News of Tuesday, 6th May 2025
રીબડાના અમીત ખુંટના આપઘાત પ્રકરણમાં અનિરૂધ્ધસિંહ સહિતના આરોપીઓ પકડાઇ પછી જ મૃતદેહ સ્વીકારવાની પરિવારની જીદ
અમીતના મૃતદેહને રાજકોટ સીવીલ હોસ્પીટલના ફ્રિઝકોલ્ડ રૂમમાં રખાયોઃ અનિરૂધ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની દોડધામઃ ગોંડલ ફરી ગરમ બન્યુ :આરોપીઓને પકડો પછી જ અમે મૃતદેહ સ્વીકારશું: સવારે ફરીથી અમિત ખુંટના પરિવારના સભ્યોએ માંગણી દોહરાવી

એફઆઇઆરમાં જેના નામ છે એની ધરપકડ થાય પછી જ અમે મૃતદેહ સ્વીકારશું તેમ આપઘાત કરનાર રીબડાના યુવાન અમિત ખુંટના પરિવારજનોએ જણાવ્યું હતું. સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતક અમિત ખુંટના સ્વજનો, મિત્રો, ગામના આગેવાનો, પરિવારજનોએ પોલીસ અધિકારીઓ સમક્ષ ફરીથી આ માંગણી દોહરાવી હતી. ઉલ્લેખનીય છે કે અમિત ખુંટના આપઘાતના બનાવમાં પોલીસે અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ સહિતની સામે ગુનો દાખલ કર્યો છે. (ફોટોઃ અભિજીત બગથરીયા)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૬: પોતાની તાસીર મુજબ છાસવારે ‘ગરમ' રહેતા ગોંડલમાં રીબડાનાં યુવાનના આપઘાતનાં મામલે ફરી ગરમાવો લાવી દિધો છે.આ કિસ્સામાં અનિરુદ્ધસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ થતા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ભરી પીવા તત્પર રહેતા રીબડા જુથ અને જયરાજસિંહ ફરી એકવાર આમને સામને આવ્યા છે.
આપઘાત કરનાર અમીત દામજીભાઇ ખુંટને આપઘાત કરવા મજબુર કરવા અંગે અમીતનાં મોટાભાઇ દ્વારા અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિત રાજકોટની બે યુવતીઓ પર તાલુકા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ રાજકોટ ફોરેન્સિક પીએમ સમયે અમીત ખુંટનાં પરીવાર દ્વારા જ્યાં સુધી અનિરુદ્ધસિંહ સહિત આરોપીઓ ઝડપાઇ નાં જાય ત્યાં સુધી અમીતનાં મળતદેહને નહી સ્વિકારવાની જીદ પકડતા મડાગાંઠ સર્જાઈ હતી. પોલીસ અધિકારીઓએ પરિવારને સમજાવવા કોશીશ કરી પણ પોતાની માંગ મુદે પરિવાર અડગ રહેતા ગત મોડી સાંજે મળતદેહ ફ્રીઝકોલ્ડ રુમમાં રખાયો છે.
ગત વહેલી સવારે રીબડાનાં અમીત દામજીભાઇ ખુંટ ઉ.૩૨ એ લોધીકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુમાં વોંકળામાં આવેલા ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા સનસનાટી મચી જવા પામી હતી. આપઘાત કરનાર અમીત ખુંટ સામે ગત શનિવારે રાજકોટ એ ડીવીઝન પોલીસમાં સગીરા પર દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ થઈ હોય પોલીસ અમીતને શોધી રહી હતી. ફરિયાદનાં બીજા જ દિવસે અમીતે ઝાડની ડાળીએ લટકી જીંદગી ટુંકાવી હતી.
મળતક અમીતનાં ખિસ્સા માંથી ચાર પાનાની સુસાઇડનોટ મળી આવી હતી.જેમાં ખોટી રીતે દુષ્કર્મનાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડાનાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહ ઉપરાંત રાજકોટની રીધ્ધી પટેલ અને પુજા ગોરનાં નામનો ઉલ્લેખ કર્યો છે. દરમિયાન અમીતનાં મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસમાં પોતાનાં નાનાભાઇ અમીતને મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ તેના પુત્ર રાજદિપસિંહ, રિધ્ધી પટેલ, પુજા ગોર તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે Bns કલમ ૧૦૮, ૬૧(૨) ૫૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મનીષભાઈએ ફરિયાદ માં જણાવ્યું કે ગત વિધાનસભાની ચુંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયેલો હોય તે બાબતે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે અમીત ઉપર હુમલો કર્યો હતો. જે અંગે અમીતે બન્ને સામે તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. વધુમાં અનિરુદ્ધસિંહને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસમાં સજા માફી થયેલી હોય જેથી સજા માફી રદ કરવા અમીતે ગળહવિભાગમાં અરજી કરી હતી. જેથી તે વાતનો ખાર રાખી અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહે મળીને પૈસા આપીને રીધ્ધી પટેલ, મીડીયામાં બોલે છે તે પુજા ગોરે અમીતને ફસાવવા અગાઉ થી કાવત્રુ કરી હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી મરી જવા મજબુર કરતા અમીતે વાડીએ જઇ પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ છે. જેથી અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રીધ્ધી પટેલ, પુજા ગોર સહિત સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.
અમીત ખુંટ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં ટેકેદાર હતા. રીબડામાં ગત વિધાનસભાની ચુંટણીમાં ગીતાબા જાડેજાનાં સમર્થનમાં તેમણે કામ કર્યુ હતુ. અમીતે વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ થતા જયરાજસિહ જાડેજા રીબડા દોડી ગયા હતા. અમીતનાં મળતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ લવાયો ત્યારે ગણેશ જાડેજા અને તેના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મળતદેહ લઇ જવાયો ત્યારે ગણેશ જાડેજા પણ રાજકોટ પંહોચ્યા હતા.
પોલીસ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રીધ્ધી પટેલ તથા પુજા ગોરને ઝડપી લેવા દોડધામ કરી રહી છે.(૨.૧૫)
(2:38 PM IST)










