તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 7th May 2025
રીબડાના અમીત ખુંટના આપઘાત પ્રકરણમાં રાજકોટના વકીલ સંજય પંડીત અને ગોંડલના દિનેશ પાતરની પુછતાછ
બે યુવતીની પુછપરછમાં ચોંકાવનારી વિગતો ખુલીઃ વકીલ સહિત બેની પુછતાછ ચાલુ છેઃ રૂરલ એસપી હિમકરસિંહ : સાંજ સુધીમાં પોલીસ ધડાકો કરવાના મુડમાં :આપઘાત પ્રકરણની તપાસ જેતપુરના પીઆઇ એ.ડી.પરમારને સોંપાઇ

રાજકોટ, તા., ૭: ગોંડલ તાલુકાના રીબડા ગામના અમિત ખુંટના આપઘાત પ્રકરણમાં પોલીસે બે યુવતીની પુછતાછ કરતા ચોંકાવનારી વિગતો ખુલી છે. પોલીસે રાજકોટના વકીલ સંજય પંડીત અને ગોંડલના દિનેશ પાતરની પુછતાછ હાથ ધરી છે. સાંજ સુધીમાં પોલીસ આ પ્રકરણમાં ધડાકો કરે તેવી શકયતા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રીબડા ગામના વતની અને રાજકોટ રહેતા અમિત દામજીભાઈ ખુંટ સામે રાજકોટ એ ડીવીઝન પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ થયા બાદ અમીત ખુંટે રીબડા સ્થિત તેની વાડીમાં આપઘાત કરી લીધો હતો. આપઘાતની ઘટના બાદ મૃતકના ભાઇએ અમીત ખુંટને આપઘાત માટે મજબુર કરનાર રીબડાના અનિરૂધ્ધસિંંહ મહિપતસિંહ જાડેજા, રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રહે. બંને રીબડા) તથા રિધ્ધી અને પુજા નામની યુવતી સામે ે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
દરમિયાન આ ચર્ચાસ્પદ બનાવમાં ઉંડાણ પુર્વક તપાસ કરવા રૂરલ એસપી હિમકરસિંહે રૂરલ એલસીબી, રૂરલ એસઓજી તથા સ્થાનીક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હતી. તેમ જ આ પ્રકરણની તપાસ જેતપુરના પીઆઇ એ.ડી.પરમારને સુપ્રત કરી હતી. રૂરલ પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી તથા તેની બહેનપણીની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો ખુલી હતી.
આ બંને યુવતીની પુછપરછ બાદ રૂરલ પોલીસે રાજકોટના વકીલ સંજય પંડીત અને ગોંડલના દિનેશ પાતરની સઘન પુછતાછ હાથ ધરી છે તેમ રૂરલ એસપી હિમકરસિંહે જણાવ્યું હતું.
દરમિયાન આ આપઘાત પ્રકરણમાં પોલીસ ધડાકો કરે તેવી શકયતા છે.
(3:46 PM IST)










