તા. ૨૮ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 7th May 2025
નવાગામમાં સોનલબેનને પુત્ર સાહિલે પાઇપ, ઢીકા-પાટુનો બેફામ માર માર્યો
વિધવા માતાને અગાઉ પ્રેમસંબંધ હોઇ તેનો ખાર રાખી હુમલો કર્યાની કુવાડવા રોડ પોલીસમાં દિકરા વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૭: નવાગામમાં રહેતાં મહિલાને રાતે તેના સગા દિકરાએ પાઇપથી અને ઢીકાપાટુથી બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં કુવાડવા રોડ પોલીસે નવાગામ પંચાયત વાળી શેરી નંબર-૨માં રહેતાં સોનલબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી તેના જ પુત્ર સાહિલ સંજયભાઇ પરમાર વિરૂધ્ધ ગયુનો નોંધ્યો છે.
સોનલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરકામ કરુ છું, મારા પતિનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયું છે. મારે સંતાનમાં એક દિકરો સાહિલ છે જે વીસ વર્ષનો છે અને તેનાથી નાની દિકરી છે. મંગળવારે રાતે અગિયારેક વાગ્યે હું ઘરે હતી ત્યારે દિકરા સાહિલે મારી સાથે જૈમ તેમ બોલી ગાળો દઇ ઝઘડો કરતાં તેને ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી પ્લાસ્ટીકનો પાઇપ ઉઠાવી મને આડેધડ માર મારતાં હાથે-પગે ઇજાઓ થઇ હતી.
મેં મારથી બચવા માટે હાથ વચ્ચે રાખતાં હાથમાં અને માથામાં પણ ઘા લાગી જતાં લોહી નીકળવા માંડયા હતાં. એ પછી દિકરા સાહિલે મને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. જેથી મેં મારા સંબંધી રાજુભાઇ જીણાભાઇ લઢેરને ફોન કરી બોલાવતાં તે મને ૧૦૮માં બેસાડી હોસ્પિટલે લઇ ગયા હતાં. આ હુમલાનું કારણ એ છે કે અગાઉ મારે દિપક પરમાર સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે દિકરાએ મનદુઃખ રાખી ખાર રાખી મને પ્લાસ્ટીકના પાઇપથી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમ વધુમાં સોનલબેને જણાવતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. પી. વી. રાઠોડે ગુનો દાખલ કર્યો હતો.
(2:13 PM IST)










