બાથરૂમ સાફ કરવાનું લિક્વીડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. યશ બે ભાઇમાં મોટો છે અને બેંકમાં નોકરી કરે છે. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. કલેશને કારણે પગલુ ભર્યાની શક્યતા સગાએ જણાવી હતી.
ચોથા બનાવમાં કુવાડવા હરિહર ચોકમાં રહેતાં મંજુલાબેન નાથાભાઇ લઢેર (ઉ.વ.૪૫)એ ફિનાઇલ પી લેતાં અને પાંચમા બનાવમાં રૂખડીયાપરા પંજેતન ચોકના યુવરાજ અતુલભાઇ ભગોરા (ઉ.વ.૧૮)એ માંડા ડુંગર પાસે નકલંક ચોકમાં હતો ત્યારે ફિનાઇલ પી લેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા અને આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.
છઠ્ઠા બનાવમાં પોપટપરા-૧૬માં રહેતો અલ્તાફ અદામભાઇ ઢુસા (ઉ.વ.૨૦) કપડા ધોવાનું લિક્વીડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સરબત સમજીને ભુલથી પી ગયાનું જણાવાયું હતું.
(2:32 PM IST)










