News of Friday, 2nd May 2025
સહકાર વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન : તાલુકા-જિલ્લાના ધર્મસ્થાનો પર સફાઇ કાર્ય

રાજકોટ : વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫ના ઉપક્રમે સહકારની ભાવના વિકસાવવાના ઉદેશ્ય સાથે સહકાર વિભાગ દ્વારા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્થાપના દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ. આ અભિયાનના ભાગરૂપે તાલુકા-જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થાનોની સફાઇ કરવામાં આવી હતી. લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે આ અભિયાનનો મુખ્ય હેતુ હતો. વિવિધ સહકારી સંસ્થાઓ, જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ રાજકોટ, રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક, રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ, રાજકોટ જિલ્લાની તમામ એપીએમસી અને પ્રાથમિક સેવા મંડળીઓના સહકારથી રાજકોટ જિલ્લાના ધાર્મિક સ્થળોએ સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. આ કાર્યક્રમમાં વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર બીમલ એન. પટેલ, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (ગ્રાહક) સ.મં. રાજકોટ નિખિલ ચાવડા, કાર્યાલય અધિક્ષક જી. પી. જીવાણી, સી.ઇ.ઓ. રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (હાઉસીંગ) સ.મં. રાજકોટ વાય. ડી. દુધાત્રા, આસી. મેનેજર સહકારી દુધ સંઘ રાજકોટ સુરેશભાઇ દેત્રોજા, સીનીયર મેનેજર દુધ સંઘ રાજકોટ ડી. એમ. હીરપરા, મદદનીશ સહકારી અધિકારી એસ. ડી. શીરોયા, હેડ કલાર્ક એસ. એ. ફુલાણી તેમજ અન્ય સંસ્થાના અધિકારીઓ-પદાધિકારીઓ અને કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાનમાં સાથે જોડાયા હતા. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.
(2:43 PM IST)










