<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

તું કેમ મને કચરા બાબતે કહે છે? લોહાનગરમાં ઉષા ડોનનો આતંકઃ પડોશણ નયનાના પતિ, સસરા, કાકાજી પર હુમલો

ઉષાએ પુત્ર, ભત્રીજા સાથે મળી ચેઇન ચક્કરવાળા પાઇપ, છરીથી હુમલો કરી ખૂનની ધમકી દીધીઃ એ-ડિવીઝન પોલીસે નયનાના પતિ કિશનની ફરિયાદ નોંધીઃ સામા પક્ષે શનીને ઇજા

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ લોહાનગર મફતીયાપરામાં રહેતી પરિણીતા નયનાએ ઘર પાસે રહેતી ઉષા ઉર્ફ ડોનને કચરો ફેંકવા બાબતે કહેતાં તેણીએ પોતાના પુત્ર, ભત્રીજા સાથે મળી છરી-ચેઇન ચક્કરવાળા પાઇપથી હુમલો કરતાં નયનાના સસરા અને કાકાજી અને પતિ વચ્‍ચે પડતાં તેના પર હુમલો કરાયો હતો. જેમાં સસરા અને કાકાજીને વધુ ઇજા થતાં દાખલ કરવા પડયા હતાં.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે લોહાનગર મફતીયાપરામાં રહેતાં અને ભંગારનો ધંધો કરતાં કિશન જીવરાજભાઇ મકવાણા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી તેના જ પડોશી શની વેરશીભાઇ પરમાર, ઉષા ઉર્ફ ડોન વેરશીભાઇ પરમાર અને કુલદીપ કિરીટભાઇ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કિશને જણાવ્‍યું હતું કે હું ભંગારનો અને કટલેરીનો વેપાર કરુ છું. હું અને મારી પત્‍નિ નયના લોહાનગરમાં રહીએ છીએ અને મારા માતા ગીતાબેન અને પિતા જીવરાજભાઇ આનંદનગર ત્રણ માળીયામાં ભાડેથી રહે છે. સાંજે છએક વાગ્‍યે હું અને મારી પત્‍નિ નયના ઘરે હતાં ત્‍યારે બાજુમાં રહેતો શની, કુલદીપ અને તેની માતા ઉષા ઉર્ફ ડોન અમારા ઘરની બહાર આવી જોર જોરથી બુમો પાડી ‘જીવરાજ બહાર આવ' તેમ કહેતાં અમે બંને બહાર આવતાં ઉષાએ કેમ તારી ઘરવાળી મારા ઘરે કચરા બાબતે બોલવા આવે છે? તેમ કહેતાં મારી પત્‍નિએ તમે અમારા ઘર પાસે ગંદો કચરો નાખો તો કહેવુ જ પડે ને તેમ કહેતાં ઉષાએ વધુ ગાળો દીધી હતી.

બાદમાં મારી પત્‍નિએ તમે કચરો નાખો ને અમે કહીએ તો એમાં ખોટુ શું છે તેમ કહીતાં .ષાએ ઉશ્‍કેરાઇને વધુ ઝઘડો કર્યો હતો. આ વખતે નજીકના મંદિરે મારા પિતા અને કાકા બેઠા હોઇ હું તેને બોલાવવા ગયો હતો. અમે ઘરે આવ્‍યા ત્‍યાં મારી પત્‍નિ સાથે ઉષાએ ઝપાઝપી ચાલુ કરી દીધી હતી. હુ઼, મારા પિતા, કાકા છોડાવવા વચ્‍ચે પડતાં કુલદીપ લોખંડના ચેઇન ચક્કરવાળો પાઇપ લઇ અને શની હાથમાં છરી લઇ દોડી આવ્‍યા હતાં અને મને તથા મારા કાકાને ઇજા પહોંચાડી હતી. મારા પિતા વચ્‍ચે પડતાં તેને પણ કુલદીપે પાઇપ ફટકારી દીધો હતો. મારી બહેન આરતી સગર્ભા હોઇ તેને લઇ હું સાઇડમાં જતો રહ્યો હતો.

શની, કુલદીપ અને ઉષાએ તમે દર વખતે કચરા બાબતે જ મને બોલો છો, હવે કોઇવાર કહેશો તો મારી નાંખશુ કહી ધમકી આપી હતી. મને અને મારા કાકા, પિતાને લોહી નીકળતું હોઇ ૧૦૮ બોલાવાઇ હતી. મારા કાકા ગોપાલભાઇને મધુરમ હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. મને અને મારા પિતાને સિવિલમાં ખસેડાયા હતાં. મારા કાકાને વધુ ઇજા થઇ હોઇ મધુરમમાં તેને ઓપરેશનમાં લઇ ગયા હતાં. મારા પિતા જીવરાજભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૫૦)ને સિવિલમાં દાખલ કરાયા હતાં. મેં પ્રાથમિક સારવાર લીધી હતી. અમારા ઘર પાસે ઉષા ઉર્ફ ડોન કચરો નાખતી હોઇ મારી પત્‍નિએ તેને આ બાબતે કહ્યું હોઇ ખા રાખી હુમલો કરાયો હતો. જેમાં મારા પિતા-કાકા વચ્‍ચે પડતાં તેમના પર હુમલો કરી ધમકી અપાઇ હતી. એ-ડિવીઝન પીએસઆઇ એચ. એન. જેઠવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે શની વેરશીભાઇ પરમાર (ઉ.વ.૩૨) પણ પોતાના પર જીવરાજ, કિશન અને ગોપાલે ધારીયાથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

(2:34 PM IST)