<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સીટી બસ મામલે કોંગ્રેસનો મનપા કચેરીમાં હલ્લાબોલ! વિજીલન્‍સ પોલીસ - આગેવાનો વચ્‍ચે ઝપાઝપી

ઇલેકટ્રીક બસ મુદે એજન્‍સીને કરેલ દંડની રકમ જાહેર કરોની રજુઆત સામે કમિશનરના ટેબલ પર રમકડાની બસો દોડાવીઃ આશ્‍ચર્યજનક કાર્યક્રમ સાથે વિરોધ કરતુ વિપક્ષ

રાજકોટ તા. ૩: ઈન્‍દિરા સર્કલ ખાતે સીટીબસ દુર્ઘટના બાદ કોંગ્રેસ ડ્રાઈવર તેમજ એજન્‍સીની અને અધિકારીઓની જવાબદારી સહિતના મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેવી જ રીતે હાલમાં હીટવેવના કારણે અનેક ઈલેક્‍ટ્રીક બસ બંધ થઈ જતાં મનપાને કરોડો રૂપિયાની ફોલ્‍ટ વાળી બસ પધરાવી દેવામાં આવી છે. તે સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે રમકડાની બસો લઈ મનપાની સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્‍યુનિસિપલ કમિશનરના ટેબલ ઉપર બસ દોડાવતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. છતાં કોંગ્રેસે એજન્‍સીને કેટલો દંડ કરવામાં આવ્‍યો છે તે સહિતની વિગત જાહેર કરવાની માંગ સાથે આવેદન પાઠવ્‍યું હતું.

કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્‍યું  હતું કે, સીટી બસ બાબતે અગાઉ કમિશનરને આવેદનપત્ર અપાયા બાદ તેનો કોઈ યોગ્‍ય હકારાત્‍મક કે નકારાત્‍મક જવાબ ન મળતા આજરોજ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની આગેવાની હેઠળ કોંગ્રેસના ૫૦ જેટલા આગેવાનો મ્‍યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ઘસી ગયા હતા અને ઉગ્ર સુત્રોચાર કરી ન્‍યાય આપો ન્‍યાય આપો પીડીતોને ન્‍યાય આપો, ભાજપનો ભ્રષ્ટાચાર બંધ કરો, સીટી બસમાં ચાલતી ખોટ અંગે ભ્રષ્ટાચારીઓને કડક સજા કરો સહિતના સૂત્રો સાથે કમિશનર કચેરી ગજવી મૂકી હતી અને કમિશનરને આવેદનપત્ર ની સાથે રમકડાની બસો અર્પણ કરી કમિશનરના ટેબલે બસો મુકતા વિજીલન્‍સ પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.

ઈલેક્‍ટ્રીક સીટીબસ મુદદ્દે કોંગ્રેસે આજે કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્‍યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે,  રાજકોટ શહેરમાં ઇન્‍દિરા સર્કલ પાસે સીટી બસની દુર્ઘટના બાદ સીટી બસ નું તંત્ર વામણું અને માયકાગલુ થઈ ગયું છે. ડ્રાઇવરોની હડતાલ અને ગરમીને કારણે બંધ કરાયેલી સીટી બસોને કારણે શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે. વધુમાં પત્રમાં જણાવ્‍યું હતું કે, શહેરમાં ૨૨૪ સીટી બસ તેમાં સીએનજી શો અને ઇલેક્‍ટ્રીક ૧૨૪ બસો નિયમિત દોડતી હતી અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૭ કરોડ વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂૂપિયા ૨૦ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫ માં ૨૮.૩૮ કરોડની ખોટ દર્શાવે છે. દિલ્‍હીની કંપનીની બસો છે. અને કોન્‍ટ્રાક્‍ટ પણ તે કંપની ધરાવે છે.

કોંગ્રેસે રજૂઆતમાં જણાવેલ કે, હાલ શહેરમાં સીટી બસોમાં ટ્રાફિક હોવા છતાં આટલી મોટી ખોટ કરતી હોય ત્‍યારે તપાસ થવી જોઈએ કે ખોટ કયા કારણોસર થઈ રહી છે. અમારી માંગ છે કે જે બસો ગરમ થઈ અને બંધ પડી છે તે તમામ રીપ્‍લેસમેન્‍ટ થવી જોઈએ અને તેને બદલે નવી બસો મુકાવી જોઈએ. ગત ઉનાળામાં બસો ચાલુ હતી તો આ ઉનાળે બંધ કેમ થઈ ? કયારેક ડ્રાઇવરોની હડતાલ અને કયારેક ટેકનિકલ ફોલ્‍ટને કારણે બંધ તો એજન્‍સીને પેનલ્‍ટી કેમ નહીં ? ઓવર હીટીંગ નું કારણ તાપમાન કે બીજો કોઈ ફોલ્‍ટ ? કંગાળ સેવા બદલ એજન્‍સીને બ્‍લેકલિસ્‍ટ શા માટે નથી કરાતી ? જુલાઈ ૨૦૨૨ માં વિશ્વમ સીટી બસ સાથે કોન્‍ટ્રાક્‍ટ બાદ અનેક નોટિસો છતાં કડક પગલાં નહીં એજન્‍સીને આપેલ નોટિસો અને કરવામાં આવેલી પેનલ્‍ટીની માહિતી આપશો. તેની માંગ કરવામાં આવી છે.

આજના કાર્યક્રમમાં અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, દીપ્તિબેન સોલંકી, ડી પી મકવાણા ,વિજયસિંહ જાડેજા, શાંતાબેન મકવાણા, નાગજીભાઈ વિરાણી, મનીષાબા વાળા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, મીનાબેન જાદવ, યૂનુશભાઈ જુણેજા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, અશોકભાઈ વાળા, અજીતભાઈ વાંક,   કનુભાઈ રોજાસરા, દીપકભાઈ પરમાર, લાખાભાઈ ઊંઘાડ, જીતુભાઈ ઠાકર, ગોપાલભાઇ અનડકટ, જેન્‍તીભાઈ હિરપરા, જલ્‍પેશ વાઘેલા, જીગ્નેશ બોરડ, રવજીભાઈ ખીમસુરીયા, દિલીપભાઈ આસવાણી, ચિંતનભાઈ દવે, જીગ્નેશ પાટડીયા, રાજુ ઉમરાણીયા, મયુરસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ- અશોક બગથરીયા)

(3:28 PM IST)