News of Monday, 5th May 2025
મને રીબડાવાળાએ જ હનીટ્રેપમાં ફસાવી મરવા માટે મજબૂર કર્યો છે, હવે તમે શાંતિથી રીબડામાં જીવજો!
તમે મને બદનામ કરવામાં કોઇ કસર છોડી નથી, આવી બદનામીવાળી જિંદગી નથી જીવવી, મેં તમારી આવી આબરૂ કાઢી હોત તો શું થાત? તમારે ગામ સાથે આવુ નહોતું કરવું...! : અમિતે ચિઠ્ઠીમાં લખ્યું-હવે ભગવાન તમને બચાવે, હવે તમને કોઇ નહિ નડેઃ મારા મિત્રોને વિનંતી આની ઉપર જે કાર્યવાહી થાય તે કરજો, ત્યારે જ મારા જીવને શાંતિ મળશેઃ મેં એની ઉપર હુમલાનો કેસ કર્યો એટલે બધાએ ભેગા મળી મારી સાથે ફ્રોડ કર્યુ, હું દુનિયા છોડીને જાઉ છું : આપઘાત કરનાર અમિત ખુંટની ખળભળાટ મચાવતી સ્યુસાઇડ નોટ : મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૫: શનિવારે રીબડાના યુવાન અમિત દામજીભાઇ ખુંટ વિરૂધ્ધ સગીરા મોડેલે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તેને રાજકોટ એ-ડિવીઝન પોલીસ આ ગુનામાં શોધતી હતી ત્યાં જ આ અમિત ખુંટે આજે સવારે રીબડામાં તેની વાડીએ ઝાડમાં લટકી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણે લખેલી સ્યુસાઇડ નોટ સામે આવી છે જેના લખાણે સીધેસીધો રીબડા તરફ અંગુલીનિર્દેષ કર્યો છે. પોતાને રીબડાવાળાએ જ હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કર્યાનું અમિતે સ્યુસાઇડ નોટમાં લખતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમિત ખુંટે સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જેમાં અનુભાના દબાણથી ગળાફાંસો ખાવ શું, ...(છોકરીનું નામ) અને રાજદિપના ત્રાસથી મરુ છું એવુ એક કાગળમાં લખ્યું છે. સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે હું જાવ છું, મારી સાથે આ ચાર છોકરીયુએ હનીટ્રેપ કરી છે. આ ચાર છોકરીયુમાં એક સોશિયલ મિડીયામાં બોલે છે, તેની સાથે ત્રણ છોકરા છે, આ બધાનું મસ્મોટુ ગ્રુપ છે. જેમાં અનિરૂધ્ધસિ઼હ મહિપતસિંહ અને રાજદિપસિંહ અનરૂધ્ધસિંહ પૈસા દઇને મને ફસાવવા માંગતા હતાં. મેં એની ઉપર હુમલાનો કેસ કર્યો છે. આ બધા ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યુ છે. આ દુનિયા છોડીનુ હું જાઉ છું, મારે પોલીસ સાહેબને કહેવુ છે કે મારી સાથે હનીટ્રેપ કરીને મને ફસાવ્યો છે. હું આખા ગામનું સારુ કરવા ગયો તો એટલે મારી સાથે આવુ કરવામાં આવ્યું છે. આ બધાને સખ્તમાં સખ્ત સજા આપજો. રીબડા અનિરૂધ્ધસિંહે જ કરાવેલ છે, મારી ઉપર આવુ અનેકવાર દમન ગુજારવામાં આવ્યું છે. જેથી મને રીબડા છોડવુ પડયુ઼ હતું.
અમે નાના માણસો છીએ. ભાઇ મંત્ર સમર્થ અને કીશુ બધાનું ધ્યાન રાખજે. મારાથી કોઇ ભુલ થઇ હોય તો મને માફ કરજે. મંત્રને જે જોઇએ તે લઇ દેજે. તારે ભાઇ થઇને બધાનું ધ્યાન રાખવાનું છે. ફુલ પ્લાનીંગથી મને આ બધાએ ફસાવેલ છે. આમાં ઉંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધુ ત્યાંથી જ કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ મજબુર કરવા પાછળ અનિરૂધ્ધસિંહનો જ હાથ છે. આને મને મરવા મજબુર કરેલ છે. લીખીતંગ-અમિત ખુંટ.
જ્યારે બીજા પાનામાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહે બદનામ કરવામાં કોઇ કસર છોડી નથી એટલે આવી બદનામી વાળી જિંદગી મારે નથી જીવવી. જેથી કરીને હું અને મારો પરિવાર ઉંચુ ઉપાડીને ગામમાં નો નીકળી. આવી બદનામી કરી અનુભા આવુ ન કરાય, તમારે સમાધાન કરવું તું તો તમે આવી એક ફોન કર્યો હોત તો હું આવી જાત. મેં તમારી આવી આબરૂ કાઢી હોત તો તમારે છે યાદ છેને ગામમાં પણ બધુ ખુલ્લુ કરીને મારે હવે તમને બદનામ નથી કરવા. તમે ખાલી ગામ સાથે આવુ નહોતુ કરવું. અને હા મારા તમામ મિત્રોને વિનંતી છે કે આની ઉપર જે કાર્યવાહી થતી હોય તે કરજો, ત્યારે મારા જીવને શાંતી મળશે. આવી બે પૈસાની...રાખીને તમે મારી ઉપર આવુ કર્યુ છે, ભગવાન તમને બચાવે, બીજુ શું. કરો રીબડામાં જલ્સા અનુભા. રાજદિપભાઇને કહેજો જય માતાજી, હવે તમને કોઇ નડવા નહિ આવે.
ગોંડલ તાલુકા પોલીસે આ સ્યુસાઇડ મામલે, સ્યુસાઇડ નોટ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બપોર બાદ લાવવામાં આવ્યો છે. અહિ મોટી સંખ્યામાં મૃતકના સગા સ્વજનો, મિત્રો ઉમટી પડયા હોઇ પોલીસ બંદબોસ્ત ગોઠવી દેવાયો હતો.
(4:04 PM IST)










