News of Wednesday, 7th May 2025
મનપા દ્વારા રવિવારે ‘‘સાયકલોથોન''
‘‘હેલ્ધી ગુજરાત-ઓબેસીટી ફ્રી ગુજરાત''અંતર્ગત રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ ક્લબનો સહયોગ સાયકલીસ્ટોનું સવારે ૬ કલાકે આર્ટ ગેલેરી ખાતે રજીસ્ટ્રેશનઃ બહુમાળી સામેના ગેઇટથી પ્રવેશ

રાજકોટઃ મનપા દ્વારા તા.૧૧ને રવિવારના રોજ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનરતુષાર સુમરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે “Healthy Gujarat - Obesity Free Gujarat” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ ક્લબના સહયોગથી આગામી તા.૧૧ને રવિવારના રોજ આર્ટ ગેલેરી પાસે, રેસકોર્ષ ખાતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયકલોથોનમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ સવારે ૬ કલાકે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સાયકલોથોનમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ બહુમાળી ભવન બાજુના ગેઈટમાંથી એન્ટ્રી લેવાની રહેશે.
આ સાયકલોથોનમાં ૧૦ કિ.મી.નો રૂટ રાખવામાં આવશે, આ સાયકલોથોનમાં જોડાનાર સાયકલીસ્ટો માટે લક્કી ડ્રો થી પ્રોત્સાહક ઈનામ તરીકે ૧૦ પાર્ટીશીપન્ટને સાયકલનું ઈનામ આપવામાં આવશે. તમામ સાયકલીસ્ટો માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.
આ સાયકલોથોનમાં વધુને વધુ સાયકલીસ્ટો, શહેરીજનો તેમજ ઍન.જી.ઓ. જોડાઈ તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અનુરોધ કરાયો છે.
(4:04 PM IST)










