<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

બાપુનગરમાં હત્‍યાના ત્રણ આરોપી પૈકી સાહિલના શેઠ ઓટો પાર્ટસ વેપારી કમલેશભાઇનો ધમકીને લીધે આપઘાત

ઇશાન કાસમાણીની હત્‍યા થઇ ત્‍યારે સાહિલના પિતા સાથે મૃતકના સગાએ ડખ્‍ખો કરતાં કમલેશભાઇની મદદ મંગાઇ હતીઃ કમલેશભાઇને પણ મૃતકના સગાએ ધાકધમકી આપતાં ડરીને વિડીયો બનાવી આત્‍મહત્‍યા કરી લીધાનું સ્‍વજનોનું કથન : આઠ મહિના પહેલા જ કમલેશ સરેરીયા-પ્રજાપતિના લગ્ન થયા હતાં: પત્‍નિ રીમા માવતરેથી ફોન જોડતી હતી, રિસીવ ન થતાં સાસુને જાણ કરીઃ માતા રૂમમાં જોવા જતાં દિકરો લટકતો મળ્‍યોઃ વિડીયોમાં કોના કોના નામ? આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧: શહેરના કોઠારીયા ગામમાં પાણીના ટાંકા પાસે રામ પાર્કમાં રહેતાં અને જીલ્લા ગાર્ડન પાસે બાપુનગરમાં રિક્ષા તથા ઓટો પાર્ટસની દૂકાન ચલાવતાં વેપારી યુવાને વિડીયો બનાવી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બાપુનગરમાં બે દિવસ પહેલા ઇશાન કાસમાણીની હત્‍યા થઇ તેમાં પોલીસે જે ત્રણ આરોપીઓને પકડયા તે પૈકીનો સાહિલ આ વેપારીની દૂકાનમાં કામ કરતો હતો અને સાહિલના પિતા આ વેપારીની રિક્ષા ભાડેથી હંકારતાં હતાં. હત્‍યાનો ભોગ બનનારના પરિવાર કે બીજા લોકોએ સાહિલના શેઠ એવા આ વેપારી સાથે પણ માથાકુટ કરતાં તેણે ગભરાઇને આપઘાત કરી લીધાની વિગતો બહાર આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયાર રામ પાર્કમાં રહેતાં અને બાપુનગરમાં મોમાઇ ઓટો પાર્ટસ એન્‍ડ એસેસરીઝ નામે દૂકાન ચલાવતાં વેપારી યુવાન કમલેશ મુકેશભાઇ સરેરીયા (ઉ.વ.૨૫)ને તેની પત્‍નિ રીમા બહારગામ માવતરે ગઇ હોઇ ત્‍યાંથી ફોન જોડતી હોઇ તે ફોન રિસીવ કરતો નહોતો. આથી તેણીએ પોતાના સાસુ ભાવનાબેનને ફોન કરી કમલેશ ફોન રિસીવ નથી કરતાં તેની જાણ કરતાં પરિવારજનોએ તપાસ કરતાં કમલેશનો રૂમ બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તોડીને જોતાં કમલેશે ગળાફાંસો ખાઇ લીધાનું જણાતાં કલ્‍પાંત સર્જાયો હતો. ૧૦૮ને જાણ કરાઇ હતી. પરંતુ તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ જે. કે. કુરીયા, જયપાલભાઇ સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કમલેશ સરેરીયા બે ભાઇમાં નાનો હતો. તેનો મોટો ભાઇ કંપનીમાં નોકરી કરે છે. પિતા હયાત નથી. પરિવારજનોના કહેવા મુજબ બે દિવસ પહેલા જીલ્લા ગાર્ડન બાપુનગરના ઇશાન મુસ્‍તુફાભાઇ કાસમાણી નામના યુવાનની હત્‍યા થઇ હતી. જેમાં પોલીસે આરોપી તરીકે અફઝલ સિકંદરભાઇ જુણેજા, સાહિલ હુશેનભાઇ પતાણી અને અમાનઉલ્લા ઉર્ફ અમન ઉર્ફ માયા મહેબુબભાઇ ચોૈહાણની ધરપકડ કરી હતી. અમનની પત્‍નિ સાથે મૃતક ઇશાનને અગાઉ લિેશન હોઇ તેના ફોટા હજુ પણ તેની પાસે હોવાની શંકાએ આ હત્‍યા થઇ હતી.

આ ત્રણ આરોપીઓ પૈકી સાહિલ પતાણી આજે આપઘાત કરી લેનારા કમલેશભાઇ સરેસીયાની ઓટો પાર્ટસની દૂકાનમાં નોકરી કરતો હતો. તેમજ સાહિલના પિતા હુશેનભાઇ પણ કમલેશભાઇની રિક્ષા ભાડેથી ફેરવે છે. હત્‍યાની ઘટના બની ત્‍યારે મૃતકના સગા સ્‍વજનોએ સાહિલના પિતા સાથે માથાકુટ કરી ઘર ખાલી કરવાનું કહ્યું હતું. આ વખતે તેણે શેઠ કમલેશભાઇ પાસે મદદ માંગી હતી. આથી હત્‍યાનો ભોગ બનનારના પરિવારજનોએ કમલેશભાઇ સાથે પણ માથાકુટ કરી હતી. તે પૈકીના કોઇએ કમલેશભાઇને ધમકી આપી હોઇ આથી ગભરાઇને તેણે રાતે વિડીયો બનાવી આપઘાત કરી લીધાનું ખુલ્‍યું છે. વિડીયોમાં કોના કોના નામ છે? તેની તપાસ કરી પોલીસ કાર્યવાહી કરશે. આ બનાવને  પગલે સરેરીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. (૧૪.૧૦)

જાકીર દલ, સલિમ સહિતના વિડીયોમાં નામ?

રાજકોટઃ આપઘાત કરનાર કમલેશભાઇએ આ પગલુ ભરતાં પહેલા વિડીયો બનાવ્‍યો હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ મૃતક કમલેશભાઇને ધમકી આપવામાં જાકીર દલ, સલિમ સહિતના નામ સામે આવ્‍યા હોઇ તપાસ થઇ રહી છે. કમલેશભાઇને ધમકી અપાઇ એ ઉપરાંત મારકુટ થયાની શક્‍યતાએ પણ તપાસ થઇ રહી છે.

(3:47 PM IST)