News of Saturday, 3rd May 2025
સત્તર વર્ષિય મોડેલ યુવતિને જ્યુસ પાઇ બેભાન કરી કારમાં બળજબરી?: સગીરા સારવાર હેઠળ
અઠવાડીયા પહેલા જ રીબડા પંથકના યુવાન સાથે પરીચય થયા બાદ તે રાજકોટ આવ્યોઃ મળવા બોલાવી ગોંડલ રોડ ચોકડીના પુલ નીચે લઇ ગયાનો આક્ષેપઃ એ-ડિવીઝન પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૩: શહેરની એક હોટેલમાં કેટલાક દિવસથી રહેતી અન્ય એક શહેરની સત્તર વર્ષની સગીરાને અઠવાડીયા પહેલા જ ઇન્સ્ટાગ્રામ થકી પરિચયમાં આવેલા રીબડા પંથકના શખ્સે મળવા બોલાવી જ્યુસમાં બેભાનીયુ પીણું પાઇ કારમાં બળજબરી આચરી લીધાના આક્ષેપ સાથે સગીરા ઝનાના હોસ્પિટલમાં દાખલ થતાં તપાસ શરૂ થઇ છે.
જાણવા મળ્યા મુજબ સત્તર વર્ષની સગીરા છેલ્લા કેટલાક સમયથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન રીબડાના યુવાન સાથે અઠવાડીયા પહેલા જ પરિચય થયો હતો અને મિત્રતા થઇ હતી. આ દરમિયાન શુક્રવારે મોડી સાંજ બાદ આ યુવાન કાર લઇને રાજકોટ આવ્યો હતો અને તેણીને મળવા બોલાવી યાજ્ઞીક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બંનેએ જ્યુસ પીધા બાદ સગીરા બેભાન થઇ ગઇ હતી. એ પછી તેણી ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરૂ સ્થળે હતી.
ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા. તેણીને ઝનાના હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીરાની પૃછા કરી વિગતો મેળવવા કાર્યવાહી કરી હતી. વિશેષ નિવેદન બાદ પોલીસ કાર્યવાહી કરશે. પોલીસે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતોની ખરાઇ કરવામાં આવી રહી છે. સગીરા રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી. તેમના પરિવારના સભ્યો બીજા શહેરમાં રહે છે.
(3:59 PM IST)










