News of Friday, 2nd May 2025
રાજકોટમાં ઘુસણખોરી કરીને રહેતાં વધુ ૬ બાંગ્લાદેશી ઝડપાયાઃ આંકડો ૨૧ થયો
એસઓજીએ ૧૨, એલસીબી ઝોન-૧એ ૦૨, બી-ડિવીઝને-૦૨, યુનિવર્સિટી પોલીસે-૦૧, થોરાળા પોલીસે-૦૨, આજીડેમે-૦૨ બાંગ્લાદેશીને પકડયા

રાજકોટ તા. ૨: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાને રાખી ગળહવિભાગ અને ડીજીપી તરફથી મળેલ સૂચના અંતર્ગત રાજ્યભરની પોલીસ અને બ્રાંચ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ઝુંબેશ શરૂ થઇ છે. તે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનરની સુચનાથી શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચ, પીસીબી, એલસીબી, ઇઓડબલ્યુની ટીમોએ તેમજ અન્ય બ્રાંચ અને પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા છ દિવસથી શહેરભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને રહેતાં હોય તેવા બાંગલાદેશીઓને શોધવામાં આવી રહ્યા છે. આ તપાસમાં વધુ ૬ બાંગ્લાદેશી મળી આવતાં કુલ આંકડો ૨૧ થયો છે.
શરૂઆતમાં પોલીસે એક હજારથી વધુ લોકોને ચકાસ્યા હતાં. જેમાંથી ૧૩ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી રાજકોટમાં રહેતાં હોવાનું ખુલતાં આ તમામની હાલ અલગ અલગ એજન્સીઓ દ્વારા પુછતાછ શરૂ થઇ હતી. આ તપાસ હજુ પણ યથાવત રાખવામાં આવી હોઇ છેલ્લે વધુ છ બાંગ્લાદેશી ઝડપાતાં આંકડો ૨૧ થયો છે. ઇન્ટ્રોગેશન બાદ તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી થશે. જે બાંગ્લાદેશી પકડાયા છે તેમાં શહેર એસઓજીએ ૧૨, એલસીબી ઝોન-૧ ટીમે ૦૨, આજીડેમે-૦૨, યુનિવર્સિટી પોલીસે-૦૨, થોરાળા પોલીસે-૦૧ અને બી-ડિવીઝન પોલીસે-૦૨ને પકડયા છે.
ગયા શનિવારથી શહેરના તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, ઇઓડબલ્યુ, એલસીબીએ તપાસ શરૂ કરી રામનાથપરા, ભગવતીપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાંથી એક હજાર જેટલા લોકોને બોલાવી તેની પુછતાછ કરી હતી. તપાસને અંતે આરંભે ૧૦ લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી ગુજરાતમાં અને રાજકોટમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં વધુ ૦૩ બાંગ્લાદેશી મળી આવ્યા હતાં. એ પછી વધુ બે મળતાં આંકડો પંદર થયા બાદ વધુ છ બાંગલાદેશી મળતાં આ આંકડો હવે ૨૧ થયો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ બધા અહિ અલગ અલગ વિસ્તારોમાં રહીને છૂટક મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા આ તમામની પુછપરછ જોઇન્ટ આર્મી, બીએસએફ, એરફોર્સ, એટીએસ, સેન્ટ્રલ અને લોકલ અને સેન્ટ્રલ આઇબી, એસઓજી, ક્રાઇમ બ્રાંચ, ઇઓબી, પીસીબી દ્વારા થઇ છે. પુછતાછને અંતે તમામને ડિપોર્ટ કરી પરત તેમના વતનમાં મોકલી દેવાની કાર્યવાહી થશે.
(3:39 PM IST)










