<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

પૂરવઠા તંત્રે ગૂપચૂપ રાજયના ૧૭ જીલ્લામાં દૂકાનદાર એસો.ના ૫૧ હોદેદારો તથા પૂરવઠાના ૧૭ ગોડાઉનમાં દરોડા પાડતા સન્નાટો

કૂલ ૧૭ ટીમો ત્રાટકીઃ રાજકોટ DSO મોરબીમાં દોડી ગયા હતાઃ રાજકોટમાં જામનગરની DSOની ટીમો ત્રાટકી હતી.. : કશુ વાંધાજનક મળ્‍યું નહીઃ સામાન્‍ય પકડાયુ તે હવે જાહેર થશેઃ તા.૨૪-૨૫ ઓપરેશન હાથ ધર્યુઃ રાત્રે ૧૦ વાગ્‍યે ટીમો આવી પરંતુ હજુ કશુ જાહેર થયું નથી : સસ્‍તા અનાજના દૂકાનદારો- હોદેદારોમાં ફાટી નીકળેલો રોષઃ અમે મુખ્‍યમંત્રીને ૧૦ મુદાનુ આવેદન આપ્‍યુ એટલે દરોડા પડાવાયા..ગંભીર આક્ષેપો એવા છે કે ટીમો દરોડા પાડવાની છે તે દરેક ગોડાઉનમાં ર દિવસ પહેલા ખબર હતી... : હવે કાલે અથવા આવતા અઠવાડિયે હોદેદારો મુખ્‍યમંત્રી- પૂરવઠા મંત્રીને ગાંધીનગર રૂબરૂ રજુઆત કરશે

રાજકોટ તા.૨: તાજેતરમાં રાજયના ફેર પ્રાઇઝ એસો.એ સસ્‍તા અનાજના દુકાનદારોને પડતી ગંભીર અગવડતા, મુશ્‍કેલીઓ અંગે રાજયના મુખ્‍યમંત્રીને રજૂઆતો કરી હતી, રાજકોટમાં અને દરેક જીલ્લામાં ASO  કલેકટરોને  આવેદન અપાયા હતા આ ૧૦ મુદાનું આવેદન અખબારોમાં પણ ઝળકયું હતું.

આ આવેદનબાદ રાજયના પૂરવઠાખાતાના બે હાઇલેવલ અધિકારીની ચેતન ગાંધી (સંયુકત નિયામક), તથા શ્રીમતી દેવાંત્રી દેસાઇ (એકઝીકયુટીવ ડાયરેકટર)ની સૂચનાથી તા. ૨૪ એપ્રિલ અને તા.૨૫ એપ્રિલના રોજ બે દિવસ મોડીરાતથી ફૂલ બનાવાયેલ ૧૭ ટીમો દ્વારા રાજયના ૧૭ જીલ્લામાં ગુજરાત ફેર પ્રાઇઝ એસો.ના હોદેદારો તથા ૧૭ જેટલા પૂરવઠા નિગમના ગોડાઉનમાં ચકાસણી-દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. (૩.૧૭)

કયાં પ્રકારે ચેકીંગ કરવાનું તેની સુચના અપાઇ હતી. જેમાં નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનની તપાસણી નિગમ દ્વારા નિયત ૪૭ મુદ્દાઓના ચેકલિસ્‍ટ મુજબ કરવાની રહેશે.

દરેક દુકાન ઉપર સેમ્‍પલ બોર્ડ, જથ્‍થાનું મેળવણું કરવાનું રહેશે.

દુકાન પર ઇ-કુપન આપવામાં આવે છે કે કેમ? તે અવશ્‍ય ચકાસવું.

ર્ં દુકાન પર ઇલેક્‍ટ્રીક વજન કાંટો રાખેલ છે કે કેમ?

અલગ અલગ વિસ્‍તારના ઓછામાં ઓછા ૨૦ જેટલા ગ્રાહકોના રૂબરૂ નિવેદન લઈ તેમને જથ્‍થો મળે છે કે કેમ? તે ચકાસવું.

છેલ્લા મહિનામાં પાત્રતાની સામે કેટલો જથ્‍થો મળેલ છે તે નિવેદન અવશ્‍ય લેવા.

દુકાનમાં સ્‍ટોક પત્ર નિભાવેલ છે કે કેમ?

દુકાનના અંત્‍યોદય, એન.એફ.એસ.એ. લાભાર્થીઓની યાદી રાખેલ છે કે કેમ?

દુકાન ઉપર લોકો સરળતાથી અવર-જવર કરી શકે છે કે કેમ?

દુકાનદાર જાતે જ દુકાન ચલાવે છે કે કેમ? ઇ-પ્રોફાઇલ.

દુકાન સમયસર ખુલે છે કે કેમ?

રાજય સંચાલિત યોજનાઓનો જથ્‍થો બરાબર મળે છે?

રાજયની સબસીડીની રકમ બાદ કરતા મળવાપાત્ર જથ્‍થો વ્‍યાજબી ભાવે મળે છે કે કેમ?

વિજલન્‍સ કમીટીની મિટીંગ સમયસર મળે છે કે કેમ?

My Ration App વિશે ગ્રાહકો જાણે છે? દુકાનદાર જાણે છે કે કેમ?

દુકાનમાં ભુતકાળમાં ગેરરીતી થયેલ છે કે કેમ?

વિઝીટ બુક નિભાવે છે કે કેમ?

દુકાનમાં સ્‍વચ્‍છતા જળવાય છે કે કેમ?

ઇ-કેવાયસીની કામગીરીની સમીક્ષા.

આ ઉપરાંત સરકાર દ્વારા તપાસણીના નિયત તમામ મુદ્દાઓ આવરી લેવાયા હતા.

ટોચના અધીકારી સુત્રોના કહેવા મુજબ કુલ ૧૭ ટીમો બનાવાઇ હતી, દરેક ડીએસઓ અને તેમની સમક્ષ અધિકારીને તેમની બહારના જીલ્લા અપયા હતા.

રાજકોટ ડીએસઓ રાજેશ્રી વાંગવાણી તેમની ટીમ સાથે મોરબી ત્રાટકયા હતા, તો જામનગરના ડીએસઓ શ્રી સુધીરભાઇ બારડ રાજકોટ ત્રાટકયા હતા, વિગતો મુજબ રાત્રે  ૧૦ વાગે દુકાનદારો ઉઠાડયા હતા, પુરવઠા નિગમમાં ટીમો ત્રાટકી હતી.

ટીમો બનાવાઇ હતી તે ટીમોમાં શ્રી ગ્રીષ્‍મા રાઠવા ગાંધીનગરમાં, નિર્મલ પટેલ-સાબરકાંઠા, દિપ એન. દવે-કચ્‍છમાં, પી.બી. કુંભાણી-ગીરસોમનાથ, ચેતન પ્રજાપતિ-અમરેલીમાં, એ. જી. ગજજર-ભાવગનરમાં, જે.વી. કાકડીયા-દેવભૂમી દ્વારકા, ડો. દીન્‍તા કથીરીયા-બોટાદમાં, કિશન ગર્સર-પોરબંદરમા, કે. બી. સોલંકી-જામનગરમાં, પારસ વાંદા-જૂનાગઢ, શ્વેતા પંડયા-પાટણમાં, હેમાંગીની ગુર્જર-બનાસકાંઠા, કે. કે. ચૌધરી-મહેસાણા તથા બિરેન પટેલ-વડોદરામાં ત્રાટકયા હતા, તમામ ટીમે તા. ર૪-રપ દરમિયાન જીલ્લા દીઠ ત્રણ-ત્રણ દુકાનો કે જે મોટા ભાગના હોદેદારોની છે, તેમાં અને ૧૭ જીલ્લાના ૧૭ જેટલા પુરવઠા નિગમના ગોડાઉનોમાં ઘાત બોલાવી હતી.

દરમિયાન હાલ મળતી વિગતો મુજબ હજુ કશુ વાંધાજનક મળ્‍યું નહી હોવાનું અને જે સામાન્‍ય ગેરરીતી પકડાઇ કે સીઝર થયું તે હવે જાહેર થશે, તેમ અધીકારી સૂત્રો ઉમેરી રહયા છે, આ સુત્રોએ જણાવેલ કે દરેક ટીમને જે કોઇ વાંધાજનક બાબત સીઝર કે ગેરરીતી પકડાય તેનો રીપોર્ટ ગાંધીનગર પુરવઠાના ઉચ્‍ચ અધિકારીઓને કરવો. તા. ર૪-રપ એમ બે દિવસ ટીમોએ ૧૭ જીલ્લામાં ઘાંત બોલાવી રાત્રે ૧૦ વાગ્‍યે ટીમો આવી પરંતુ કશુ વાંધાજનક જાહેર કરાયું નથી. દરમિયાન સસ્‍તા અનાજના દુકાનદારો-હોદેદારોમાં આ તપાસણી સામે પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે, આજે કલેકટર કચેરીએ હોદેદારો હિતુભા જાડેજા, માવજીભાઇ રાખશીયાએ જણાવેલ કે અમે મુખ્‍યમંત્રીને ૧૦ મુદાનું આવેદન આપ્‍યું એટલે દરોડા પડાવાયા છે, આ અગ્રણીઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવેલ કે દરોડા પાડવા ટીમ આવવાની છે તેની દરેક ગોડાઉનમં તો ૧ થી ર દિવસ પહેલા જાણ થઇ ગઇ હતી, પરીણામે ગોડાઉનોમાં કશુ મળ્‍યુ નથી. ઉપરોકત અગ્રણીઓએ જણાવેલ કે પુરવઠા તંત્રની આ ટીમ વ્‍યાજબી નથી, પ૧ દુકાનદારોને ત્‍યાં તપાસ થઇ તેમાં મોટા ભાગના ફેર પ્રાઇજ એસો.ના હોદેદારો છે, કાલે અથવાતો આવતા અઠવાડીયે મુખ્‍યમંત્રી અને પુરવઠા મંત્રીને વિસ્‍તૃત રજુઆતો કરાશે.(૬.૧૮)

(2:59 PM IST)