<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ચાલો પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ : સોમવારથી આત્‍મિય કોલેજમાં ૬ દિવસીય ‘જીવનવિદ્યા વર્કશોપ'

રાજકોટ તા. ૨ : વિશ્વધરા પ્રાકૃતિક કૃષિ ફાઉન્‍ડેશન રાજકોટ અને આત્‍મિય યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે આગામી તા. પ થી ૧૦ સુધી એમ ૬ દિવસીય ‘જીવનવિદ્યા વર્કશોપ'નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે આત્‍મિય કોલેજ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છ દિવસ માટે દરરોજ સવારે ૯ થી સાંજના ૬ સુધી યોજેલ આ વર્કશોપમાં સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાઓમાંથી મળીને ૪૦૦ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા કિસાનો જોડાશે. જેઓને ખેતીની સાથે પર્યાવરણના જતન માટે માર્ગદર્શન અપાશે. પ્રકૃતિ કે પર્યાવરણનું સંતુલન કઇ રીતે જાળવવુ તેમજ ઉદ્યોગ, પ્‍લાસ્‍ટિક અને ખેતીમાં વપરાતા રસાયણો  શું અસર કરે છે તે અંગે માહીતગાર કરાશે. ટુંકમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કઇ રીતે કરી શકાય તે અંગેનું જ્ઞાન આ વર્કશોપમાં પીરસવામાં આવશે. પ્રાકૃતિક ખેતીની સાથે જીવન પણ પ્રાકૃતિક-સહજ-નેચરલ હોય તો જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરી શકાય છે. ખાસ કરીને કિસાનોના જીવનમાં પરિવર્તન આવે તેવો હેતુ આ વર્કશોપનો છે. વર્કશોપ દરમિયાન વિવિધ પ્રાકૃતિક વસ્‍તુઓના સ્‍ટોલ પણ ઉભા કરાશે. વર્કશોપમાં કોઇપણ ધર્મ, સંપ્રદાયના લોકો જોડાય શકે છે. બસ પ્રાકૃતિક ખેતી પ્રત્‍યે રસ હોવો જરૂર છે. વર્કશોપમાં જોડાવા માટે ટોકન ચાર્જ રૂ.૫૦૦ રાખેલ છે. જેમાં ભોજન, ચા-પાણીની વ્‍યવસ્‍થા સામેલ છે. જોડાવા ઇચ્‍છુકોએ મંજુલાબેન ગજેરા (મો.૭૯૯૦૬ ૩૯૮૧૫)નો સંપર્ક કરી શકાશે. સમગ્ર પ્રાકૃતિક કૃષિ વર્કશોપના આયોજન માટે પ્રફુલદાદા સેંજલીયા, સંજયભાઇ અકબરી, દિનેશભાઇ પટેલ, મંજુલાબેન ગજેરા, ભરતભાઇ ભુવા, સાગરભાઇ ઠુંમર, અશ્વિનભાઇ જીવાણી, રૂપાબેન કવા, નીતાબેન સુતરીયા, અલ્‍કાબેન જોશી, હિરેનભાઇ માંડવીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

 તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વર્કશોપ અંગેની વિગતો વર્ણવતા ‘વિશ્વધરા પ્રાકૃતિક કૃષિ ફાઉન્‍ડેશન રાજકોટ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫)ના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૩)

(3:24 PM IST)