<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

‘હિટ એન્‍ડ રન': રોંગ સાઇડમાં આવેલી બોલેરો કાર સાથે અથડાતાં મોરબી રોડના વેપારી મુકેશભાઇ પટેલનું મોત

બેડી ચોકડીથી સોખડા ચોકડીના રસ્‍તે રાઘવ હોટલ પાસે રાતે બનાવ મહેશ્વરી સોસાયટીમાં રહેતાં ૪૫ વર્ષિય મુકેશભાઇ ડોબરીયા ખેતીને લગતી દવાનું વેંચાણ કરવા સાથે ઇલેક્‍ટ્રીક કામ કરતાં હતાં: વસ્‍તુ લેવા નીકળ્‍યા ત્‍યારે બનાવઃ પરિવારમાં શોકની કાલીમા જીવલેણ અકસ્‍માત સર્જી ચાલક બોલેરો લઇ ભાગી ગયોઃ નંબરને આધારે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩: શહેરના બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જવાના રસ્‍તે રાઘવ હોટેલ નજીક રાતે દસેક વાગ્‍યા આસપાસ  ‘હિટ એન્‍ડ રન'ની ઘટના બની છે. બોલેરો ચાલકે રોંગ સાઇડમાં બંબાટ ઝડપે ગાડી હંકારી કાર સાથે અથડાવતાં કારચાલક મોરબી રોડ પર રહેતાં ઇલેક્‍ટ્રીક કામના કારીગર અને એગ્રીકલ્‍ચરની દવાના વેપારીનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેઓ કોઇ ચીજવસ્‍તુ લેવા માટે જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ સેટેલાઇટ ચોક મહેશ્વરી સોસાયટીમાં રહેતાં મુકેશભાઇ ધનજીભાઇ ડોબરીયા (ઉ.વ.૪૫) રાતે દસેક વાગ્‍યે પોતાની ડેટસન કંપનીની રેડીગો કાર જીજે૦૩કેસી-૧૫૦૭ હંકારીને  જતાં હતાં ત્‍યારે બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ રાઘવ હોટલ પાસે પહોંચ્‍યા ત્‍યારે સામેથી પુરપાટ ઝડપે મહિન્‍દ્રા બોલેરો પીકપ ગાડી જીજે૦૯વાય-૮૪૭૧ના ચાલકે  આવી કાર સાથે અકસ્‍માત સર્જતા કારમાં ભારે નુકસાની થઇ હતી અને ચાલક મુકેશભાઇ કારમાં જ દબાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. હોટલ તરફથી લોકો પણ આવ્‍યા હતાં. આ વખતે તક જોઇ બોલેરોનો ચાલક બોલેરો લઇ ભાગી ગયો હતો. કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેના તબિબે મુકેશભાઇને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં મૃત્‍યુ પામનાર મુકેશભાઇના મોટા ભાઇ અરવિંદભાઇ ધનજીભાઇ ડોબરીયા સહિતના સ્‍વજનો પહોંચ્‍યા હતાં. કુવાડવા પોલીસ મથકના લક્ષમણભાઇ મહાજન સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસે અરવિંદભાઇ ડોબરીયાની ફરિયાદ પરથી અકસ્‍માત સર્જી ભાગી ગયેલા બોલેરોચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અરવિંદભાઇએ જણાવ્‍યું હતું કે અમે ત્રણ ભાઇઓ છીએ. જેમાં દિનેશભાઇ મોટા, હું બીજા નંબરે અને અને મુકેશભાઇ ત્રીજા નંબરે હતાં. તેના પત્‍નિનું નામ જયશ્રીબેન છે અને મુકેશભાઇ છુટક ઇલેક્‍ટ્રીક કામ તથા ખેતીને લગતી દવાનું વેંચાણ કરતાં હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.

મુકેશભાઇ રાતે પોતાની કાર લઇ કોઇ ચીજવસ્‍તુ લેવા માટે નીકળ્‍યા હતાં ત્‍યારે રોંગ સાઇડમાં ધસી આવેલો બોલેરોચાલક અકસ્‍માત સર્જી ભાગી ગયો હતો. મને ઘટનાની જાણ મારા ભાઇ મુકેશભાઇની શેરીમાં રહેતાં એક ભાઇએ ફોનથી કરી હતી. પોલીસે જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા બોલેરોચાલકની શોધખોળ હાથ ધરી છે. આ બનાવથી ડોબરીયા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(2:42 PM IST)