<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

અમે મુખ્‍યમંત્રીને આવેદન આપ્‍યું એટલે પુરવઠા તંત્રે હોદેદારો પર દરોડા પાડયાઃ આ ભારે અન્‍યાય છેઃ હિતુભા

હવે જો અમારી માંગણી નહિં સંતોષાય તો દુકાનદારો-હોદેદારો ધરણા-દેખાવો જેવા કાર્યક્રમો આપશે...

રાજકોટ તા. રઃ રાજકોટ ફેર પ્રાઇઝ એસો.ના આગેવાનો શ્રી હિતુભા જાડેજા, માવજીભાઇ રાખશીયા, નરેશભાઇ વિગેરે અગ્રણીઓએ એક નિવેદનમાં ઉમેર્યું હતું કે, તારીખ ૧૭ તથા ૧૮ એપ્રિલ ૨૦૨૫ ના દિવસે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનને અનુક્રમે સસ્‍તા અનાજની દુકાનની તપાસણીના સંદર્ભનો  તારીખ ૨૨ સપ્‍ટેમ્‍બર ૧૯૮૯ના પરિપત્રનો અમલ થાય અને પુરવઠા નિગમ દ્વારા ગોડાઉન ખાતેથી સસ્‍તા અનાજની દુકાન ખાતે જે જથ્‍થો પહોંચાડવામાં આવે છે આ જથ્‍થામાં થતી ચોરી બેઈમાની લૂંટ અને મજુરીના નામે ઊઘરાવવામા આવતી ખંડણી સંદર્ભે જુદા જુદા બે આવેદનો રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી સહીત તમામ ટોચના અધિકારીઓને આપવામા આવ્‍યા હતા

આ આવેદેનોના અનુસંધાને ઉલટા ચોર કોટવાલ કો ડંડે જેવો ઘાટ કરવામાં આવ્‍યો હતો  નિગમ દ્વારા રીતસરની લાલિયાવાડી ચલાવવામાં આવે છે આ નિગમ પર કોઈ એક્‍શન કોઈ પગલા લેવાના બદલે અન્‍યાય સામે અવાજ ઉઠાવતા ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના આગેવાનો અને સામાન્‍ય દુકાનદારોને દાબી દેવા માટે તેમની દુકાન ખાતે ઉચ્‍ચ અધિકારીની ટીમ મોકલીને દુકાનોની તપાસણીના નામે બદલાની ભાવના રાખીને અન્‍યાય સામે અવાજ ઉઠાવતા દુકાનદારોને દાબી અને કચડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

આ વખતે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા ૧૯૮૯ ના ઠરાવની અમલવારી અંગે રાજ્‍યના માનવીય અભિગમ ધરાવતા મુખ્‍યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

આ આવેદન બાદ સરકાર દ્વારા નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉન તથા સસ્‍તા અનાજની દુકાનોની તપાસણી માટે તારીખ ૨૩/૦૪/૨૦૨૫ના રોજ   વિવિધ હુકમથી રાજ્‍યના આવશ્‍યક ચીજ વસ્‍તુઓ સંબંધિત પ્રવળત્તિઓનું મોનિટરિંગ અને નિરીક્ષણ કરવાના ઓર્ડર્સ કરવામા આવ્‍યા હતા તારીખ ૨૪ તથા ૨૫ બે દિવસ ઈન્‍ટર ડિસ્‍ટ્રીક જીલ્લા પુરવઠા ટીમ દ્વારા સસ્‍તા અનાજની દુકાનો તથા નાગરિક પુરવઠાના ગોડાઉનની  તપાસણી માટે હુકમો કરવામા આવ્‍યા હતા.

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા આવેદનપત્રોને અનુલક્ષીને  ગુજરાતના જે જિલ્લામાં આ એસોસિયેશન વધારે સક્રિય છે આ એસોસિયેશનના આગેવાનો વધારે સક્રિય છે એવા ૧૭ જિલ્લાઓમાં તપાસના આદેશ આપવામા આવ્‍યા હતા જાણે કે પુરવઠા વિભાગના ચોપડે ગુજરાતમા અને ફક્‍ત સતર જ જીલ્લા હોય એમ આ જિલ્લાના આગેવાનોની દુકાનોની તપાસણી કરવામાં આવી હતી જે દર્શાવે છે કે સરકાર પણ બદલાની ભાવનાથી કામ કરે છે કિન્નાખોરી રાખે છે અને પોતાના હક્ક માટે કોઈ અવાજ ઊઠાવે તો તેવોને પોતાની શાનમા ગુસ્‍તાખી લાગે છે

શ્રી હિતુભા જાડેજાએ પોતાના નિવેદનમાં ઉમેર્યું છે કે,ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશન વેપારી ભાઈઓની ગરિમા પ્રસ્‍થાપિત થાય તે માટે કામ કરી રહ્યું છે વેપારી ભાઈઓને પોષણક્ષમ વળતર મળે એ માટે સરકાર સાથે સતત સંઘર્ષ કરી રહ્યું છે વેપારી ભાઈઓને દુકાન ચલાવતા કે ટેકનિકલ અન્‍ય કોઈ સમસ્‍યા ઉદભવે છે એના માટે સરકાર  પાસેથી સમાધાન લાવવા માટે સતત પ્રયત્‍નો કરતું રહ્યું છે

આ એસોસિએશનને પોતાની માંગણીઓ જો નહિં સંતોષાય વેપારી ભાઈઓનું શોષણ ચાલુ રહેશે તો આગામી દિવસમાં એસોસિએશન દ્વારા ધરણા પ્રદર્શન દેખાવો જેવા વગેરે કાર્યક્રમો આપવામાં આવશે.

(3:51 PM IST)