News of Monday, 5th May 2025
એડવોકેટ નયન પજવાણીના સુપુત્ર રીશીની સ્વર્ણિમ સિધ્ધિઃ ICSE ધો.૧૨માં ૯૫ ટકા
પરિશ્રમના આંબા પર ઉગી સફળતાની કસદાર કેરી

રાજકોટ, તા.૫: વ્યકિતના જીવનમાં શિક્ષણનું આગવુ મહત્વ છે, શિક્ષણથી જ્ઞાન મળવા ઉપરાંત નૈતિક, સામાજીક અને બૌધ્ધિક રીતે સક્ષમ બની શકાય છે. શિક્ષણથી જીવનના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડી શકાય છે. શહેરના સુપ્રસિધ્ધ એડવોકેટ શ્રી નયનકુમાર રમણીકલાલ પજવાણી (મો.નં. ૯૮૨૪૫ ૯૫૦૧૧) ના સુપુત્ર અને એડવોકેટ હિમાંશુ પજવાણીના ભત્રીજા ચિ. રીશી પજવાણીએ વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ સમજી શિક્ષણ ક્ષેત્રે કિર્તીસ્તંભ સ્થાપ્યા છે. સેન્ટપોલ સ્કુલના ધો. ૧૨ ના વિદ્યાર્થી રીશી પજવાણીએ ભારત સરકાર સંલગ્ન ઈન્ડીયન સર્ટીફીકેટ ઓફ સેકન્ડરી એજયુકેશનમાં ૯૫% મેળવી સર્વાધિક યોગ્યતા સિધ્ધ કરી છે, તેને દરેક વિષયમાં ૧૦૦ માંથી ૯૧ કરતા વધુ ગુણ મળેલ છે, જેમાં અંગ્રેજીમાં ૯૨, ઈકોનોમિકસમાં ૯૬, કોમર્સમાં ૯૧, એકાઉન્ટસમાં ૯૫ તથા મેથેમેટીકસમાં ૯૯ ગુણનો સમાવેશ થાય છે. તેની જવલંત સફળતામાં શાળાનો માહોલ, શિક્ષકોનું માર્ગદર્શન, સ્વયંની આયોજનપૂર્વકની સખત મહેનત તથા પિતાજી નયનકુમાર પજવાણી તથા માતુશ્રી શ્રીમતી જીજ્ઞાબેનના સ્નેહભર્યા સહકારે મહત્વનો ભાગ ભજવ્યો છે. ચિ. રીશી જુનાગઢના જાણીતા વેપારી ઉમંગ હોઝીયરીવાળા ગિરીશભાઈ રૂપારેલ પરિવારનો ભાણેજ છે. તેની સમગ્ર શૈક્ષણિક કારકિર્દી ઝળહળતી રહી છે.
(12:06 PM IST)










