<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

વ્‍યાજખોરીમાં ફસાતાં જંકશન પ્‍લોટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું: પાંચ સામે ગુનો

સાંજે ધર્મેશે ‘હવે તારી પાસે છેલ્લા ૨૪ કલાક છે, પૈસા નહિ આપ તો મારી નાંખીશ' એવી ધમકી આપી : ભાવીન ધર્માણીએ પોતાના અને મિત્રોના નામે ડાયરી વ્‍યાજે, ૧૦ ટકા વ્‍યાજે અલગ અલગ રકમ લીધી હતીઃ વ્‍યાજ ચુકવતો હતો છતાં સતત ધમકીઓ હતીઃ એક શખ્‍સે તો કાર પણ પડાવી લીધી : ધર્મેશ ગોસ્‍વામી, સદામ દલવાણી, કિર્તીરાજ, હરેશ પારવાણી, સલમાન વિકીયાણી સામે મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ સુધી પહોંચ્‍યો છે. જામનગર રોડ વિસ્‍તારમાં રહેતાં અને જંકશન પ્‍લોટમાં મોબાઇલની દૂકાન ચલાવતાં વેપારી યુવાને પાંચ જેટલા શખ્‍સોની વ્‍યાજ માટેની ધમકીથી કંટાળી દુકાનમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે પાંચ શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

જામનગર રોડ પરસાણાનગર-૨ જમુના નિવાસ પાસે રહેતો ભાવીન ઘનશ્‍યામભાઇ ધર્માણી (ઉ.વ.૨૩) નામનો યુવાન સાંજે ચારેક વાગ્‍યે જંકશન પલોટ મેઇન રોડ પર આવેલી પોતાની શક્‍તિ મોબાઇલ નામની દૂકાનમાં  ઝેર પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

ભાવીને પોતે વ્‍યાજખોરીમાં ફસાતાં વ્‍યાજ માટે ધમકી અપાતી હોઇ તેના કારણે આ પગલુ ભર્યાનું કહેતાં પોલીસે તેની ફરિયાદ પરથી ધર્મેશ ગોસ્‍વામી, સદ્દામ દલવાણી, કિર્તીરાજ, હરેશ પારવાણી અને સલમાન વિકીયાણી વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. ભાવીને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. માતાનું નામ રીટાબેન, પિતાનું નામ ઘનશ્‍યામભાઇ છે. જ્‍યારે મારી બહેનનું ના હીનાબેન છે. હું દોઢેક વર્ષથી જંકશન રોડ પર શક્‍તિ મોબાઇલ નામે દુકાન ચલાવુ છું. સાંજે ચારેક વાગ્‍યે મેં દુકાને એકાદ ઢાંકણા જેટલી દવા પી લીધી હતી.

આજથી ચાલીસ દિવસ પહેલા મેં ધર્મેશ ગોસ્‍વામી પાસેથી મારા ભાઇબંધો વરૂણ અને મોહિતના નામે ૫૦-૫૦ હજાર તથા આકાશના નામે ૪૦ હજાર અને મારા નામે ૫૦ હજાર વ્‍યાજે લીધા હતાં. ડાયરી વ્‍યાજની આ રકમ સામે રોજના રૂા. ૧૦૦૦નો હપ્‍તો ભરવાનો હતો. મે આ રીતે કુલ ૧,૯૦,૦૦૦ વ્‍યાજે લીધા હતાં.

અઢી મહિના પહેલા સદામ દલવાણી પાસેથી પણ મારા મિત્ર રાહુલના નામે ૪૦ હજાર, આકાશના નામે ૮૦ હજાર અને મારા નામે ૫૦ હજાર ૧૦ ટકા વ્‍યાજે કુલ ૧,૭૦,૦૦૦ લીધા હતાં. તેમજ છ સાત મહિના અગાઉ કિર્તીરાજ પાસેથી બે લાખ રૂપિયા ૧૦ ટકા વ્‍યાજે લીધા હતાં. તેમજ ફુલછાબ ચોકવાળા હરેશ પારવાણી પાસેથી ચારેક મહિના અગાઉ ૧,૫૦,૦૦૦ ડાયરી  વ્‍યાજે લીધા હતાં. તેમાંથી મેં તેને ૫૦ હજાર ચુકવી દીધા છે.

આ ઉપરાંત સલમાન વિકીયાણી પાસેથી એક મહિના અગાઉ ડાયરી વ્‍યાજે મારા મિત્ર મોહિતના નામે ૫૦ હજાર, મારા નામે ૫૦ હજાર મળી ૧ લાખ લીધા હતાં. જેમાંથી મેં ૬૦ હજાર ચુકવી દીધા છે. હાલ મારા ઉપર ૯થી ૧૦ લાખનો કરજો છે. આ બધા સતત મને ફોન કરી રૂબરૂ આવી ભુંડી ગાળો દઇ વ્‍યાજની ઉઘરાણી કરતાં હોઇ અને હેરાન પરેશાન કરતાં હોઇ તેમજ ધર્મેશ ગોસ્‍વામીએ સાંજે મારી પાસે આવી  ‘તને ૨૪ કલાક આપુ છું, મારા પૈસા આપી દેજે નહિતર જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી. હું સમયસર વ્‍યાજ ન ભરી શકતાં ધર્મેશ ગત ૨૩/૪ના રોજ મારી બલેનો કાર પણ લઇ ગયો છે. એકાદ અઠવાડીયાથી મને વ્‍યાજના પૈસા મામલે આ બધા હેરાન કરતાં હોઇ જેથી મેં ઝેરી દવા પી લીધી હતી. તેમ વધુમાં ભાવીને કહેતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

રેલનગરમાં લઇ જઇ ફોર્મમાં સહી કરાવ્‍યાનો આક્ષેપ

હોસ્‍પિટલમાં દાખલ ભાવીનના પિતા ઘનશ્‍યામભાઇએ જણાવ્‍યું હતું કે મારા દિકરાને વ્‍યાજની ઉઘરાણી માટે મારા દિકરાને રેલનગરમાં કોઇ જગ્‍યાએ લઇ જઇ ધમકાવીને ટીટીઓ ફોર્મમાં સહીઓ કરાવી લીધી હતી. મારા દિકરાને સતત ત્રાસ હોવાથી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

(3:35 PM IST)